________________
૧૨
પ્રભુવીરનો માહોલ
માગસર વદ બીજ : રામપુર હાટ એ દેશ્ય નહીં ભૂલાય. હાથલારી પર બાઈનું મડદું પડ્યું હતું. દુકાન પાસે હાથલારી ઊભી હતી. હાથલારીવાળો પૈસા માંગતો હતો. મડદાનાં નામે પૈસા ઉપજાવી લેવાની નિર્ઘણ પદ્ધતિ હતી. અથવા ગરીબીના હિસાબે અંતિમ સંસ્કાર કરવાના પૈસા નહીં હોઈ તે માંગતો હશે. ગમે તે હોય, આ અસહ્ય હતું. ભરબજારે રસ્તા પર હાથલારી અને મડદું. મડદાની બાજુમાં નાની ટોપલીમાં પરચૂરણના સિક્કા પડતા હતા. હાથલારીની બાજુમાંથી પસાર થનારો ભડકીને દૂર ભાગતો, ભીખ માંગવાનો આવો તરીકો આજ સુધી નથી જોયો. કોઈ ના ન પાડી શકે. આખરે ભૂતના ડરથી પણ પૈસા છૂટે. અલબત્ત ભીખ માંગનારની, આ અસહ્ય લાચારી હશે.
માગસર વદ ત્રીજ : શિકારીપાડા રસ્તો હાઈવે મૂકીને વળ્યો પણ ટ્રકની ધમધમાટી હાઈવે જેવી જ. ચારે બાજુ પથરા તોડવાના મશીન, પથરામાંથી કાંકરા બનાવીને વેચવાનો ધંધો, રસ્તા પર પાગલવેગે ટ્રકની કતાર ભાગે. કોઈ ખાલી, કોઈ ભરેલી. ડામરની સડક નાની. તેની બન્ને ધારે ધૂળિયા કેડી. ટ્રકના ટાયર તેના પરથી વહે, હવા પર ધૂળનો ગોટ ચડે. રોડથી થોડે દૂર ઊંચા ઝાડોની નીચે સફાઈકામ ચાલુ.
સ્ત્રીવર્ગના નાના મોટા સભ્યો ઝાડું મારીને પાંદડાના ઢગલા કરે, જંગલમાં ખરતાં પાંદડાં તે વળી શા કામનાં હશે ? પાનમાંથી કોઈ વસ્તુ બનાવતાં હશે ? સાફસૂથરી જમીનનું કોઈ કામ હશે ? સમજાય નહીં. અવાજ આવતો રહે. પાંદડાં પર ખરાટો ફરે. પાંદડા એકી સાથે અવાજો કાઢે, ખડખડાટ થાય, ખોપડી
હસતી હોય તેવા વિચિત્ર અવાજ, ટ્રકના મશીનની ઘરઘરાટીમાં ઢંકાઈ જાય.
બહુ શિસ્તથી કામ ચાલે છે. ડોસી હોય કે પાંચ વરસની બેબલી હોય, બધા જ મચી પડ્યા છે. ટ્રક સામે નજર નથી. એકબીજા સાથે વાતો નથી કરતા. પાંદડાં સાથેનો રાધાવેધ ચાલી રહ્યો છે. સવારની ઠંડી એમને નડતી નથી. ચા પીધી નથી લાગતી. જળોની જેમ દરેક પાંદડાને ચૂસવાના હશે કે શું ? ન સમજાય. પરંતુ લાંબા વખતથી ન સમજાતું રહસ્ય, જયારે સમજાય ત્યારે આંચકો લાગે.
ઝાડ પરથી ખરી પડેલાં પાંદડાં ભેગા કરીને એ લોકો ઘેર લઈ જાય. એ પાંદડાને આગ ચાંપવામાં આવે. સળગતા પાંદડાની ગરમી પર એ લોકો રસોઈ બનાવે. સગડી એમનાં નસીબમાં નથી. પેટનો ખાડો પૂરવા મજૂરી કરનારા ઘણા હોય છે. પેટનો ખાડો ગરમ રાખવા માટે પણ પાંદડા વીણનાર હોય છે, તેની શહેરમાં રહેનારને ક્યાંથી ખબર હોય ?
માગસર વદ ચોથ : (ચાલુ રસ્તે) પશ્ચિમ બંગાળના બે તાલુકાના નામ છે વીરભોમ અને વર્ધમાન. એમ કહેવાય છે કે આ વિસ્તારમાં પ્રભુવીરના વિહાર થયા છે. રામપુર હાટથી સેથિયા જવાના રસ્તે જોગી પહાડ આવે છે. ત્યાં ખોદકામમાં સફેદ માટી નીકળે છે. સેથિયાના એક ભાઈએ અને શાંતિનિકેતનની બીજી એક સંસ્થાએ દસ-બાર વરસનાં સંશોધન પછી પૂરવાર કર્યું છે કે આ પહાડના વિસ્તારમાં જ પ્રભુવીરને ચંડકૌશિકે ડંખ માર્યા. પ્રભુવીરનું સફેદ લોહી આ ધરતી પર રેલાયું ત્યારથી અહીંની માટી સફેદ થઈ ગઈ છે. પ્રભુવીરનું લોહી થોડું જ વહ્યું હતું પરંતુ પ્રતિબોધ પામેલા ચંડકૌશિક પર ગોવાળોએ દૂધ, દહીં અને ઘી ઘણાં ઢોળેલાં તેનાથી મોટી સફેદ થઈ ન હોય ? આ તો અનુમાન છે. દર્શનશાસ્ત્રનું અનુમાન ભલે કોરું ગણાય. આ અનુમાનમાં તો ભીનાશ વર્તે છે. આખા રસ્તે દેવાર્ય છવાયેલા રહે છે. પ્રભુનો રાજકુમાર અવસ્થાની પછીનો અને ભગવાન અવસ્થાની પહેલાનો સમયખંડ-સાધનાકાળ તરીકે ઓળખાય છે. સાધનાકાળના પ્રસંગોનો પાર નથી. ચંડકૌશિકનો પ્રસંગ પોતાની અલગ કહાની ગાય છે.
પ્રશ્ન જરા જુદી દિશાથી આવે છે : ગોશાળો સાથે થયો હોત તો