________________
૯૭
ભદ્રબાહુસ્વામીજી મહારાજાએ અહીં આગમ સૂત્રોની વાચના આપી હતી. મંત્રીશ્વર શકટાલનાં બલિદાન દ્વારા પ્રતિબુદ્ધ આર્ય શ્રી સ્થૂલભદ્રજીએ દશ પૂર્વેનું જ્ઞાન મેળવ્યા પછી અભિમાનમાં આવીને સિંહનું રૂપ ધારણ કર્યું હતું. તેમના સંસારી પક્ષે બહેન સાધ્વી આવ્યા તે ડરી ગયા હતા. આચાર્ય ભગવંતે આ જોઈને એમને આગળ ભણાવવાની ના પાડી હતી. સંઘની વિનંતીથી માત્ર સૂત્રપાઠનું દાન કર્યું હતું. એ સમયની સંસ્કૃતિના શ્વાસોમાં પ્રાણ પૂરતું હતું પાટલીપુત્ર.
ફાગણ વદ બારસ : આરા
ઇતિહાસનું સામ્રાજ્ય સમૃદ્ધ છે. દિગ્વિજયી સમ્રાટને નિતનવા ઉપહારો મળ્યા કરે છે તેમ ઇતિહાસને યશસ્વી જીવનગાથાઓ અને નગરકથાઓ મળતી રહે છે. દુર્જય ગઢને લીધે પાટલીપુત્ર પર આક્રમણ અસંભવ હતું. ફૂડકપટ ખેલાયા. પૌષધવ્રતી રાજાનું ખૂન થયું. ખૂની હતો છદ્મવેષીસાધુ વિનયરત્ન. એ ભાગી નીકળ્યો. શાસનની અપકીર્તિ ન થાય તે માટે એના ગુરુ આચાર્યભગવંતે આત્મવધ કર્યો. પાટલીપુત્રની ધૂળમાં ધર્માત્મા અને ધર્માચાર્યનું લોહી ભળ્યું. વીરનિર્વાણ પછીની એ સૌથી કરપીણ ઘટના. રાજા ઉદાયી નિઃસંતાન મર્યા. રાજગૃહીના રાજેશ્વર શ્રેણિકમહારાજાની વંશપરંપરાનો ભયાનક અંત આવ્યો, પાટલીપુત્રમાં.
નવી વંશ પરંપરા ચાલી. રાજા નંદ અને મંત્રીશ્વર કલ્પક. પાટલીપુત્રનું નામ સોળે કળાએ ઊઘડ્યું. રાજા અને મંત્રીની વારસાગત પરંપરામાં નવમા નંદ અને મંત્રીશ્વર શકટાલ થયા. ઈર્ષાખોર વરરૂચિને લીધે મંત્રીશ્વરનું અકાળ મૃત્યુ થયું. પાટલીપુત્રનાં સિંહાસન પર તેના જ મંત્રીની લોહીલુહાણ લાશ પડી. મંત્રીપુત્ર સ્થૂલભદ્ર વિલાસી જીવન છોડી અલખના અવધૂત બન્યા. ફરી ક્રાંતિના બૂંગિયા વાગી ઊઠ્યા.
આચાર્ય કૌટિલ્ય તરીકે પ્રસિદ્ધ બનેલા મહામાત્ય ચાણક્ય અને સમ્રાટ ચંદ્રગુપ્તની જુગલબંદીમાં પાટલીપુત્રનો પ્રભાવ વિદેશ સુધી ફેલાયો. પરંપરા વહેતી રહી. બિંદુસાર, અશોકશ્રી, કુણાલ, સંપ્રતિ. બધા નામો મહિમામંડિત રહેતાં.
ટ
ઘટનાઓનો તોટો નથી પડતો. શ્રી ભદ્રબાહુસૂરિજી મહારાજાની નિશ્રામાં આગમવાચના યોજાઈ હતી. દૃષ્ટિવાદના વાચનાર્થી એક જ હતા : આર્ય શ્રી સ્થૂલભદ્ર. તેમની ભૂલ થઈ તો તેમનેય ભણાવવાની ના પાડી સૂરિ ભગવંતે. સંઘના આગ્રહથી સૂત્રવાચના થઈ. ચૌદ પૂર્વની અંતિમ વાચના પાટલીપુત્રના નસીબમાં હતી. શ્રી વજસ્વામીજી મહારાજાએ ધનશ્રેષ્ઠીની પુત્રી રુક્મણીને બોધ આપ્યો. શ્રી ઉમાસ્વાતિજી મહારાજાએ તત્ત્વાર્થની રચના કરી. મહાબ્રાહ્મણ શ્રી આર્યરક્ષિતે ચૌદ વિદ્યાનો અભ્યાસ કર્યો. આ બધું જ અહીં બન્યું, પાટલીપુત્રમાં.
પાટલીપુત્રનાં યુગસર્જક પરિબળો, આજે ‘હતાં’ થઈ ગયાં છે. કેવી કરુણતા ?
ફાગણ વદ તેરસ
તળાવમાં લીલી વેલ ઊગી નીકળી છે. પાણી ઊંડે ચાલી ગયું છે. કોશાનું કમલદ્રહ સૂનું પડ્યું છે. જૂની ભીંતો તૂટીને આડી પડી છે. વરસાદી ભેજથી કાળાં થર ચડી ગયાં છે. જૂનું, ખંડેર જેવું મકાન છે. તેમાં શ્રી સ્થૂલભદ્રજીનાં પગલાં છે. આ કોશાનું ભવન હતું. સામે તળાવ દેખાય તેમાં નૌકાવિહાર અને જલક્રીડા થતી. તૂટેલી ભીંતો નૃત્યમંડપની છે. ધર્માત્મા પિતાની મૃત્યુપર્યંત ઉપેક્ષા કરાવનાર વિલાસધામ. બાર વરસની બેફામ અને બેજવાબદાર જીવનચર્યાનું કેન્દ્રસ્થળ. અને મોહભંગ પછી ચોર્યાશી ચોવીશી સુધી ગાજે તેવું અજીબોગરીબ પરાક્રમ સિદ્ધ કરી આપનારી યોગભૂમિ. સાર્થવાહના અદૃષ્ટપૂર્વ આમ્રવેધના જવાબમાં સરસવના ઢગલાં પર કમળ મૂકીને તેની પર નૃત્ય કરનારી કોશાદેવીએ આ મહેલને કાજળનું ઘર કહી ઓળખાવ્યો હતો. એના ડાધ માત્ર શ્રી સ્થૂલભદ્રજીને ન લાગ્યા. આજે ડાઘ જીર્ણ થઈ ગયા છે. ભીંતો ખખડી ગઈ છે. જમીન બેસતી જાય છે. ભોગવિદ્યાના સાગરતળિયેથી યોગવિદ્યાના અનંત આકાશમાં પહોંચનાર મહાત્મા સ્થૂલભદ્રનું આ સ્મારક એક દિવસ તૂટીને ટીંબો
બની જશે. સરકાર એની પર કબજો લઈ લેશે. પટનાનો સંઘ કમ્મર કસીને એને બચાવવા મથશે. રોજબરોજ ગુરુભગવંતોનાં શ્રીમુખે માંગલિક શ્રવણ કરતી વખતે મંગલં સ્થૂલભદ્રાદ્યા સાંભળનારા ભારતના ભક્તજનો ‘અમને તો ખબર જ