________________
૧૦
બંગાળીબાબુઓ સાથે ઊભા ઊભા માથાફોડ કરી તેનાથી નવા ચાર કિલોમીટર ચાલ્યા હોઈએ તેટલા પગ દુખી ગયા હતા. આખરે એ બધા ગયા. પ્રતિક્રમણ શરૂ થવાની ઘડીએ જ લાઈટ ગઈ. મંદિરની લાઈટે એક કલાક સુધી પોતાનો વિરોધ ઊભો રાખ્યો.
ગામડાની અજાણ અને ખૂણાની જગ્યામાં ઘનઘોર અંધકાર છવાયો. હાથ કે નખ પણ ન દેખાય તેવો કાળો આડંબર જામ્યો. ગામડાનું અંધારું વધુ ઘટ્ટ હોય છે. માણસોએ એમની રીતે, એમના માટે અજવાળું કર્યું. સૂવા માટે આડા પડખે થયા ત્યારે પણ મંદિરના ઓટલા જેવા એ મકાનના દાદરે ગપસપ ચાલુ હતી. ગામના બિરાદરો અમને જોવા આવતા હતા. અંદરઅંદર અમારા વિશે ચર્ચા કરતા હતા. અહી ચારીસંજીવનીનો ન્યાય લાગવાનો નહોતો. કોરું કુતૂહલ હતું. છેક છેલ્લે એક કાકા આવ્યા હતા. પીઠ પર એનો અવાજ સંભળાતો હતો : ચલો. એમનું ટાબરિયું અમને જોવું રહ્યું. અમારી પાસે શું હતું ? દોરી પર સુકાતાં સફેદ કપડાં, એમની નજરે સફેદ પથારી (સંથારો), દંડાસન અને દાંડો, પાણી ભરેલી લાલ તરપણી. આ બધું જોવામાં એમને અચરજ થયા કરતું હતું. ચલો, બીજી વાર બાપા જરા જોરથી બોલ્યા. ટાબરિયાએ હા પાડી. એ ઊભું જ રહ્યું તે તો માથે ઓઢીને સૂવા છતાંય ખબર પડી. બાપા ત્રીજી વાર, ચલો-એમ બોલ્યા ત્યારે એ ટેણિયું પાછું ફર્યું. જતાં જતાં એ પાછું ઊભું રહી ગયું હશે એટલે બાપાએ હાથ ખેંચ્યો હશે, જોરથી બંગાળિયો બબડાટ સંભળાતો રહ્યો. આખરે શાંતિ થઈ. ઊંઘમાં ગરક થયા વિના છૂટકો નહોતો. ખુલ્લી જગ્યામાં ચોર આવીને કાંઈ ઉપાડી જાય તો ઊંઘમાં ખબર પડવાની નહોતી. જાગવું જરૂરી હતું. છતાં ઊંઘનું બળ વધુ હતું. રાતે એક વાગે ખબર પડી કે ઊંઘનું બળ કોક તોડવા માંગે છે. માથે ઓઢેલું તે ખસેડીને જોયું તો એક કૂતરું પોતાનો હક બતાવી, ઓઢવાનું ખેંચી રહ્યું હતું. એને ન છૂટકે ભગાવ્યું. ફરી ઊંઘ. ફરી એનો ભંગ. રડવાનો અવાજ. ભૂત હશે ? કે શિયાળ ? બેય જોખમી. હવે તો ઊઠવામાંય વીમો. અવાજ દયાપાત્ર બન્યો કે અવાજને કારણે અમે દયાપાત્ર ઠર્યા તે નક્કી થતું નહોતું. ધીમે ધીમે સ્પષ્ટ થયું. કૂતરું હતું, ને તે ગલુડિયાને લઈને આવી પહોંચેલું. એ બાળ ચતુષ્પદોએ અબાળ પરાક્રમ કરીને અમને બધાયને જાગતા જ રાખ્યા. દૂરથી સાચે જ શિયાળવાનો અવાજ આવતો થયો. આ બે ગલુડિયાં
લાવનાર કૂતરું-માં હોવાથી રૂએ મેદાનમાં જઈ શિયાળવાની દિશા તરફ ભસવા લાગ્યું. અર્થાવગ્રહ પછી ઈહા થાય તેમ નિદ્રામાંથી તંદ્રા થઈ હતી. અપાય ટકી જાય ને ધારણા બને તેમ અનિદ્રા ટકી ગઈને જાગૃતિ બની ગઈ. ‘તસ્યાં જ્ઞાતિં' આ સૂત્રને આત્મસાત્ કરાવવા માટે એ કૂતરું એના બાબલાઓ સમેત જાગતું જ રહ્યું. સૂતેલાને જગાડવાનો ઉપદેશભાવ પણ એણે દાખવ્યો જ. આમ જ રાત પૂરી થઈ. સવારે નીકળ્યા.
માગસર સુદ ચોથ : પલાશી મંદિરની ધર્મશાળા, ઓસરીમાં કપડાં સૂકાઈ રહ્યાં છે. થોડીવાર પહેલા અહીંની વિચિત્રતા જોવા મળી. બે તદ્દન નાની છોકરીઓ, ભાઈ સાથે ભીખ માંગવા નીકળી હોય, તેવી દેખાતી હતી, પાણીના ખાબોચિયા પર છવાતાં પાંદડાની જાળ એ હટાવવા લાગી. સાપ હતો તેમાં. એ ડર્યા વિના લાકડી ઠપકારીને જાળમાંથી સાપને ભગાડતી રહી. આટલી નાની ઉંમરે આવી હિંમત જોઈને અચરજ થયું. જાળ થોડી હટી એટલે ગંદુગોબરું ખાબોચિયું ખૂલ્યું. બન્ને છોકરી તેમાં વાંસના ટોપલા ઝબકોળવા લાગી. ટોપલામાં પાણી ભરાય, તડમાંથી નીતરી જાય. એ બેય ટોપલામાં હાથ ફંફોસે, ફરી ડૂબાડે, નીતારે અને હાથથી ટોપલામાં ખાખાખોળાં કરે. કશું ન મળ્યું. એનાથી હતાશ થયા વિના તેમણે લાલ રંગનું કપડું હાથમાં લીધું. કદાચ, તેમના બાપાનો ગમછો. પાણીમાં નાંખીને પહોળું કર્યું. બન્નેએ મળીને ચાર હાથે ઉપર લીધું. કાદવમાંથી પાણી નીતરી રહ્યું હતું તે જોઈ તે ખુશ થઈ. એ શું કરવા માંગતી હતી તે સમજાયું, ત્યારે આઘાત લાગ્યો. આઠ દસ વરસની માસૂમ છોકરીઓ માછલી પકડતી હતી. મોટી થઈને એ શું કરશે ?
બીજો કિસ્સો પરમ દિવસનો. પાણી વાપરવા રોડની બાજુમાં તૂટેલી ભીંત પર અમે બેસેલા. પાસે જ મંદિર જેવું હતું. એક દેવીમૂર્તિ, એની પર છાપરું અને વાંસની પટ્ટીમાંથી બનાવેલી જાળી. અંદર દીવો, અગરબત્તી હતાં. બે નાના છોકરા આવ્યા. આઠમી કે નવમીમાં ભણતા હશે. એક અંદર ગયો. મંદિરનું માચીસ હાથમાં લીધું. એની પીઠ અમારી બાજુ હતી. શું કરતો હતો તે દેખાયું નહીં. એ પાછો ફર્યો ત્યારે દંગ થઈ ગયા અમે. મંદિરના માચીસથી એણે પોતાનાં મોઢામાં મૂકેલી બીડી સળગાવી હતી. મોટો થઈને આ શું નહીં કરે ?