________________
100
નથી' કહીને બેસી રહેશે. સંસારમંગલ સચવાતું રહેશે. નવાં તીર્થો બનશે. યાત્રાઓ ચાલતી રહેશે. આ વિરાગતીર્થની યાદ આવશે જ નહીં. નવાં તીર્થોમાં લાભ લેવાશે. પ્રેરણાઓ અને સદુપદેશ અપાશે. તકતીઓ મૂકાશે, યોજનાઓ ભરાશે. આ કામવિજયતીર્થ બિહારના ખૂણે જેમનું તેમ રહી જશે.
કારણોસર પાટલીપુત્ર જેવું પ્રભાવક તીર્થ લગભગ ભુંસાઈ જવાની અણી પર પહોંચ્યું છે. હમણાં દિલ્હીના જૈનો જાગ્યા છે. તેઓ રસ લઈ રહ્યા છે. ધીમે ધીમે તીર્થ ઉત્થાન પામશે તેવું લાગી રહ્યું છે. તીર્થનો મોભો જાળવીને ઉત્થાન સિદ્ધ કરવું હોય તો ભારતના ખૂણે ખૂણેથી પાટલીપુત્રની ચિંતા કરનારા જાગવા જોઈએ. ગીતાર્થ ગુરુભગવંતોના શબ્દોની રાહ જોવાઈ રહી છે.
ચોર્યાશી ચોવીશી સુધી ચાલનારી યશકથાની મૂળ ભૂમિ પરનું સ્મારક ચોર્યાશી વરસ પણ ટકી શકે તેમ નથી. કોને ધ્યાન રાખવું છે આનું ? શ્રી સ્થૂલભદ્ર સ્વામીજી મહારાજાનાં એકમાત્ર તીર્થની ઘોર ઉપેક્ષા થઈ છે આજ સુધી. શ્રી સ્થૂલભદ્રસ્વામીજી મહારાજાના ગુણાનુવાદ કરવાનો કે સાંભળવાનો સત્તાવાર હક આપણે રાખી ન શકીએ. ગણિકા કોશાનો ઉદ્ધાર થયો કેમ કે તેણે શ્રી સ્થૂલભદ્રજીની ઉપેક્ષા કરી નહોતી. આપણે તો શ્રી સ્થૂલભદ્રજીની સરાસર ઉપેક્ષા રાખી છે. આપણો ઉદ્ધાર શી રીતે થશે ?
ફાગણ વદ ચૌદશ : બરહાનપુર
નજીકમાં જ શ્રી સુદર્શન મુનિની દેરી છે. પ્રાચીન પગલાં છે. અભયારાણીના ઉપસર્ગ પછી વિરક્ત થઈ સુદર્શન શ્રેષ્ઠી દીક્ષિત બન્યા. વિહાર કરતા પાટલીપુત્ર પધાર્યા. વનમાં કાઉસ્સગ રહ્યા. રાણી અભયાની દાસી કપિલા ચંપાપુરીમાં બદનામી થઈ તેથી ભાગી નીકળી. પાટલીપુત્રની વિખ્યાત ગણિકાના ઘેર રહી. રાણી અભયાની જેમ જ એ દુષ્ટ ગણિકાને તેણે, મહાત્મા સુદર્શનનાં રૂપની વાત કહી ઉત્તેજીત કરી. ગણિકાએ શ્રાવિકાના વેષે મહાત્માને પોતાને ઘરે પધારવા વિનંતી કરી. મહાત્મા પધાર્યા. ફરી વાર અનુકૂળ ઉપસર્ગની સામે મહાત્મા સુદર્શન અચળ રહ્યા. ગણિકા હારી. મહાત્મા વનમાં પધાર્યા. અભયા રાણી મરીને વ્યંતરી થઈ હતી તે મહાત્મા સુદર્શનને ક્રૂર ઉપસર્ગો દ્વારા પરેશાન કરવા મથી. મહાત્મા સમકાલીન રહ્યા. આ દિવ્ય કથાની યાદમાં પૂર્વજો દેરી બનાવી ગયા છે.
બિહારમાં–ગુજરાત, મહારાષ્ટ્રની જેમ જૈન વસ્તીની ભીડ નથી. એકંદરે આપણાં ઘરો ઓછાં છે. દિગંબરોનું જોર પણ વધારે છે. સાધુ ભગવંતોની અવરજવર ઓછી હોવાથી જાગૃતિ જોઈતા પ્રમાણમાં નથી. આવા