________________
આરાધનાનો આનંદ રહે. વિહારમાં તીર્થયાત્રા થવાની હોય તો આનંદનું લક્ષ્ય અજીબની ઊંચાઈ સાધે. વિહારનો પરિશ્રમ સાર્થક થયો હોવાની લાગણી થાય. પસીનો થયો હોય અને તેને હવાની સુરખી અડે તો શરીરે જેવી ટાઢક વળે છે તેવો પરિતોષ વિહાર અને યાત્રા એક સાથે થાય તેનાથી મળે છે. ઘેર બેઠા પૂજા કરનારા ગૃહસ્થો તે ન સમજી શકે. તીર્થનાં જિનાલયોમાં વિશેષ ભાવો અનુભવાય છે તેનું કારણ આ વિહાર પણ બને છે.
સાધુ બધે જાય છે અને મમતા કોઈની નથી બાંધતા. દરેક સાધુ વિહારનાં આ સત્યને જીવે છે. સવારે નીકળ્યા પછી બપોરનો બીજો વિહાર અને સાંજનો ત્રીજો વિહાર કરીને મુકામે પહોંચનારા સાધુ, ગઈ કાલની રાત ક્યાં વીતાવી તે લગભગ ભૂલી ચૂક્યા હોય છે. છતાં તીર્થભૂમિથી વિહાર થાય ત્યારની વાત અલગ હોય છે. તીર્થની વિદાયનો અનુભવ આકરો હોય છે. તીરથની મમતા બંધાતી જ હોય છે. આ પાવનક્ષેત્ર દૂર રહી જશે તે લાગણી જીરવી નથી શકાતી. વિહાર થાય તેનું દુઃખ નથી. વિહાર તો કરવાનો જ છે. વિહારની દિશા તીરથથી છેટે જવાની હોય છે તે અસહ્ય બને છે.
જો કે, મનને આશ્વાસન પણ મળે છે. તીર્થયાત્રા થઈ તે નાનીસૂની વાત નથી. ભલે બીજીવાર યાત્રા કરવા નહીં અવાય પણ તીર્થનું સ્મરણ તો દિલમાં જીવતું જ રહેશે. તીર્થ સાથે ગૂંથાયેલી વિચારણા, સંવેદના, ભાવભંગીનો સાથ નથી જ છૂટવાનો. તીર્થદર્શન વિના આ સાથેનું સર્જન થયું જ ના હોત, મનમાં ઉમટતા ભાવરૂપે તીરથ સદા સંનિહિત રહેશે. આ વિચારે સંતોષ સાંપડે. પાછા ફરીને તીર્થની દિશામાં ઝૂકતા રહેવાનો રોજીંદો ક્રમ અતૂટ રહે. વિહાર બરોબર ચાલે.
છેલ્લા બે વરસના વિહાર સાથે તીર્થયાત્રા જોડાઈ છે. એ તીર્થોની વચ્ચે અવઢવ થાય. જે તીર્થથી નીકળ્યા તેનો ઝૂરાપો બંધાય. જે તીરથે પહોંચવાનું છે તેની કલ્પના. દરેક તીર્થે પ્રભુની મુલાકાત થાય. પ્રભુના પ્રસંગો સાક્ષાત્ ભજવાય નદી કાંઠે, શહેરની વચોવચ, જંગલમાં કે પહાડીની ટોચ પર પ્રભુદર્શન સાંપડે. સરનામાં બદલાય તેમ ભાવ ઉભરે. દિવસોનું ભાન ન રહે. સતત નશો રહે, તીર્થ૨જની સુવાસનો.
કાગળ પર એ સુવાસ ઉતારવા મથું. ફોરમને તો બંધાવા કરતાં રેલાવામાં વધુ રસ. શબ્દોને એ ન ગાંઠે. છતાં પ્રયાસ કરું. થોડું લખાયને ઘણું બાકી રહી જાય. ન પૂરું વર્ણન થાય, ન પૂરા વિચાર સ્ફુટ થાય. કશુંક કર્યાનો સંતોષ મળે. સાધુ તો ચલતા ભલાની આ નાની કહાની છે. કલ્યાણનાં પાને એ લખાઈ છે.
એ ભાઈ આકોલામાં રહે. તેમને ઘરે કલ્યાણ આવે. સાધુ તો ચલતા ભલા વાંચે. દરેક લેખોની ફાઈલ બનાવે. કોઈ આ તરફની યાત્રાએ જતું હોય તો ફાઈલ આપીને કહે ઃ જે તીરથે જાઓ તે તીરથનો લેખ વાંચજો, ભવ સુધરી જશે.
તીર્થયાત્રા તો સફળ હતી જ, આ શબ્દયાત્રાનેય પ્રભુએ સફળ બનાવી. નાસિક, મુંબઈ, નાગપુર, કરાડ, કલકત્તા, રાયપુર, માલેગામ, ડીસા, પૂના, વલસાડ, નવસારી, સુરત, વાપીથી પત્રો આવતાં. આચાર્ય ભગવંતો પણ યાદ કરતા. એક પત્ર : ‘વાંચીને એમ જ થાય છે કે પાંખોના સહારે ઉડીને ત્યાં પહોંચી જઉં.' બીજા સૂરિદેવે આજ્ઞા કરી છે : ‘તમારાં અત્યાર સુધીનાં લખાણોની એક નકલ મોકલવી. આગળનાં તીર્થો માટે પણ આ જ રીતે વિસ્તારથી લખશો. જેથી અમારા જેવા ન પહોંચી શકનારા ભાવયાત્રા કરી શકે.’
પ્રતિભાવમાં આનાથી વધારે શું જોઈએ ?