________________
૫૫
રેતના ઝીણા ઝીણા કણ ઉડતા હતા. પગ માંડીએ તો સુંદરતા થવાય એટલી ખૂબસુરત જાજમ કાંઠાને અડોઅડ બીછાવેલી ઋજુવાલુકાએ. ચાલ્યા તો લાગ્યું વાલુકા ઋજુ જ નથી, મૃદુ પણ છે. રેતમાં પગલાં ભર્યાં એનો કરકર અવાજ થયો. જાણે સૂકી રેત બોલવા માંડી : અમારા પરથી આ નદીના નાજુક વાર વહ્યા છે. અમને લેશભર ઘસારો ન લાગે એવી લલિત ગતિ છે નદીની. તમે તો અમારા પર હલ્લો મચાવી દીધો. કદરૂપાં પગલાં પાડીને અમારી એકરૂપ શોભાને ડાઘ લગાડ્યા. તમને ક્યાંથી ખબર હોય, પાણીનાં પગલાં કેવા હોય તેની ? પાણીમાં ભીંજાતા અમે બેસી પડીએ ને તમે તો કોરાભઠ. અમારી પીઠ પર ઉથલપાથલ કરી મૂકી. અઢી હજાર વરસ પહેલાં પ્રભુવીર આવેલા અમારી રેતી પર. મુલાયમ કદમ પડ્યા હોય તો તે એમનાં જ. એમના પગલાની છાપ પડતી તેમાંય લક્ષણો ઝળહળતા. તમે તો અમથી કાબરચીતરામણ કરી મૂકી.
સાચી વાત હતી. આપણાં પગલાંનું ગજું શું ? પ્રભુનાં પગલાં છેલ્લા આ ભૂમિ પર પડ્યાં. પ્રભુ અહીં આવ્યા ત્યારે જમીન પર ચાલતા હતા. અહીંથી નીકળ્યા ત્યારે સોનાનાં કમળ પર પગ મૂકતા સીધાવ્યા. પ્રભુની સ્પર્શનાનો પાક્કો લાભ આ નદીએ લીધો. પછી પ્રભુ ધરાતલથી સદાકાળ અસ્પૃષ્ટ રહ્યા. સદાસોહાગણ ઋજુવાલુકાના કણેકણમાં પ્રભુને વિદાય આપતી નદીનાં અમી છે પ્રભુ, આપ હવે કેવલી બન્યા, અમારા ખોળે બિરાજીને અનન્ત જ્ઞાન આપે મેળવ્યું. હું તો કાયમ આપની રાહ જોઈશ. આ ધરતી પર ન ચાલો તો કાંઈ નહીં. કમલ પર પગ મૂકતા પધારજો. બસ, એક વાર મારાં પાણીમાં આપનો પડછાયો ઝીલી લેવો છે. આપનાં જ્ઞાનમાં એ સંભવિત હોય તો આપ પધારજો. નહીં તો મારી ભીતરમાં તો આપ સદાકાળ સમાયેલા જ છો.
પ્રભુવીરની કેવળજ્ઞાનસ્થલીનાં પગલાં જયાં છે ત્યાં બપોરનાં શાંત વાતાવરણમાં નદીનો મંજુલ નાદ સંભળાય છે. પ્રભુ સાથેનો તેનો સંવાદ સાંભળવા મળ્યો તે જીવનનું પરમ સાફલ્ય.
પોષ સુદ તેરસ : બારાકર સુંદર મજાનો બગીચો પસાર કરી પ્રભુનાં પગલાં સમક્ષ પહોંચાય. જે સમયે કેવળજ્ઞાન થયું તે જ સમયે પ્રભુને આખી દુનિયા સંપૂર્ણ રૂપે
૫૬
સાક્ષાત્ દેખાઈ. જ્ઞાનની અંતિમ ટોચ આવી ગઈ. હવે ઉપર જવાનું નહોતું, એવી જરૂર જ નહોતી. શિખર સધાઈ ચૂક્યું હતું. સાડાબાર વરસની સાધનાનો પ્રારંભ થયો ત્યારે આ છેડો નજીક લાગતો હતો. હોનહાર ઉપસર્ગોને લીધે સાડાબાર વરસ ખૂબ લાંબા થઈ ગયા. પ્રભુ માટે નહીં, પ્રભુના ભક્તો માટે. દીક્ષા થઈ ત્યારે સૌએ વિચારેલું, બસ હવે તો સાડા બાર વરસની જ વાર છે પછી જેમ જેમ ઉપસર્ગો વધ્યા તેમ તેમ સમજાતું ગયું : સાડાબાર વરસ તો સાડાબાર હજાર વરસથીય લાંબા છે. દેવાર્યએ સાડાબાર વરસમાં, સાડાબાર હજાર વરસ જેટલું અઘોર કષ્ટ સહન કર્યું હતું. એક એક દિવસ વરસોનો ભાર લઈને વીત્યો હતો. જો કે પ્રભુને તો આ તકલીફોની પરવા જ ન હતી. એ તો ધ્યાનમુદ્રામાં નિરત હતા. સંગમક દેવે છ મહિને થાકીને પાછા વળતા પ્રભુને કહ્યું : સુખે વિહરો, હું જાઉં છું. ત્યારે પ્રભુએ ધારદાર જવાબ આપેલો : स्वाम्यवोचत नश्चिन्तां मुञ्च संगमकामर । कस्याप्यधीना न वयं विहरामो निजेયા | (ત્રિષષ્ટિ ૧૦-૪-૩૦૨) સંગમદેવ તું અમારી ચિંતા છોડી દે. અમે કોઈના આશરે જીવતા નથી. અમે તો પોતાની ઇચ્છા મુજબ વિહાર કરીએ છીએ. ભગવાને માત્ર સંગમને નહીં, સઘળાય ભક્તસમુદાયને ચિંતા છોડવાનું કહેલું. એમ થોડી કાંઈ ચિંતા છૂટે ? પ્રભુ અહીં પધાર્યા. ક્ષપકશ્રેણીનો ઉત્કર્ષ સાકાર થયો. કૈવલ્યનો અવિર્ભાવ થયો પછી જ ચિંતા છૂટી. પ્રભુને કેવળજ્ઞાન થયું ને ભારતવર્ષના ભક્તો ચિંતામોક્ષ પામ્યા. આ ચિંતામોક્ષનો અનુભવ દેવોનેય મળ્યો, સાચો મોક્ષ જાણે નજીક આવ્યો. ચિંતામોક્ષનું આ તીર્થ તે સમયે અનંત ઉલ્લાસ ઉમંગથી છલકાયું હતું. ભાર હળવો થયો તેની લાગણી, પ્રભુને જ્ઞાન લાધ્યું તેનો આનંદ, પ્રભુની પ્રથમ દેશના થશે તેનો રોમાંચ, પ્રથમ સમવસરણની તડામાર તૈયારી, માલકૌંસની આગોતરી લયજમાવટમાં મદહોશ ગંધર્વો, આસો પૂનમની ભરતીનો ખળમળાટ મચાવતી માનવમેદની.
પગલાં સમક્ષ પ્રથમ ઊભા રહેતી વખતે તે આખો માહોલ જાણે જાગતો
થયો.
તરત સન્નાટો છવાયો. દેશના ક્ષણભરમાં પૂરી થઈ. પ્રભુએ વિહાર કર્યો. આખું આકાશ ભરી દેતા મેઘાડંબરે એક છાંટોભર પાણી દીધું. અરે, નદીની રેત ભીંજાવા તો દેવી હતી. ભલે નદી ન ભરી, ભીનાશ તો ધીરવી હતી.