________________
૧૦૨
૧૩
કશીદેશ વારાણસી નગરી
ચૈત્ર સુદ પાંચમ : ચંદ્રપુરી તોતીંગ ઊંચાઈ પર દેરાસરનું મેદાન છે. મેદાનની કોરે ઢાળ નથી, ગંગામાં ઝૂકતો સીધો પ્રપાત છે. અહીંથી પડીએ તો નીચે પહોંચતા ચાર પાંચ સેકંડ લાગી જાય, ત્યાંથી ઉપર પહોંચવામાં એક જ સેકંડ. દર ચોમાસે આ ઊંડાણનો ફેલાવો વધી રહ્યો છે. કિનારો તૂટતો જાય છે, દેરાસરની જમીન પાણીમાં ધોવાતી જાય છે. ભરચોમાસે ગંગા પૂરબહારમાં વહેતી હોય ત્યારે દેરાસરની ભીંતો થરથરે છે ને પાયા હચમચે છે. કિનારે ઘાટ નથી બાંધ્યો તેથી ગંગા હાથ ફેલાવી રહી છે. એનાં સૌન્દર્યમાં અહીં ક્રરતાની ધાર આવી ગઈ છે. સંસારમાં ડૂબતા આત્માઓને બચાવનારા દેવાધિદેવ શ્રી ચંદ્રપ્રભ સ્વામી ભગવાનની ભૂમિ ગંગાનાં વહેણમાં ડૂબી જશે તેવી ભીતિ સેવાઈ રહી છે.
પ્રભુની પાસે પહોંચ્યા. મહાશ્રીમંતના ઘરદેરાસર જેવું નાનું છતાં ભવ્ય દેરાસર. પ્રભુનાં ચરણે બેસીને જનમોજનમની વાતો કરવી હતી. આ ભવના છેવાડે સથવારો દેવાનું વચન પ્રભુ પાસે લેવું હતું. આગલા જનમમાં તો સાથે જ લઈ લેવાની જીદ કરવી હતી. સ્તવનો, સ્તુતિઓ, સ્તોત્રોમાં ડૂબી જવું હતું. ચિંતાની લાગણી આગળ નીકળી ગઈ હતી. ભગવાનના નિવાસ પર વિપદા ઘેરાઈ હતી. નિસર્ગની નિર્બળતા હતી કે નારાજગી તે સમજાતું નહોતું. પ્રભુજીનાં ચાર કલ્યાણક અહીં થયાં. કેવળજ્ઞાન કલ્યાણક પછી સમવસરણ મંડાયાં ત્યારે છએ છ ઋતુ સાથે રહેતી, કાંટા વાગવાનું ભૂલી જતાં. ઊંચાં વૃક્ષોય ઝૂકી પડતા. હવા તો નૃત્યમુદ્રામાં જ રહેતી. રોગ શમી જતા ને દુકાળ ઓસરી જતા. આજે ગંગા જેવી ગંગા નડી રહી છે.
એક વાત નક્કી છે. ભગવાનને કશું નથી થવાનું. પરીક્ષા ભક્તોની છે. એ લોકો ભગવાન માટે કેટલી કુરબાની દેવા તૈયાર છે તે જોવામાં આવશે. કોણ કેટલી ચિંતા કરે છે ને કેટલી વાતો કરે છે તેનું અવલોકન થશે. પછી ભગવાનની શક્તિ આપમેળે જાગશે. ભૂલી જનારા ને ઉપેક્ષા કરનારા જોતા રહી જશે. ભગવાનનું ધામ ગંગા નદીમાં દૂર દૂર સુધી પડછાયા પાડશે. પ્રભુના મહિમાથી બધા વાના સારા થશે. દાદાની ધજા ફરકતી જ રહેવાની છે. ભક્તોની નબળાઈ છતી થશે. અરે, થશે શું ? થઈ જ રહી છે.
અહીંનો પુજારી દિગંબર મંદિરમાં પૂજારી છે. બંને દેરાસરની ચાવી એના ઘેર રહે છે. અમારી આગળ એ દિગંબર સાધુની ફરિયાદ કરતો હતો. દિગંબર સાધુઓ આગળ એ કેવી ફરિયાદ કરતો હશે તેની તપાસ કરવી પડશે. બે કાંઠા ગંગાને જ શોભે.
ચૈત્ર સુદ છઠ : આશાપુરી શ્રી શ્રેયાંસનાથ ભગવાનનાં ચાર કલ્યાણકની ભૂમિ તે આ સિંહપુરી. વિપાકસૂત્રમાં સિંહપુરીના કારાવાસનું ભયાવહ વર્ણન આવે છે. નરભવના નરક જેવા કાતિલ જલવાસ માટે સિંહપુરી પંકાઈ હતી. દુર્યોધન નામનો દૂર અધિવીક્ષક હતો તે ભયંકર વેદના આપવામાં નિષ્ણાત હતો. આજની Third Degree જ સમજો . કેદીનાં મોઢામાં ગરમ તાંબુ રેડે, ખારું તેલ ભરે. કેદીને સીધા સૂવડાવી એના મોઢામાં હાથી ઘોડાનું મૂત્ર વહાવે. કેદીની છાતી પર મોટ્ટી શિલા મૂકી બંને બાજુથી હલાવે. માથે, ગળે, હથેળી, ઘૂંટણ, પગના સાંધામાં ખીલા ઠોકાવે. ઊંધા માથે લટકાવી ગંદા ખાબોચિયાનાં પાણી પીવડાવે. શરીર પર વીંછી છોડી મૂકે. લોહિયાળ ઘા પર સૂકા ઘાસ ચોંટાડે. લોહી સૂકાય ત્યારે ઘાસ જોરથી ચાવી લે, એ હાહાકાર સર્જીને પોરસાતો. એ સિંહપુરીનું નામ આજે ભૂંસાઈ ગયું છે. આ સ્થાન આશાપુરી તરીકે પ્રસિદ્ધ છે. પ્રભુનું દેરાસર છે. કેવળજ્ઞાન કલ્યાણકનું સમવસરણ મંદિર છે. સંકુલના કોટનાં ગુંબજારોમાં ચ્યવન-જન્મ અને દીક્ષાનાં મંદિર છે. પ્રભુનાં ધામમાં દિવસોના દિવસો સુધી રહેવું જોઈએ, તેને બદલે એક જ દિવસમાં જવાનું હતું તે બદલ ભગવાનની લાખલાખ માફી માંગી. જે ધરાતલ પર પ્રભુ વરસો સુધી રહ્યા અને વિચર્યા તેને થોડા કલાકમાં જુહારવાનું હોય તેમાં સંતોષ ક્યાંથી થાય ? અહીંના બગીચાનાં