________________
૫૩
૫૪
પ્રભુ તો બસ, ચાલતા અને ઊભા રહેતા. બેસવાની વાત નહીં. પ્રભુ ઊભા રહેતા તેનું વર્ણન ત્રિષષ્ટિમાં વારંવાર આવે છે. સ્થિરચેતા નિર્નિમેષો રુક્ષકદ્રવ્યદત્તદેગુ | તસ્થૌ તસૈકસાત્રિક્યા મહાપ્રતિમયા પ્રભુઃ (૧૦-૩-૧૬૨) સ્થિરમને અને અપલક નેત્રે—કોઈ સૂકાં દ્રવ્ય પર નજર ઠેરવીને, પ્રભુ એકરાતની મહાપ્રતિમા સાથે ઊભા રહ્યા. જે રુક્ષ દ્રવ્ય પર પ્રભુ આખી રાત આંખ અટકાવી રાખતા તે દ્રવ્ય પર તો ફૂલો ખીલી નીકળતા હશે. જેની પર ભગવાન પળવાર નજર કરે તેય તરી જાય તો આખી રાતની દૃષ્ટિથી તો ઉદ્ધાર થઈ જાયને.
નાસાગ્ર સ્તનયનઃ પ્રલંબિતભુજદ્ધયઃ | પ્રભુ: પ્રતિમયા તત્ર તસ્થૌ સ્થાણુરિવ સ્થિરઃ (૧૦-૩-૧૬) પ્રભુની આંખો નાકના અગ્રભાગ પર અટકી જાય છે, હાથ લંબાયેલા છે, પ્રતિમામાં પ્રભુ હૂંઠાની જેમ એકદમ સ્થિર છે. રસ્તામાં સૂકાભઠ ઝાડ મળતા. મોટું થડ હોય, ડાળખી ખડી ગઈ હોય ને પાંદડા તો જાણે વરસોથી ગાયબ, એની પર વરસાદ પડે તો લીલાશ ન પકડે, તડકા પડે તો કરમાય નહીં, ઠંડી પડે તો ટૂંઠવાય નહીં. એમ જ ઊભું રહે. કોઈ કુહાડી ઝીંકી દે તોય ફરિયાદ ન કરે. પ્રભુ આખી રાત આવા થઈને રહેતા. ઉપસર્ગોની ઝડી વરસે. શૂલપાણિ હોય, સંગમ હોય કે ગોવાળિયો હોય પ્રભુની નિજસ્થિતિ ન બદલાય. પોતાની આંતરધારા પ્રભુ કદી ન ચૂકે. અનહદનો આસવ પ્રભુને મસ્ત રાખે. બહારની દુનિયા સાથે લેવા દેવા જ નહીં એમ કહેવું તે તો જાડીભાષા થઈ. પોતાના શરીરની દુનિયા સાથે લેવાદેવા નહીં. ટૂંઠાને તો વળી ધરતીમાં ખૂપેલાં મૂળિયાં ઊભું રાખે. પ્રભુ તો પોતાના પગની તાકાત પર ઊભા હોય. એ પગના પંજાની મુદ્રાને બીજા આવીને બદલી જાય તે વાતમાં કોઈ માલ નહીં. ભારંડપંખી જેવી અપ્રમત સાધના હતી. શરીર અને મન એકરૂપ. મન શાંત અને શરીર સ્થિર, મન નિર્વિકલ્પ અને શરીર નિશ્ચલ, મન નિર્ભય અને શરીર નિકંપ. કલ્પસૂત્રમાં ઉપસર્ગવર્ણન પછી આવતાં સૂત્રો પ્રભુએ અહીં વિહરતા આત્મબદ્ધ કર્યા હતા.
આત્મનિરીક્ષણ થતું રહ્યું : આપણે તો એ સૂત્રો ગોખ્યાં પણ નથી. કદાચ, ગોખીશું તો એટલું અભિમાન આવી જશે કે જાણે એ સાધના એકલા આપણે જ કરી, ભગવાનની પછી. જીવનનો સૌથી બોધપ્રદ કાળ પ્રભુએ આ ધરતી પર વીતાવ્યો. પ્રભુને એકલા રહેતા આવડતું. આપણે એકલા પડતા ડરીએ
છીએ. જાત સાથે સંવાદ રચવાનો મોકો આપણે નથી મેળવતા. પ્રભુએ એકલા દીક્ષા લીધી, ઘણાબધાની સાથે દીક્ષા લીધી હોત તોય પ્રભુ એકલા જ રહેવાના હતા. આત્મામાં વિલીન. ગોશાળો કે સિદ્ધાર્થ સાથે હતા ત્યારેય અને સંગમના ઉપસર્ગો પછી સંખ્યાબંધ ઇન્દ્રો આવતા હતા ત્યારેય, પ્રભુ એકલા રહેતા. બીજાની જરૂર નહીં અને બીજાની અસર નહીં. બીજાની ફિકર નહીં અને બીજાનો ડર નહીં. બીજાની ગરજ નહીં અને બીજાની અપેક્ષા નહીં.
પ્રભુનો આ એકાંતવાસ અહીંના ધનભાગી વિસ્તારોમાં વીત્યો. પ્રભુને મળવાનું મન થાય ત્યારે આ ભૂમિ પર અડવાણે પગે ચાલવાથી કોઈ અજીબની રાહત મળે છે. પ્રભુની યાદ તીવ્ર બને છે ને પ્રભુનું સાનિધ્ય સહજ અનુભવાય છે.
પોષ સુદ બારસ : ગિરિડીહ આવતી કાલે ઋજુવાલુકા પહોંચવાનું છે. અનેરો રોમાંચ છે, કલ્પનાનો. નદીનો પટ પહોળો હશે ? એમાં વાલુકા કહેતાં રેત હશે કે પાષાણશિલાઓ કે ભેખડમાટી ? પાણી તો ઘણું બધું હોવું જ જોઈએ. કિનારે ઘાસ હશે કે ઊંચા વૃક્ષો ? જંગલ હશે કે મેદાનો, કિનારા પર ? આજે અહીં શ્રી સુપાર્શ્વનાથ ભગવાનનાં દર્શન કર્યા છે. કાલે પ્રભુવીરને મળવાનું છે. પહેલીવાર નદીતીર્થનાં દર્શન થશે. કોઈ ભવ્ય વળાંક પર મંદિર હશે કે ઘાટ પર હશે ? આ કાલ ક્યારે પડશે ?
પોષ સુદ તેરસ : બરાકર નદી કાંઠે બનતી કોઈ પણ ઘટના મહત્ત્વની બની જાય છે. આ તો પ્રભુવીરનું પરમજ્ઞાન કલ્યાણક. ઋજુવાલુકાને જોતાવેંત પ્રભુવીરની ગોદોહિકા મુદ્રા નજર સામે તરી આવી. આ સ્થળ બરાકર તરીકે ઓળખાય છે. નાનું ગામ છે, વસ્તી ઓછી. ઘોંઘાટમાં રોડની ગાડીઓ સિવાય બધું શાંત, હા, નદીનાં પાણી કાયમ ખળખળ કરે. કલ્પના હતી તે મુજબ જ નદી રેતાળ હતી, પારદર્શી હતી.એના વેગને લીધે ભીતર સરકતા રેતના પુંજ દેખાતા હતા. દૂર રેતનો મકબરો બનાવ્યો હોય તેવો ઊંચો ટીંબો હતો. જરા ઘૂમીને ત્યાં પહોંચાય. પહોંચ્યા. લીસી જમીન જેવી સમથળ રેત પર હવાએ લાંબા સળ પાડ્યા હતા.