________________
૨૧
જ અનુભવ કરાવું.' મન અવાચક થઈ બેસી રહે છે. પાંચેય કલ્યાણકનાં પગલાં અને જિનબિંબોમાં એ રમમાણ બને છે. સમયનાં બંધન ઓગળી જાય છે. એમ લાગે છે મનને કે પ્રભુ અહીં સાક્ષાત્ છે. તરંગી અને તોરીલું મન આ સ્થળે શાંત અને નમ્ર બની જાય છે. પંચકલ્યાણકનું સંગમતીર્થ એની બધી વ્યથા શમાવી દે છે.
માગસર વદ અગિયારસ : ચંપાપુરી
ઢળતા સૂરજનું અજવાળું જિનાલયના કળશ પર ઝગમગે છે. સોનેરી તેજરેખાઓમાં અગણિત કથાઓ મુખરિત બને છે. મંદિરનાં શિખરો વાદળ સાથે વાત કરે છે એવાં વર્ણનો આપણા લેખકો લખે છે ને આપણે વાંચીએ છીએ. આ શિખર તો ઇતિહાસ સાથે વાતો કરે છે.
ગોશાળો, તેજોલેશ્યાનો દુષ્ટ નાયક. વનવાસી, તાપસયોગીની મશ્કરી કરી તેના બદલામાં એણે તેજોલેશ્યાને પોતાની તરફ આવતી જોઈ. હવામાં ઊડતા આગના ભડકાથી બચવા તે પ્રભુ પાસે દોડ્યો. પ્રભુની આંખમાંથી તત્કાળ અમૃતની ધારા વરસી. ગોશાળો બચ્યો. એને તેજોલેશ્યા સાધવાનું મન થયું. ભગવાન પાસેથી વિધિ જાણી.
મુદ્દાની વાત એ થઈ કે ગોશાળાને તેજલેશ્યાનું પ્રથમદર્શન એ તાપસે કરાવ્યું. કોણ હતો એ તાપસ ? એ હતો ચંપાનગરીની સુપ્રસિદ્ધ વેશ્યાનો દીકરો. ચંપાપુરી અને રાજગૃહીની વચ્ચે ગોબરગ્રામ હતું. ત્યાં ગોશંખ નામનો ભરવાડ રહે. તેની પત્ની વંધ્યા. રસ્તામાં એક બાળક જડી ગયો. એને પોતાનાં ઘેર લાવી તેમણે મોટો કર્યો. એ દીકરો ઘીનું ગાડું લઈ ચંપા આવ્યો. ત્યાં એણે પ્રસિદ્ધ વેશ્યાગૃહમાં જઈને એક વેશ્યા સાથે સમય નક્કી કર્યો. ગામઠી માણસોને સંસ્કાર શાના?
પોતાના ઉતારે નહાઈ ધોઈને એ તેને મળવા ચાલ્યો. રસ્તામાં તેનો પગ ગંદકીથી ખરડાયો, તેને ખબર ના રહી. ખબર પડી ત્યારે તે રસ્તે ઊભેલા વાછેરા પર પગ ઘસી સફાઈ કરવા લાગ્યો. આ વાછેરું મનુષ્યની ભાષામાં કહે, પોતાની માને : ‘આ ગંદો મારા ડિલે પગ લૂછે છે.’ ગાય બોલી : ‘એ તો સાવ ખરાબ છે, એ પોતાની માતા સાથે ગંદી રમત રમવા જાય છે.’ એ યુવાન
૨૨
ચોંક્યો. પશુની માનવભાષાથી અને પોતે વેશ્યાપુત્ર છે તે જાણવાથી. વેશ્યા પાસે જઈને તેનો ભૂતકાળ પૂછ્યો. વેશ્યા વાત ટાળવા લાગી. આ ભાઈએ બમણા પૈસાની લાલચ આપી. વેશ્યાએ કહ્યું ‘હું ગર્ભવતી હતી ત્યારે મારા પતિને મારી નાંખી, ચોર લોકો મને ઉપાડી જતા હતા. હું ગભરાઈ ગઈ. પ્રસૂતિ થઈ ગઈ. બાળક લઈને હું ચાલી ન શકી. ચોરલોકોની ધમકીથી ડરીને મેં નવજાત બાળ જંગલ વચ્ચે છોડી દીધું. હું ચોરો સાથે અહીં ચંપાપુરીમાં આવી. મને ઊભી બજારે મોંઘા દામથી વેંચવામાં આવી. મને વેશ્યાએ ખરીદીને પોતાના ધંધામાં જોતરી દીધી.
વાત સાંભળીને તરત આ યુવાન ઘેર ગયો. મા-બાપ પાસેથી જવાબ માંગ્યો. મા-બાપે ખરી વાત કહી. આ યુવાને એ વાત વેશ્યાને જઈને કહી. વેશ્યા ખાખ જેવી થઈ ગઈ, પોક મૂકીને રડવા માંડી. ચંપાપુરીમાં એ વેશ્યામાતાનાં આંસુએ કેટલી તીવ્ર ગૂંગળામણ અનુભવી હશે. દીકરો જાણે છે કે મા વેશ્યા છે, માની વેશ્યાગીરીનો ઘરાક દીકરો જ બને છે, માએ ભૂતકાળમાં દીકરાને રઝળતો મૂકી દીધેલો તેનો રહસ્યસ્ફોટ થાય છે. યુવાનનાં મનને કારમો આઘાત લાગે છે. માતાને છોડાવીને તે તાપસ દીક્ષા લેવા નીકળી પડે છે.
ચંપાપુરીના મારગ પરથી ચાલ્યા જતા એ ભરવાડના ચહેરા પર વિરાગ પ્રસર્યો છે. એના મૂળમાં વ્યથા છે. માતા વિધવા છે તેની અથવા માતા વેશ્યા છે તેની. જનમ થયો તે વખતે જ પિતાનું ખૂન થઈ ચૂક્યું હતું. થોડીવાર પછી એ રસ્તે રઝળતો હતો. પછી એ ભરવાડનો પર્યાય પામ્યો. આજે ફોડ પડ્યો કે એની માતા તો વાંઝણી છે. કેવો વિરોધાભાસ ? વિધવા, વેશ્યા ને વાંઝણીમાતાનો એ દીકરો. કોઈ માએ એને સાચી હકીકત ના કહી. સાચી હકીકત વાછેરાની માએ કહી. ચંપાપુરીના બજારમાંથી નિર્લેપ ભાવે એ નીકળી ગયો. પોતાની બેય મા પાછળ મૂકી દીધી તેણે. એ તાપસ બન્યો. એક દિવસ ગોશાળાની તેજોલેશ્યાનો એ પ્રેરણાગુરુ બન્યો. પ્રભુએ વિદ્યા આપી, તાપસે તે પૂર્વે વિચિત્ર રીતે પ્રેરણા આપી. તેજોલેશ્યાનાં સર્જનમાં ચંપાપુરીનું નામ જોડાયું છે તે કોણ માનશે ?
ચંપાપુરી આવા જ બીજા એક સંતાનની નગરી છે. કુન્તીનો દીકરો અને રાધાનો કુંવર કર્ણ આ નગરીનો રાજા હતો. હસ્તિનાપુરમાં રાજકુમારોની પરીક્ષા