________________
૧૩૧
૧૩૨
હવે ઉઘાડા પગે જમીનના ઊના લેપ માણવાના છે. જોકે, ગરમગરમ જમીન પર ચાલ્યા છીએ ઘણી વાર. આ દઝાડો સાવ જુદો છે. છઠ્ઠા આરાનો કાળખંડ જાણે બે-પાંચ દિવસ માટે આગળ ઊડી આવ્યો છે.
ફરિયાદ કરવાથી તકલીફો મટતી નથી. તકલીફો વેઠવી હોય તો ફરિયાદો કરવાનું શોભતુંય નથી. વેઠવાનું છોડવું કાં તો ફરિયાદ છોડવી. વેઠવાનું તો નથી છોડવું. તો હવે ? ફરિયાદો છોડી દો. ચૂપચાપ સહન કરો. શું સમજયા ?
પાણીની રેલમછેલ ચલાવી લેવાતી નથી. મોટી આલોચના આવે છે. આ સાધુઓ છૂટથી પાણી વાપરતા હતા. આખા શરીરે પાણી ચોપડતા હતા. શરીર પવિત્ર રાખવાનો સિદ્ધાંત તેમનામાં મોટો છે તેથી પગથી માથા સુધી સાફસૂફી ચાલતી રહેતી હતી. આપણે ઉકાળેલું પાણી વાપરીએ, તે વહોરીને લાવીએ એટલે ઓછા પાણીએ ચલાવવાનો સંસ્કાર જળવાય છે. આવા તો ઘણા નિયમો સરખાવી શકાતા હતા.
ગૃહસ્થો આવેલા. મોટા બાપજી પૂછતા હતા. હમારે લિયે ચંદા ઈકટ્ટા કિયા થા વો ભેજ દો. નહીં તો આપ હી રખ લાગે. હમારા પૈસા આપકે હાથમેં રહે વો ઠીક નહીં હૈ. શરીર પર કપડા સુદ્ધાં ન રાકનારા બાપજી પૈસાને ‘હમારા' કહેતા હતા. વિહારના ખર્ચાનું એડજસ્ટમેન્ટ તૂટે નહીં તેની ફિકર હતી. મેં તો મોઢામોઢ સંભળાવી દીધું એમને : સાધુ હો કે પૈસે કી ફિકર કરતે હો. પૈસે સે આપકો ક્યા લેના દેના. બિચારા બઘવાઈ ગયેલા. વિહાર કરતા હતા ત્યારે એમને ઈન્ટેલર (નાક સૂંઘવાનું) આપ્યું તો રાજી થઈને લઈ લીધું. નિષ્પરિગ્રહમાં થોડો ઉમેરો થયો. જિનકલ્પનો ત્રીજો વારસો.
પ્રભાવિત કરે તેવું જ્ઞાન, વિદ્વત્તા કે સ્વભાવ ન મળે. નાના બાપજી તો વટથી કહેતા હતા કે “હમ તો સિર્ફ હિંદી જાનતે હૈ. સંસ્કૃત હમકો જમતા નહીં, હિંદી સે ચલતા ભી તો હૈ.' બધા દિગંબર સાધુ આટલા અબુધ નહીં હોય.
વૈશાખ વદ ચૌદશ : કૌશાંબી દેવાધિદેવ પદ્મપ્રભ સ્વામી ભગવાનની તીર્થયાત્રા થઈ તે સાથે જ અમારા વિહારનો ક્રમભંગ થયો. નવતરાનો અસહ્ય ઉકળાટ વધી પડ્યો. માટલામાં ભરેલાં પાણી ગરમ થઈ જતાં હતાં. પસીનાના રેલા જમીન સુધી પહોચ્યા હતા. આકાશનો ભઠ્ઠો ધગધગતો હતો. મોસમ એવી વિચિત્ર હતી કે સૂર્યાસ્ત પછી જ ગરમી વધી જાય. હવા ગાયબ થાય. ધરતીનાં પડમાંથી ધુમાડા નીસરે. ભીંતોમાં અંગારા ભર્યા હોય તેવું લાગે. વૃક્ષો ટૂંઠાની જેમ ઊભેઊભા સુકાય. રાતે દોઢ બે વાગે તે પછી હવા નીકળે. ગરમી ઘણી જોઈ છે. આવો તપારો કદી વેક્યો નથી. આજે સાંજે વિહાર છે. તાપ ઉકળતા સીસા જેવો છે. ચાલવાની તપસ્યા શું હોઈ શકે તે હવે સમજાશે. આજ સુધી મસ્તી કરતા રહ્યા.
જેઠ સુદ ૩: કસહાઈ હવે આગળના મુકામની ફિકર નથી રાખી. સીધા નીકળી પડીએ છીએ. આગળ તપાસ કરાવતા નથી, પહેલેથી ખબર મોકલાવતા નથી. ગામ હોય ત્યાં જગ્યા તો હોય જ. આ સમીકરણ સાચે જ કામ લાગે છે. ક્યારેક વધારે ચાલવું પડે, ક્યારેક ધાર્યા સ્થાને જગ્યા મળી જાય. અગવડ નથી રહેતી. ગઈકાલે સાંજે ગનીવાફાર્મ પહોંચ્યા. સવારે જમના નદી પાર કરી હતી. ટ્રેક્ટરના આવવા સાથે જ ધણધણી ઉઠતા કાચા સેતુ પરથી જમનાનાં ઊંડા નીર વહેતાં જોયાં હતાં. સૂરજનો તડકો અટકી પડે તેવી ઉત્તુંગ ભેખડોની વચ્ચેથી નીકળ્યા હતા. બપોર સુધી સ્કૂલમાં રોકાઈ સાંજે ત્યાં આવ્યા હતા. ત્યાંથી ના આવી. સામે નાનું સરખું મકાન હતું. એક વયોવૃદ્ધ બાવાજી બેટા હતા. હનુમાન મંદિર અને પાનનો ગલ્લો એક સાથે ચાલતા હતા. મકાનમાલિક અમને જો ઈને પાગલ થઈ ગયો. આગતાસ્વાગતામાં એ મચી પડ્યો. અમારી તહેનાતમાં માણસોની ફોજ ખડી કરી દીધી. ગરમ પાણી લઈ આવ્યો. કહે : ચરણામૃત લેના હૈ, લાખ ના પાડી છતાં, થાળીમાં પગ મૂકાવી. જબરદસ્તીથી પગ ધોયા. પાણી માથે ચડાવ્યું. આહારપાણી લેવાનો ભાવભર્યો આગ્રહ કર્યો. ના પાડી તો કહે : “હમ આભીર હૈ, બોલના નહીં જાનતે. કૈસે સ્વીકાર હોગા ?રાતે ન ખાવાનું વ્રત એને ગળે ના ઊતરે. મહામહેનતે સમજાવ્યું તો બોલ્યો : ‘અચ્છા તો દૂધ લીજીયે, કુછ ફલાહાર લે લો.’ બધી જ ના સાંભળ્યા પછી એ હતપ્રભ થઈ ગયો. મોડી રાત સુધી પગ દબાવતો રહ્યો.