________________
૧૩૩
૧૩૪
લોકો સાધુને ભગવાન માનીને પૂજે છે. ખુલ્લા દિલે જીવનની બધી વાતો કરે છે. માર્ગદર્શન માંગે છે અને કિરપા કરવા કહે છે. સાધુ સાવધ ન રહે તો ગયા કામથી. એને લાગશે કે પોતે મહાનુ થઈ ગયો, બીજા કરતાં ઊંચે સ્થાને બિરાજીત થયો.” સાધનાની બેદરકારી અને પાખંડની રમત આમાંથી શરૂ થાય છે. ઘણા બધા આદરસત્કારને લીધે એ પોતાને ઈશ્વરનો અવતાર માનવા લલચાઈ પડે છે. પોતે માનવ-મર્યાદામાં બંધાયેલો છે એ સત્ય ભુલાઈ જાય છે. દોષ કોને દેવો તે સમજવું મુશ્કેલ છે. ઝૂકી પડનારા ભોળા ભક્તો સાધુને પતિત કરવા નથી ઇચ્છતા. સાધુએ જાગૃત રહેવું જોઈએ. આપણા સાધુભગવંતો નિર્લેપ રહે છે, રહી શકે છે કેમ કે તેઓ સતત પરીક્ષાનો સામનો કરે છે. ગુરુદ્વારા પરીક્ષા લેવાય છે એટલું જ નહીં, ભક્તો દ્વારા પણ પરીક્ષા લેવાતી રહે છે. ભૂલ થાય તો માત્ર ગુરુ જ નહીં, શ્રાવકો પણ સાધુની ખબર લે છે. ભૂલ ન થાય તોય ગુરુ અને શ્રાવકોની નજર બરોબર ઘૂમતી હોય છે. હિંદુ સાધુઓમાં આવી શિસ્ત નથી. ગમે તે માણસ સાધુ બની જાય છે. ગમે ત્યાં પહોંચી જાય છે. મંદિર ઊભા કરીને પગદંડો જમાવી લે છે. ભોળા ભક્તો પર દયા કરવાની કળામાં એ લોકો સિદ્ધહસ્ત બની ગયા હોય છે એટલે જિંદગી નીકળી જાય છે. સાચી સાધુતા દૂરની દૂર રહે છે. ખેર.
આજે સવારે તે મકાનમાલિક સાડા ત્રણ વાગે આવી પહોંચ્યો. અમને વળાવવા. લગભગ નવ વાગતા સુધી સાથે રહ્યો. એનાં ઘરની ગાડી આવી. એમાં તાજું ઘી મંગાવેલું તેણે. કહે : સ્વીકાર કરના હી હોગા. ઉત્તરપ્રદેશનો આ આખરી અનુભવ હતો.
યેષ્ઠ પૂર્ણિમા : ઝિંઝરી પાવાપુરીમાં મહામહિને પ્રતિષ્ઠા હતી. બિહારમાં ચૂંટણીઓ જાહેર થઈ તેને લીધે પ્રતિષ્ઠાનું મુહૂર્ત બદલાયું. સરવાળે અમારો એક મહિનો એમ જ વીત્યો. એ ત્રીસ દિવસનો ઘાટો આજે, જેઠ મહિનાની પૂનમે બરોબર નડે છે. ચોમાસા આડે મહિનો બાકી રહ્યો છે ને હજી ૩૫૦ કિ. મી. ચાલવાનું બાકી છે. વાદળાઓ હવે ગમે ત્યારે પાણી ઝીંકી દે છે. રસ્તા પર ભાગતાં વાહનો ગંદુ પાણી ઉડાડતાં જાય છે. સફેદ કપડાંના બાર વાગી જાય છે. ઠીક છે, વિહાર
લાંબા ખેંચીશું તો દસ-બાર દિવસમાં પહોંચી જવાશે. તકલીફની વાત બીજી છે. છેક ચાર-પાંચ મહિના પછી હવે આપણાં ઘરોવાળા ગામ આવે છે. આ લોકો ખરા દિલથી સાધુને ઝંખે છે, ભક્તિ હોય છે, શ્રદ્ધા હોય છે, સાધુઓનો યોગ નથી મળતો તેની વેદના હોય છે. વરસે એકાદ-બે વખત સાધુ પધારે. ઊભા પગે રોકાય. સવારે આવ્યા હોય ને સાંજે તો નીકળી જાય. થોડા દિવસની સ્થિરતા મળતી નથી. એમની તરસ અણબૂઝેલી રહે છે. એમને પ્રશ્નો પૂછવા હોય છે, જાણવું હોય છે, પોતાને શું ખબર નથી એની જાણકારી મેળવવી હોય છે. ધર્મની મૂળભૂત બાબતોથી એ સૌ અજ્ઞાત હોય છે. માત્ર સાધુ જ આપી શકે તેવું પાયાનું સિંચન એમને નથી મળ્યું. યુવાપેઢી વિમુખ છે અને બાળકો નીરસ રહે છે.
આરાધક વર્ગ તો એકદમ ઓછો. પર્યુષણના આઠ દિવસ સિવાય ધર્મનો નાતો વિશેષ જળવાતો નથી. એ લોકોના આદર-સત્કાર જોઈને વધુ રોકાવાનું મન થાય છે. માનપાનનો સવાલ નથી. એમની ભાવનાને ધર્મબોધનો રંગ મળે, એમની નાની મોટી ભૂલો ટળે, એમની આસ્થા કટ્ટર બને અને વરસભર એ સૌ ધર્મના સંબંધમાં રહે એવું ભાથું બંધાવી આપવાની ઇચ્છા થાય છે. પરંતુ લાચારી પારાવાર છે. મોટાં શહેરોમાં મહાત્માઓ હોય છે તો લોકો કામધંધામાં પડ્યા રહીને પૂરતો લાભ નથી લેતા. આ લોકો મહાત્માઓ પાછળ મરી ફીટવા તૈયાર છે તો અમને આગળ જવાની ઉતાવળ છે. એક તો માંડ સાધુ આવે, બીજું આવતા પહેલાં જ જવાની વાત હોય. પામવાની પાત્રતાવાળાને આમાં ભારે અન્યાય થઈ જાય છે. નવકલ્પી વિહારો મજાના હતા. ક્ષેત્ર યોગ્ય લાગે તો રોકાઈ જવાનું. આજે રોકાવાનું નથી હોતું. આગળ પહોંચવાનું હોય છે. જય બોલાઈ ગઈ હોય છે.
મધ્યપ્રદેશનો આ ઈલાકો દિગંબરોનો ગઢ ગણાય છે. દરેક ગામમાં એમનાં ઘર હોય જ. મોટાં સ્થાનોમાં તો ત્રણસો ચારસો ઘર અચૂક હોવાના. એકથી વધુ મંદિરો બંધાવ્યા હોય. એમના મહાત્માઓને લાવે, આર્થિકાઓને લાવે. ચોમાસા થાય, મોટા કાર્યક્રમો ગોઠવાય ને પ્રવચનો ચાલે. આપણા ભલાભોળા ભક્તો તેમાં ભળે. આપણા હોવા છતાં એ, આપણા સાધુઓને, આપણા ભગવાનને પ્રશ્નની નજરે જોવા માંડે. આ નુકશાનીના વિચારમાત્રથી અંતરમાં ઊભી તડ પડે છે.