________________
નીકળતાવેંત ઊલટી ચડી હતી. ખાલી પેટે બંડ પોકાર્યું હતું. ઉતરવામાં તો ભોં ભારે પડી હતી. નીચે પહોંચતા આશરે બે કલાક થયા હતા. પહેલી યાત્રાની એ ચિરંજીવ યાદ હૃદયને પસવારતી રહેશે. બીજી અને ત્રીજી યાત્રામાં એટલો પરિશ્રમ નહોતો લાગ્યો કેમ કે એ બન્ને યાત્રામાં શ્રી ચંદ્રપ્રભુજીની ટૂંકે જવાનું રાખ્યું નહોતું. છતાં ત્રીજી યાત્રા જરા આકરી પડી હતી કેમ કે ગરમી શરૂ થઈ ચૂકી હતી. ઊંચાણ અને લંબાણને લીધે શિખરજી પરીક્ષા લેતા હોય તેવું લાગે છે. શિખરજી ચડવામાં આટલો શ્રમ લાગતો હોય તો સિદ્ધશિલા પહોંચતા કેટલો શ્રમ લાગવાનો ?
અહીં પાલગંજમાં પુરાતન પ્રતિમાજી છે. દિગંબર અને શ્વેતાંબર પૂજારીઓ સારસંભાળ રાખે છે. પૂજા નથી થતી, વરસોથી. શિખરજીનો પહાડ વેચનાર પાલગંજના રાજાનો મહેલ ખંડિયેરથી પણ ખરાબ હાલતમાં છે. અહીંનો જીર્ણોદ્ધાર દિગંબરોએ કરાવ્યો છે. તેથી તેમનું વર્ચસ્વ વધુ છે. ધર્મશાળા આપણી શ્વેતાંબરોની છે.
પોષ વદ બારસ : ગિરિડીહ ગઈ કાલે સાંજ ઋજુવાલુકા નદીના સેતુ પરથી શિખરજીની આખરી ઝાંખી થઈ. થોડા દિવસ પહેલા અહીંથી જ પ્રથમ ઝાંખી મેળવી હતી. પછી પહેલી યાત્રાનો દિવસ આવ્યો હતો. એ દરેક ક્ષણો યાદ છે.
દિગંબરોનાં મંદિરો પાસેથી રસ્તો નીકળે છે તે તળેટી સુધી. તળેટી એટલે ચઢાણનો આરંભ, ચૈત્યવંદનની જગ્યા રાખવામાં આવી નથી. બે રસ્તા જુદા પડે છે. જમણી તરફ ગાડીરસ્તો. સીધો ઉપર જતો મારગ તે પર્વતયાત્રાનો
આશરે એક કલાકે ઝરણાનો મધુરભીષણ અવાજ આવતો થયો. પથ્થરમાં ટીંચાતાં પાણીનો ઘોંઘાટ. એ પાણી પરથી પસાર થવા નાનો પુલ બંધાયો છે તેને ગંધર્વનાલા કહે છે. અહીં ભાતાખાતું, ચાના સ્ટોલની લંગાર છે. યાત્રિકો થોડીવાર અહીં રોકાઈ પડે છે. અહીંથી આકરું ચઢાણ શરૂ થાય છે. શિખરજીના પહાડ પરનાં પગથિયાં ચડવાનું નથી તેનું આશ્વાસન મનમાં રાખ્યું હોય તો તે હવાઈ જાય તેવું ચઢાણ ચાલવાનું હતું. ગંધર્વનાલા સુધી પહેલો પહાડ ચડવાનો આવે. પછી બીજો પહાડ. એ પૂરો થાય તે સાથે જ ત્રીજો પહાડ શરૂ થાય. બીજા પહાડથી શ્રીચંદ્રપ્રભની ઉત્તુંગ ટૂંક દેખાય ને શ્રીપારસનાથજીની ટૂંક પણ દેખાય. ચાલતા, ચઢતા હાંફ ઉભરાય તોય અટકવાનું નહીં. બેસવાની તો વાત જ ન થાય. ઉપરથી ફિલ્મી તર્જવાળા ધાર્મિકગીતોનો અવાજ આવવા લાગ્યો હતો. એ દિગંબર મંદિરે વાગતી કેસેટમાંથી ફેલાતો હતો. તદ્દન ગેરકાયદેસર ઊભું થયેલું આ મંદિર પહાડને ગજવતું હતું. તેને પસાર કર્યા પછી હિંમત ઓસરવા માંડી હતી. ત્રીજો પહાડ પૂરો જ થતો નહોતો. આગળના યાત્રિકોએ કોઈ જય બોલાવી. ઉપર જોયું તો એક દેરીના ગુંબજ પર ફરકતી ધ્વજાનાં દર્શન થયાં. એકસો પિસ્તાલીસમી મિનિટ હતી એ. આખરે અઢી કલાકના છેવાડે ઉપર પહોંચાયું.
હવે બધું સમથળ હતું. જમણી તરફ અને ડાબી તરફ દેવકુલિકાઓની હાર હતી. હવાનો સ્પર્શ થયો અને બધો જ થાક ઓસર્યો. સૂરજ ધીમો તપતો હતો. વીસ તીર્થંકર ભગવાનની નિર્વાણભૂમિની સ્પર્શના હવે સાચા અર્થમાં શરૂ થઈ. દરેક દેવકુલિકા સમક્ષ ચૈત્યવંદન, સ્તવના કરવામાં સમયનું ભાન ન રહેતું. કૃતાર્થ ભાવની અનુભૂતિ સાંપડતી. અલબત્ત, વિનો તો આવે જ. દિગંબરોની દર્શન કરવાની રીત નિરાળી, દેવકુલિકાના ગોખલાની કતારે આરસપર જ એ લોકો થીજેલું ઘી મૂકે, તેની પર રૂની વોટ ચોડે. તેને માચિસથી જલાવે ને એમાં કપૂર ગોઠવી દે. તીખો ધુમાડો ફેલાય. આગના નાનકડા ભડકા ઉઠે તેમાં ચોખા, બદામ સળગવા માંડે. દેરીનો આરસ કાળા ધુમાડે ખરડાય. આપણી ભાવધારા માટે આ અસહ્ય. જોકે, કશું કહીએ તો ઝઘડો કરે આ લોકો. દરેક દેરીને કાળા લેપની ચીકાશ લગાડતા જાય છે. દિગંબરો. એમનું ઝનૂન વિચિત્ર. ડોલીવાળાને પૂછે : શ્વેતાંબરો તો માત્ર જલમંદિરમાં જ જતા હશે ?
રસ્તો.
રસ્તામાં મરાઠી લોકો હતા. ક્યાંથી આવ્યા, એમ પૂછ્યું તો નાકના ફૂંફાડે જવાબ દીધો. ફરીથી પૂછ્યું તો જોરજોરથી નવકાર બોલવા માંડ્યો એક જણ. બીજા બધા ચૂ૫. થોડી વાર પછી સમજણ પડી પૂછ્યું : દિગંબર કે શ્વેતાંબર ? હવે અવાજ આવ્યો : દિગંબર. એ લોકો શ્વેતાંબરોને કાફર સમજે. વાત કરવામાંય પાપ લાગી જાય એમને.