________________
૨૩
૨૪
લેવાઈ તે વખતે કર્ણે અર્જુનને ઝાંખો પાડી દીધો. ભીમે કર્ણનું અપમાન કર્યું. રાજ્યનો વારસ ન હોવાને લીધે કર્ણને ચૂપ થવું પડ્યું. તે વખતે હસ્તિનાપુરનો સૌથી મોટો રાજકુમાર દુર્યોધન કર્ણ પાસે આવ્યો. તેણે કર્ણને અંગદેશનો રાજા બનાવ્યો. અંગદેશની રાજધાની હતી આ ચંપાપુરી. આજે પણ આ વિસ્તાર અંગદેશ તરીકે ઓળખાય છે. ચંપાપુરીમાં આજે કર્ણકોટ છે, ભાંગીને ખંડેર થઈ ગયેલી છૂટીછવાઈ ભીંતો. આ ચંપાપુરી ન મળી હોત તો, તો મહાભારતનો ફેંસલો વગર યુદ્ધ આવી ગયો હોત. મહાભારતનાં ભીષણ યુદ્ધમાં કર્ણની હાજરીએ હોનહાર કટ્ટરતા ભરી હતી. કર્ણ કૌરવસેનાનો પ્રાણ હતો.
આ ચંપાપુરીએ બીજું શું શું જોયું છે ? એણે પ્રભુને અડદના બાકળાથી પારણું કરાવનારી ચંદનબાળાને રાજકુમારી વસુમતીનાં રૂપમાં જોઈ.ચંપાપતિ દધિવાહન અને મહારાણી ધારિણીની એ દીકરી. શતાનીકે ચંપા ભાંગી ત્યારે માદીકરીને એક સાંઢણીસવાર ઉઠાવી ગયો હતો તે દેશ્ય આ ચંપાપુરીની આંખો સામે હજી તરે છે. આ અપહરણ ન થયું હોત તો ચંદનબાળા કોશાબીમાં ધનાવહ શ્રેષ્ઠીનાં ઘેર પહોંચી હોત ? એના હાથે વિટ રીતે પ્રભુનું પારણું થયું હોત ? પ્રભુને પારણું કરાવવા માટે ચંદનબાળાએ માથાના વાળ જ નથી ગુમાવ્યા. બબ્બે ખૂબ પહેલાં, પિતા અને માતા એમ બન્ને ગુમાવ્યા છે. નિયતિનો આ જ અનુક્રમ
હશે.
અહીં હવામાં ધૂળ ઊડે છે, ત્યારે સમય બહુ પાછળ સરકી જાય છે. મહાભારતના યુદ્ધ માટે કર્મે અહીંથી જુસ્સાભેર પ્રયાણ કર્યું હતું. એના રથનું અંતિમ પ્રયાણ આ નગરીના મારગ પરથી થયું હતું. નગરીના લોકોને ઉદાર અને દાનવીર કર્ણરાજ બહુ ગમતો. એના રથને લોકો દૂરથી ઓળખતા. એ રથના અશ્વોનો હેષારવ, એની ધ્વજા અને રથનાં ચક્રોથી ઊડતી ધૂળથી આ નગરીને નશો ચડતો. પ્રયાણના દિવસે તો આખું નગર વળાવવા ઊમટ્યું હશે. બધાએ કર્ણરાજાના પાછા આવવાની ખૂબ રાહ જોઈ હશે. જિંદગીમાં પહેલીવાર કર્ણરાજાએ એમને હતાશ કર્યા હશે. કર્ણવધના સમાચારથી આ નગરીનાં આંસુ થીજી ગયા હશે. પોતાના તેજસ્વી રાજાને વધાવવાના અધૂરા અરમાન એમનાં અંતરમાં ખંજરની જેમ ભોંકાયા હશે. કુરુક્ષેત્ર પર મરણ પથારીએ પડેલા કર્ણની ધ્રુજતી આંખોમાં પોતાના પ્યારા ચંપાપુરીવાસીઓની યાદ ઘેરાઈ હશે. ચંપાપુરી એ ખંડિત સ્વપ્નોની અભિશાપિત નગરી છે.
બાળરાજા શ્રીપાળને લઈને તેની માતાને અહીંથી જ ભાગવું પડ્યું હતું. શ્રીપાળ પણ પોતાની માતાથી વિખૂટો તો પડ્યો જ. (ચંપાપુરીના કથાનાયકોને માતાના વિયોગનું વરદાન મળ્યું હશે ?) એને કોઢ થયો, મટ્યો. ધવલ શેઠનાં વહાણો દ્વારા એ પોતાની અસ્મિતાનો સર્જનાહાર થયો. આખરે આ ચંપાપુરી પર હુમલો કરી તેણે કાકા અજિતસેન રાજાને કારમી હાર આપી. એ ગમખ્વાર લડાઈને આ ચંપાપુરીએ પોતાની છાતી પર આગળ વધતી જોઈ છે. ચંપાપુરીનો ખોટો રાજા હાર્યો ને ચંપાપુરીનો સાચો રાજા જીત્યો. ચંપાપુરી જીતી.
આ ચંપાપુરીનાં આંગણે પરમ સત્ત્વશાળી સુદર્શન શેઠ અને મહાસતી સુભદ્રાની પરીક્ષા થઈ છે. ચંપાપુરીએ કટોકટી ઘણીવાર જોઈ છે. એમાં ને એમાં જ કદાચ, એણે પોતાનું સૌન્દર્ય ગુમાવી દીધું છે. આજે ચંપાપુરી તીર્થ છે, પરમ પવિત્ર આરાધનાભૂમિ છે. પણ અહીં કોઈ નગરી નથી.
માગસર વદ બારસ : તિલકપુર ચંપાપુરી જિનાલયના બે વિભાગ છે. એકમાં મૂળનાયક શ્રી વાસુપૂજય પ્રભુ બિરાજે છે. તેની ઉપર ચૌમુખી ભગવાન છે, પહેલા માળે ત્યાં રંગમંડપમાં ચંપાપતિ શ્રીપાળ રાજાની ચિત્રકથા છે. આ જિનાલયમાં એક બંધ ભોયરું છે. તેમાં ગુપ્ત માર્ગ છે. બીજા વિભાગમાં પંચકલ્યાણક મંદિર છે. મૂળનાયકનું મોક્ષકલ્યાણક છે. રંગમંડપના ચાર ખૂણે બાકીના ચાર કલ્યાણક, આટલી સુંદર આયોજના કયાંય જોવા ન મળે. મૂળનાયકની નીચે ભોંયરામાં પ્રાચીન પગલાં છે. બહાર બગીચામાં સતી સુભદ્રાનો કૂવો છે.
અમે રોકાયા હતા તે દરમ્યાન ભાવનગરથી છ બસ આવી હતી. સાંજે સવા પાંચે, સૂર્યાસ્ત સમયે યાત્રિકો કેસરપૂજા કરતા હતા, પૂજારી ના પાડતો હતો, સાંભળતું નહોતું કોઈ. તીર્થક્ષેત્રોની આ કરુણતા રહી છે. યાત્રિકો ઉદંડ બની જાય ત્યારે પૂજારી લાચાર બની જોયા કરે. કયાંક વળી પૂજારી ઉદંડ બની જાય, તો યાત્રિકો લાચાર બની જોયા કરે,