________________
૧૩૯
૧૪૦
ધાર. મુખમુદ્રા જીવંત બને. દૂધધારા તો પાછી અડસઠ તીરથે નહાવા નીકળી છે. એ પ્રભુના ખભે થઈને હાથ પર અને હૃદય પર વહેતી જાય. ફેલાઈને એકબીજામાં ભળી જતી ધારાઓ પ્રભુના ખોળે વિરમે. ઉપરથી નવાં અમૃત ઉમટે. ધારાઓ છલકાઈને પ્રભુના જાનું પરથી સરી આવે, છલકાતા બંધની જેમ પ્રભુનાં અર્ધપદ્માસનબદ્ધચરણ પરથી ઉજળા રેલા ઉતરી આવે.
દૂધને પૃથ્વીનું અમૃત કહે છે. અમૃતના સ્પર્શે જીવન મળે. પ્રભુ મૂર્તિને આ અમૃતનો સ્પર્શ થોડા સમય માટે સચેતન બનાવી દે છે. આ વાસ્તવિકતા એટલી તો અદભુત છે કે કલ્પનાના રંગો કોઈ કામ નથી લાગતા.
પોષ સુદ ૧૪: ભદ્રાવતીજી પ્રભુનો હાર. સોનાનું ઘડતર. હીરાનું જડતર. એક જ હાર છે છતાં ચાર હારની ઝાંખી થાય. પ્રભુના ગળે સુવર્ણનો પટ્ટો છે. તેની બરોબર નીચે અર્ધચંદ્ર આકારનો પહેલો હાર છે. આ હારના બે છેડેથી બીજો હાર ઉતરી આવે છે, તે હૃદયના મધ્યભાગને સ્પર્શે છે. બીજા હારના અડધેથી ત્રીજો હાર, સંકળાય, તે છેક નાભિ સુધી લંબાય છે. દક્ષિણી કળાના સ્પર્શે હારને બેનમૂન રૂપ સાંપડ્યું છે. સામાન્ય રીતે હાર સેરમાં ગૂંથાયો હોય છે. આ હાર પટ્ટાથી ઘડાયેલો છે. પ્રભુની મૂર્તિ ભીંતમાં જડી હોવાથી હાર પહેરાવી નથી શકાતો. માત્ર ચડાવી શકાય છે. હાર બનાવવાની દૃષ્ટિએ મૂર્તિની ઊંચાઈ પણ ખાસ્સી બધી છે. હાર વજનદાર એટલો છે કે એક હાથેથી ઊંચકી ન શકાય. છતાં પ્રભુનાં હૈયે એ ફૂલની માળા સમો નાજુક બની જાય છે.
ગળામાં ચુસ્ત રીતે બેસી ગયેલો પહેલો હાર, મુખમુદ્રાની લગોલગ હોવાને કારણે ભરાવદાર દેખાય છે. બારીક જડતરના કણેકણ આંખોમાં આવી ભરાય છે. અમે કાંઈ ફુલોની જેમ કરમાવાના નથી, એવા ગર્વભાવથી એ પ્રભુને ભેટે છે. બીજા હારનો પટ્ટો સહેજ પહોળો. શ્યામમૂર્તિની પશ્ચાદભૂમિમાં એનો લાંબો ઝોલ બેહદ રમણીય લાગે છે, જાણે અલકનંદા. પ્રભુના શ્રીવત્સને એની કોર અડે છે. ભગવાનની પૂજા થતી હોય ત્યારે આ હાર પર કેસર વધુ છંટાય છે. એ એનો રોજીંદો હર્ષ. આ હાર પર ઝુલતા ત્રીજા હારનો પટ છેવાડે, મધ્યબિંદુ પર એકદમ પહોળો થઈ જાય છે. પ્રયાગથી આગળ ચાલી નીકળતી
ભાગીરથી જ સમજો. ચોથો હાર સ્કંધથી ઉતરીને બીજા હારને મળી જાય છે. ત્રીજા હારને અંતે ચારેય હારનાં સાયુજયની તેજશિખા સમું પેન્ડલ રચાયું છે. નાગરવેલનાં પાન જેવા આકારનું રચનાકર્મ પ્રભુના હાથને સ્પર્શે છે. વચ્ચે વર્તુળસમો અવકાશ રાખ્યો છે. તે કોમળતાને જીવંત રાખે છે. ત્રીજા હારનો વિશાળ પટ્ટો આ પેન્ડલને બન્ને છેડેથી સાચવે છે. હકીકતમાં આ પૅન્ડલ નથી. અહીં મોટો હીરો કે રત્ન મૂક્યો નથી. એ જ ઝીણેરા હીરાનાં ઝૂમખાં છે. આખો હાર પૂનમરાતનાં આભમાં ઝળકતી આકાશગંગાની યાદ અપાવે છે. આષાઢી વાદળાના ઢગ ઉપર ઝબૂકતી વીજળી, ચાલુ વરસાદે જેણે જોઈ હોય તેને જ પ્રભુમૂર્તિ અને હારની સંવાદિતા સમજાય. ભદ્રાવતીના દરબારમાં આ બારમાસી ચોમાસું સતત ઘેરાયેલું રહે છે. આવનાર ભીંજાય જ.
પ્રભુનાં હૈયે વસે એનું નિર્માણ સાર્થક. પ્રભુમૂર્તિ સદા માટે આંખોમાં વસી જાય તે રીતે મૂર્તિસૌંદર્ય વધારનારા હારના સોના-હીરાના તો જનમોજનમ સાર્થક.
કાર્યકર્તાઓ ગૌરવથી કહે છે : હમે આંગી બનાને કી જરૂર હી નહીં. હાર હી સબસે બડી આંગી હૈ. સાચી વાત છે. હાર એ જ આંગી છે. એવી આંગી જે ભગવાનનું અનિવાર્ય અંગ બની ગઈ છે.
પોષ પૂર્ણિમા : ભદ્રાવતી એ ભાઈને સપનામાં નાગદેવતા મળ્યા. હાથ જોડી વિદાય આપી તો નાગદેવતાએ પૈસા માંગ્યા. ભાઈએ લાચારી બતાવી. નાગદેવતાએ પોતાની પાછળ આવવા કહ્યું. જંગલની ભીતરમાં એક સ્થળે નાગદેવતાએ અડકીને કહ્યું કે અહીં મહાન તીરથ હતું. તેનો જીર્ણોદ્ધાર કરાવો. એ ભાઈ જગ્યાનું અવલોકન કરે એટલામાં નાગદેવતા અલોપ, સપનું પણ. એ જગ્યાએ તપાસ કરી તો ભવ્ય પ્રતિમાજી મળ્યા. અંદાજે ત્રણ હજાર વરસ પ્રાચીન. જોતજોતામાં તીરથ બન્યું, પ્રસિદ્ધિ ફેલાઈ.
ભદ્રાવતી તીર્થની આ કથા છે. ભગવાનનો સંકેત સ્વપ્નમાં મળ્યો હોવાથી આ ભગવાનને સ્વપ્નદેવ કહે છે. ભગવાનની મૂર્તિ રેતની બની છે. ખૂબ જ નાજુક દેહ, શ્યામરંગી લેપમાં મૂર્તિ સર્વાંગસુંદર લાગે છે. પહેલા માળે