________________
૨૫
તીર્થયાત્રા એ ફટાફટ પતાવવાની પ્રવૃત્તિ નથી. ધીરજ અને શાંતિ જોઈએ. ઓછા સમયમાં વધુ લાભ લેવાની વ્યાપારી મનોવૃત્તિને લીધે બસો વધુ ને વધુ તીર્થોની યાત્રા સુધી પહોંચાડે છે. ભગવાન સુધી નથી પહોંચાતું. આપણી અને ભગવાનની વચ્ચે પડદો આવી જાય છે. અવિધિ અને આશાતનાનો પડદો.
અહીંથી ભાગલપુર નજીક છે. ત્યાંના જિનાલયમાં તીર્થભૂમિ શ્રી મિથિલાથી લાવેલા શ્રી મલ્લિનાથ ભગવાનનાં પગલાં છે. મિથિલાતીર્થ તો વિચ્છેદ ગયું છે. પગલાનાં દર્શન કરી તીર્થસ્પર્શનાનો લાભ મેળવી લીધો. અમારી કલ્યાણકભૂમિની પ્રથમ સ્પર્શના ચંપાપુરીમાં થઈ. બીજા તીર્થો હવે આવશે. પહેલું કલ્યાણકતીર્થ પંચકલ્યાણકભૂમિ છે તે મોટા આનંદની વાત થઈ.
જીયાગંજ, અજીમગંજ
માગસર સુદ આઠમ : જીયાગંજ ગઈ કાલે સાંજે જીયાગંજ આવી ગયા છીએ. વચ્ચે લાલબાગ રોકાયા. મુંબઈનું લાલબાગ કેવું હશે તે આ લાલબાગ જોવાથી ન ખબર પડે. એક બાબાજીનાં મંદિરમાં ઉતારો હતો. મંદિરને અડોઅડ ગંગા વહે. ઝડપથી વહેતા પાણી ખૂબ ઊંડા છે, તે જોતાવેંત જ સમજાય. ઘાટનાં પગથિયે બેસીએ તો ગંગાનો મંજુલ અવાજ માણી શકીએ. વિહારદર્શનની ચોપડીમાંથી જાણવા મળ્યું કે લાલબાગ એ મુર્શિદાબાદનું બીજું નામ છે. તો અમે મુર્શિદાબાદ આવી ગયા હતા. સવાર અને બપોરના વિહાર પછી અમને લાગ્યું કે મુર્શિદાબાદને મજીદાબાદ કહેવું જોઈએ. એટલી બધી મજીદો રસ્તે મળે કે ગણવાનોય કંટાળો આવે.
સાંજે કાઠગોલા પહોંચ્યા ત્યાર સુધી મન ખુશહાલ હતું. પછી ? જીયાગંજના પ્રથમ દર્શનથી હતાશાનો પાર ન રહ્યો. અજીમગંજ અને જીયાગંજ મોટાં નામ ગણાય છે આપણામાં. અતિશય શ્રીમંત બાબુઓની હવેલી, ભવ્ય દેરાસર, અનન્ય ભક્તિ અને પારાવાર સમૃદ્ધિ. આ બધાનાં પ્રતીક તરીકે આ બંને ગંજને પ્રસિદ્ધિ મળી છે. કશુંક અદ્વિતીય જોવાની મોટી અપેક્ષા લઈને અહીં આવવાનું થાય ત્યારે જે લોકો નથી આવી શક્યા તેમનાથી આપણે વધુ નસીબદાર છીએ તેવો મનોભાવ સાથે જ હોય.
કાઠગોલાનો મહેલ અને ત્યાંનું ઘરદેરાસર જોયા પછી એવું લાગ્યું કે જે લોકો અહીં નથી આવ્યા એ લોકો જ નસીબદાર છે કેમ કે અહીંની કરુણ હાલત