________________
૯૫
અડધો ભાગ એમનો ઠરાવી દીધો. આપણા વોકઆઉટનું કાંઈ નથી ઊપજતું. શિખરજીના પહાડની માલિકી આણંદજી કલ્યાણજી પેઢીની છે, ઉપરની ટૂંકોની માલિકી શ્રી શ્વેતાંબર કોઠીની છે. દિગંબરો આમાં બેવડી ચાલ રમે છે. તેમણે પહાડ પર ગેરકાયદે મંદિર ઊભું કર્યું. તેનો વિરોધ કોઠી ન કરે અને મુખ્ય ટૂંકોમાં ભંડાર મૂક્યા તેનો વિરોધ પેઢી ન કરે તેવી ચાલાકી કરી. કેસ ચાલતા તેના વકીલોમાંય તેમની ચાલબાજી રહેતી. નવું મંદિર બાંધ્યા બાદ તેમનાં કહેણ આવે છે કે આ મંદિર તોડી નાંખો તો અમે ઊભું કરી નહીં શકીએ. આપણે ખાનદાની રાખીએ છીએ. અને શ્રી જલમંદિરના વિસ્તારમાં નહાવાના ઓરડા બાંધવામાં આવે છે તો કોઈ આવીને તોડી નાંખે છે. દિગંબરો કહે છે કે જલમંદિર બંધાવનારા જગત્ શેઠ શ્વેતાંબરોની જેમ દિગંબરોને પણ સત્કાર આપતા હતા. તે લોકો યાત્રાની ગાઈડ છપાવે તેમાં લખે છે કે શ્વેતાંબરી લોગ સિર્ફ જલમંદિર કી યાત્રા કરતે હૈં. દિગંબરી લોગ હી સભી ટૂંક કે દર્શન પર જાતે હૈં.' એમની રજૂઆત નિષ્નવોના તર્કવાદ જેવી છે. દિગંબરો જીતતા નહીં હોય પણ જીતવા દેતાય નથી, હારતા હશે તોય એ હારમાંથી કશું ઉપજવા નથી દેતા. અંતરિક્ષજીનો દાખલો નજર સામે છે. શ્રી ગુણિયાજી તીર્થમાં તેમણે ભારે ખેલ કર્યો. એક દિવસ આપણા શ્રી જલમંદિરમાંથી પ્રભુમૂર્તિની ચોરી થઈ. બીજે દિવસે મૂર્તિ મળી ગઈ. દિગંબરો એ મૂર્તિને વાજતે ગાજતે મૂકવા લાવ્યા. મૂર્તિની સ્થાપના થઈ ગઈ પછી સમજાયું કે ચોરાઈ હતી તે મૂર્તિ શ્વેતાંબર આમ્નાયની હતી, આ મળી આવી તે મૂર્તિ તો દિગંબર આમ્નાયની છે. આજે કેસ ચાલે છે. શ્રી પાવાપુરીનાં જલમંદિરમાંય કોર્ટની નોબત વાગી છે. એ લોકો તો સ્તૂપને લીધે, સમવસરણ મંદિરમાં ઘૂસવા માંગતા હતા. ફાવ્યા નહીં. દિગંબરોએ કલ્યાણકક્ષેત્રોને પક્કડમાં લેવાની નીતિ રાખી છે. એમના યાત્રિકો ભારતભરમાંથી આ તીર્થોમાં આવતા રહે છે. આપણે પાલીતાણા-શંખેશ્વર કાયમ યાત્રા કરવામાં આ ક્ષેત્રો ભૂલી ગયા છીએ. એમનો પગદંડો જામતો ચાલ્યો છે.
પટનામાં આવ્યા તો ખબર પડી કે અહીં પણ દિગંબરો મેદાનમાં છે. માની જ લીધું કે આપણા ફાળે નુકશાની આવી હશે. એવું જરાય નહોતું. જ્યારે આ ખબર પડી ત્યારે અતિશય આનંદ નીપજ્યો. પટનાના નાના સંઘે દિગંબરોને જબરજસ્ત શિકસ્ત આપી છે. પટનામાં શ્રી સુદર્શનમુનિ અને શ્રી સ્થૂલભદ્ર–
૯૬
સ્વામીજીની પ્રાચીન કુલિકાઓ છે તેની પર દિગંબરોનો દાવો હતો. અહીં ભીંતો પર મોટા અક્ષરે લખ્યું હતું : શ્રી દિગંબર જૈન મંદિર. એમની ખટપટો ચારે બાજુ ચાલતી હતી. આપણા લોકો શરૂશરૂમાં ચૂપ રહ્યા. પછી વળતી લડત આપી. આપણો હુમલો એવો સજ્જડ નીકળ્યો કે—એમનાં નામ ભૂંસાઈ ગયાં, એમનાં સરકારી કાગળ ખોટા પૂરવાર થયા, જૈન શ્વેતાંબર તીર્થ—આ લખાણ પર કાળો કૂચડો એ લોકો ફેરવી જતા તે બંધ થઈ ગયું, આમ જનતાની સહાનુભૂતિ તેમની સાથે ના રહી. દિગંબર યાત્રિકો આવતા હતા તે બંધ થઈ ગયા. બહારગામથી દિગંબર યાત્રાળુ અહીં આવે છે તે શ્વેતાંબર તીર્થનો માહોલ જોઈને પાછા ભાગે છે. દિગંબર મંદિર જઈને એ લોકો કાગારોળ મચાવે છે. કારણ એ છે કે દિગંબર મંદિરે આ તીર્થ બનાવવાનાં નામે ખૂબ પૈસા ઉઘરાવ્યા છે. ગઈ કાલ સુધી તેઓ બાકાયદા પૈસા માંગી શકતા હતા. આજે એ લોકો ચિત થયા છે.
આપણા લોકો તીરથ ઊભું કરવા મક્કમ છે. અત્યારે તો પુરાણી જમીન અને અવશેષો હાથમાં છે. નવી સૃષ્ટિ સરજવાની છે. પટનાનું મૂળ નામ પાટલીપુત્ર છે. પાટલીપુત્ર તીર્થનો જીર્ણોદ્ધાર થવાનો છે. ભારતભરના સંઘો એમાં જોડાશે.
ફાગણ વદ દશમ : પટના
પાટલીપુત્ર, પાટલાગ્રામ, કુસુમપુર, પુષ્પપુર. એક કાળે પટનાનાં આ નામો હતાં. અગ્નિકાપુત્ર ગંગા પાર કરવા નીકળ્યા, દૈવી ઉપસર્ગથી તેઓ પાણીમાં ફંગોળાયા, શસ્ત્રમાં ઝીલાયા, શરીરમાંથી લોહીની ધારાઓ છૂટી. વિરાધનાની વેદનામાં એ એટલા તરબોળ રહ્યા કે શરીરની વેદના યાદ ન આવી. કેવલી થઈ મોક્ષમાં સીધાવ્યા. એમનું શરીર પાણીમાં તણાયું. શરીરની ખોપડી ભેખડમાં ભરાઈ. તેમાં કોઈ વાવેતર થયા. મહાન વૃક્ષ ઊગી નીકળ્યું. એને પાટલાનાં ફૂલો બેઠાં. વિસ્તાર પાટલાગ્રામ તરીકે ઓળખાતો થયો. કુણિક રાજાનાં મૃત્યુ પછી ઉદાયી રાજાએ આ સ્થાને રાજધાની વસાવી તે પાટલીપુત્ર બન્યું. અહીં નવનંદની સમૃદ્ધ પરંપરા થઈ. એ પછી ભારતના પ્રખર આર્ષદષ્ટા મહામાત્ય ચાણક્ય અને સમ્રાટ ચંદ્રગુપ્તનું રાજ આવ્યું. ચૌદ પૂર્વધર શ્રી