________________
સાહેબની શાંત મક્કમતાએ સુરેશભાઈને આકર્ષ્યા. સિદ્ધાંત માટે પોતાના જ ભગવાનની પ્રતિષ્ઠા કરવાની ના કહે તેવી વ્યક્તિ સુરેશભાઈએ પહેલીવાર જોઈ. આખરે સહુને ધર્મના નિયમો સમજાવી આચાર્ય મહારાજે પ્રતિષ્ઠા કરાવી. આચાર્ય મહારાજ સાહેબનું ચોમાસું પૂના થયું ત્યારે સુરેશભાઈ તેમના સત્સંગમાં, વ્યાખ્યાનવાણી શ્રવણ કરવા નિયમિત જવા લાગ્યા. આચાર્ય મહારાજની ધીર-ગંભી૨-પ્રસન્નમુદ્રા તેમના માનસપટ પર છવાઈ ગઈ. એમનું દર્શન થતાં જ તેમને અંદર પરમ શાંતિનો અનુભવ થતો.
આચાર્યશ્રી વિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજ એકસો એકવીસ (૧૨૧) શિષ્યો અને ૨૫૦ પ્રશિષ્યોના ગુરુપદે હતા. તેમના સમુદાયમાં ૮૦૦ સાધ્વીજી મહારાજ હતા. હજારો અનુયાયીઓ માટે તેઓ પ્રલંબ વડલા સમા હતા. જૈનધર્મની સર્વોચ્ચ ગણાય તેવી ગચ્છાધિપતિ પદવી તેઓ ધરાવતા.
સુરેશભાઈની અંદર પ્રશ્નો જ પ્રશ્નો હતા. જગત શું ? ઈશ્વર શું ? ધર્મ શું ? સુખ શું ? હું કોણ ? મહારાજ સાહેબના વ્યાખ્યાનમાં ઘણીવાર પ્રશ્નો પૂછે. ઘણીવાર એવા પ્રશ્નો પૂછે કે મહારાજ સાહેબ કદાચ ઉત્તર નહીં આપી શકે તેવું લાગે, પણ મહારાજ સાહેબ સ્વસ્થચિત્તે તમામ પ્રશ્નોના ઉત્તર આપે. ઘણા ઉત્તરો એવા કે મનનું સમાધાન થઈ જાય. મહારાજ સાહેબની વાત સુરેશભાઈનાં હૈયાને સ્પર્શવા લાગી. રજનીશજીના સમાધિ - પ્રયોગની અસર જે હૃદયને ન થઈ તેને આચાર્ય મહારાજના શબ્દોની જાદુઈ અસર થઈ. તેમને એ શબ્દોમાં સચ્ચાઈનો રણકાર સંભળાતો.
sabada\2nd proof
તેમણે આચાર્યશ્રીને કહ્યું, ‘મહારાજ સાહેબ ! મને તમારા ધર્મમાં રસ છે.’ આચાર્ય મહારાજે તેમને જવાબ આપ્યો, ‘‘જૈનધર્મ કેવળ સમજવાનો નહીં, જીવવાનો ધર્મ છે.’’ સુરેશભાઈએ કહ્યું ‘‘તમારી વાત મારાં હૃદયમાં ઉતરશે તો એ રીતે જીવવા હું તૈયાર છું.’’
એ પછી સુખની ચર્ચા થઈ. સુરેશભાઈ સમજતા હતા કે સુખ શરીર દ્વારા મળે. ધર્મ જાણ્યો ત્યારે સમજાયું કે સુખ મન પાસેથી મળે છે. પણ મહારાજ સાહેબે કહ્યું કે “સુખ આત્મામાંથી મળે છે.” અને તેમણે સમજાવ્યું કે, “આત્મા સુધી પહોંચાય તો ભગવાન બનવાની શક્તિ આવે.” જ્યારે આચાર્ય રજનીશજી, ‘હા, મૈં માવાન હૂઁ’એવી ઉક્તિ વારંવાર બોલીને ખળભળાટ મચાવી રહ્યા હતા ત્યારે મહારાજ સાહેબે કહ્યું કે “આત્મા જાગે તો પરમાત્મા બની શકાય.'' જૈનધર્મગ્રંથોના પારગામી આચાર્ય મહારાજ સાહેબે સુરેશભાઈને દઢ વિશ્વાસ અપાવ્યો કે આત્મા સુધી પહોંચી શકાશે.
સુરેશભાઈ દ્વારકા પાસે ઓખાના લોહાણા ઠક્કર. તેમના પિતાશ્રી હરિદાસ ભાયાણી દુષ્કાળને કારણે ઓખા છોડીને પૂના આવેલા. દોરીલોટો લઈને નીકળેલા પરિવારે પૂનામાં દુકાન જમાવી હતી. ઘણા ઠક્કરો પુષ્ટિમાર્ગી વૈષ્ણવ ધર્મ પાળે છે. ભાયાણી કુટુંબ પણ એ ધર્મ પાળે.
આચાર્યશ્રી વલ્લભાચાર્યજી દ્વારા કૃષ્ણની વિશેષ ઉપાસનારૂપે શરૂ થયેલ આ પંથમાં આચાર-વિચાર અને આહાર-વિહારના કડક નિયમો છે. જનોઈ ધારણ થાય.