________________
૧૬૫
એલચપુરના રાજા એલચદેવનું નામ લે છે. શ્રીજિનપ્રભસૂ. મ. વિ. સં. ૧૩૮૫માં થયા. શ્રી લાવણ્યસમયજી મ. વિ. સં. ૧૫૮૫માં થયા. શ્રી ભાવવિજયજી મ. એ વિ. સં. ૧૭૧૫માં પુનઃ પ્રતિષ્ઠા કરાવી છે તેમણે કરેલું પ્રભુનું વૃત્તવર્ણન તદ્દન નોખું છે.
શ્રી ભાવિજયજી મ. આ કથા કહે છે તે પૂર્વે પોતે પ્રભુનો ચમત્કાર અનુભવી ચૂક્યા છે. દીક્ષા લીધા પછી આ મહર્ષિને ઉનાળાની ગરમી લાગી ગઈ તેથી આંખની જ્યોત ચાલી ગઈ હતી. ગુરુએ તેમને શ્રી પદ્માવતીમંત્ર આપ્યો હતો. પદ્માવતીએ શ્રી અંતરિક્ષ ભગવાનનું નામ આપ્યું. શ્રી ભાવવિજયજી મ. પ્રભુ સમક્ષ પધાર્યા. પ્રભુની સ્તવના આરંભી. પ્રભુના નામરસમાં એ તરબોળ બન્યા. સામોસામ બેઠેલા પ્રભુની સુવાસ અનુભવાતી હતી, પ્રભુનાં સાંનિધ્યનો રોમાંચ અંગેઅંગ ઉભરતો હતો. આંખો અંધારે ગરક હતી. સ્તુતિઓ ગવાતી ગઈ, આંધળી આંખેથી આંસુ ઝરતા રહ્યા. પ્રભુની ભક્તિનો જીવંત પ્રભાવ રેલાતો હોય તેમ એ ભીની આંખોમાં નૂર આવ્યું. અચાનક જ એ આંખો મીંચાયા બાદ ઉઘડતી હોય તેમ, જોવાનું સંવેદન પામી. પહેલાની નજર જનમદાતા દ્વારા સાંપડી હતી. આ નજરનો પુનર્જન્મ હતો. પુનર્જન્મના દાતા હતા શ્રી પાર્શ્વનાથ ભગવાન, અંતરિક્ષદાદા.
પ્રભુની સામે અંધાપાની આખરી ક્ષણો ગુજરી હતી. પ્રભુની સમક્ષ જ નજરના નવજીવનની પ્રારંભિક ક્ષણો ઘડાઈ હતી. પ્રભુને નિહાળીને કૃતાર્થ બનેલી આંખો, પ્રભુનાં નામે જ જ્યોત પામેલી આ મોંધેરી આંખો એ રાતે નિદ્રાના પાલવમાં સપનું ભાળે છે. એમાં આદેશ જેવી વાણી સંભળાય છે : ભગવાનનું મંદિર ઘણું નાનું છે, એ મોટું બનવું જોઈએ. તમારા ઉપદેશથી આ મહાન્ કાર્ય પાર પડી શકશે. એ મહાત્મા રોમાંચભાવ અને કૃતજ્ઞભાવ સાથે જાગી જાય છે. પ્રભુની કૃપા મળી તે સાથે જ પ્રભુનાં ધામનો જીર્ણોદ્ધાર કરવાની
ઘડી આવી પહોંચી હતી. મહાત્મા ત્યાં જ રોકાયા. તેમના ઉપદેશથી જિનાલયનો સંપૂર્ણ ઉદ્ધાર થયો. વિ. સં. ૧૭૧૫ ચૈ. સુ. ૬ રવિવારના દિવસે પ્રભુ ગભારામાં પધાર્યા. પ્રભુની સ્તુતિ કરી તેનાથી પ્રભુ પીઠિકાનાં સ્થળે પધાર્યા. હા, પધાર્યા, બિરાજ્યા તો નહીં જ. પ્રભુ એક આગળ ઊંચે સ્થિર થયા.
૧૬૬
પુનઃ પ્રતિષ્ઠાનો અનુપમ લાભ લેનારા મહાત્માએ શ્રી અંતરિક્ષ પાર્શ્વનાથકૃપાત્મક સ્વચરિત્ર લખ્યું છે. તેમાં પ્રભુનાં હ્યસ્તન ભૂતકાળને પરંપરાથી અલગ રીતે જ આલેખ્યો છે. પ્રભુની કથા તેમણે આ મુજબ લખી છે :
રાવણના સંબંધી ખરદૂષણ રાજા પ્રવાસે નીકળ્યા. રસ્તે રોકાયા. ત્યાં રસોઈયાને ભગવાનની મૂર્તિ લાવવા કહ્યું. રસોઈયો કહે : હું લાવવાની ભૂલી ગયો છું. પૂજા વિના તો ચાલે જ કેમ ? રાજા જાતે મૂર્તિ ઘડવા બેસી ગયા. વેળું અને છાણની ભવ્ય મૂર્તિ બનાવી. પૂજા કર્યા બાદ તેનું વિસર્જન કૂવામાં કર્યું. એ કૂવો આંબલીના ઝાડની પાસે જ હતો. કેટલોય કાળ વીતો ગયો તે પછી એક રાજા ત્યાં આવ્યો. તેને રોગ શાંત કરવો હતો, શિકાર નહીં. કૂવાનાં પાણીથી તરસ સંતોષી. એના કોઢ રોગથી એ એવો ત્રસ્ત હતો કે રાતે ઊંઘ પણ આવતી નહોતી. એ દિવસે તે આરામથી ઊંઘ્યો. સવારે રાણીએ રાજાનું રૂપ જોયું. રાજા પાસે કૂવાની વાત જાણી. ત્યાં જઈ રાજાને કૂવાના પાણીએ સ્નાન કરાવ્યું. રાજા નિરોગી થઈ ગયો.
તરત જ દૈવી સાક્ષાત્કાર માટે તેણે ઉપવાસ શરૂ કર્યા. ત્રીજા ઉપવાસે દેવ સાક્ષાત્ થયા કહે : અંદર પાર્શ્વપ્રભુની મૂર્તિ છે. તે ભરાવી છે ખરદૂષણે. હું કેવળ પૂજા કરું છું. રાજાએ મૂર્તિની માંગણી કરી. દેવે સ્પષ્ટ ના કહી. રાજાના ઉપવાસ સાત થયા. એ થાકવામાં નહોતો માનતો. એને ભગવાન જોઈતા હતા. કોઈ પણ ભોગે. સાતમા ઉપવાસે ધરણેન્દ્ર દેવે પ્રગટ થઈને કહ્યું : આની પૂજા તમે કરી નહીં શકો. તમારું કાર્ય થઈ ગયું છે હવે તમે જાઓ. રાજાએ માંગણી કરી તેમાં ભાવ અદ્ભુત હતા : હું ભગવાન માંગુ છું તે મારા માટે નહીં. મારે જગત માટે ભગવાન જોઈએ છે. મારા પ્રાણ આ મૂર્તિમાં પૂરાયા છે.
ધરણેન્દ્ર પ્રસન્ન થાય છે. કહે છે : મૂર્તિ આપીશ પણ આશાતના કરતો
નહીં.
મૂર્તિ બહાર કાઢવાની વિધિ પણ દેવરાજ બતાવે છે ઃ જુવારના સાંઠાની પાલખી બનાવવાની. સૂતરના તાંતણે એને બાંધીને કૂવામાં ઉતારવાની. તેમાં મૂર્તિ હું મૂકી દઈશ. બહાર લીધા પછી જુવારના સાઠાને ગાડાના રથમાં પધરાવવાની. પંચમકાળ છે, મૂર્તિમાં હું હાજર રહીશ. મૂર્તિની ઉપાસના કરશે