________________
sabada\2nd proof
મહારાજ સાહેબના સંસર્ગમાં આવ્યા પછી સુરેશભાઈ જૈનધર્મનાં વ્યાખ્યાનોમાં જવા લાગ્યા. દહેરાસરે દર્શન માટે જાય, પૂજા કરે. પૂજા કરીને આવે ત્યારે સુરેશભાઈનાં કપડામાંથી પણ કેસરની વાસ આવે. એ ઘરમાં ન ગમે.
સુરેશભાઈના ધર્મપત્ની જયાબેન ચુસ્ત વૈષ્ણવધર્મ પાળે. હવેલીમાં જાય. ઘરમાં વલ્લભાચાર્યનો ફોટો રાખે. જયાબેને સંતાનોને બ્રહ્મસંબંધ પણ અપાવેલો. કંઠી પણ પહેરાવેલી. સુરેશભાઈ આચાર્ય શ્રીવિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજ સાહેબનો ફોટો લઈ આવ્યા. ઘરમાં બીજા ફોટા પણ હતા. ગંગાજી, જમનાજી અને શ્રીનાથજીના. નાનકડું મંદિર. એમાં ભગવાન કૃષ્ણની મૂર્તિ હતી. નવો ફોટો મૂકવાની જગ્યા નહીં. એટલે તેમણે ટેલિફોન ડિરેક્ટરીનાં કવરમાં ફોટો મૂક્યો. આ બધાને કારણે ઘરમાં વિવાદ પણ થાય. પણ સુરેશભાઈ મક્કમ. ધીરે ધીરે જૈનધર્મ તરફ તેમનાં ડગલાં પ્રયાણ કરી રહ્યાં હતાં. કુટુંબની વર્ષો જૂની માન્યતાઓ, પરંપરાઓ અને શ્રદ્ધાને તોડીને નવો માર્ગ સ્વીકારતા જે કશ્મકશ થાય, તે થઈ. પિતાજી હરિદાસ ભાયાણી, તેમના બીજા પુત્ર અનિલભાઈ બધાને આ ન ગમતું. સુરેશભાઈના મનમાં થયું કે સુખી થવું હશે તો સંસાર છોડવો પડશે.
સુરેશભાઈનાં જીવનનો ક્રમ સાવ બદલાઈ ગયો. ખાવાના શોખીન સુરેશભાઈ સાદું ભોજન કરે. પગમાં ચંપલ પહેરવાનું પણ છોડી દીધું. સાવ સાદાં કપડાં ધારણ કરે. ટી.વી.ના મેનેજર તરીકે મોટા હોદ્દાની ઑફર આવી એ પણ ઠુકરાવી દીધી. ટીવી રીપેર
કરવા જાય તોય સાયકલ ઉપર. ઘરમાં રસોઈનું મેનુ બદલાઈ ગયું. મહારાજ સાહેબ વાપરે તેવી રસોઈ બને.
આચાર્ય શ્રી વિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજ સાહેબ ચોમાસું પાટણમાં હતાં ત્યારે તેઓ પાટણ આવ્યા. ચાર મહિના પાટણ રહ્યા. દીક્ષા લેવાનો સંકલ્પ મજબૂત બન્યો. તેમણે પોતાનો આ નિશ્ચય તેજપાલભાઈ નામના મિત્રને કહી સંભળાવ્યો. તેજપાલભાઈએ મહેન્દ્રભાઈને વાત કરી. મહેન્દ્રભાઈ પૂનામાં જૈનધર્મ ગ્રંથોની ઊંડી સમજ આપતા. તેમના વક્તવ્ય સાંભળવા ઘણા લોકો આવતા. તેજપાલભાઈએ મહેન્દ્રભાઈનો પરિચય સુરેશભાઈ સાથે કરાવ્યો. સુરેશભાઈની દીક્ષા લેવાની ભાવના જોઈ મહેન્દ્રભાઈએ તેમને કહ્યું, ‘તમે એકલા દીક્ષા શા માટે લો છો ? મારા બે દીકરા પણ દીક્ષા લેવા તૈયાર છે. તમારા ત્રણ પુત્રોને પણ સાથે લો તો છ દીક્ષા એક સાથે થાય.”
સુરેશભાઈમાં વૈરાગ્ય ભાવના ખૂબ પ્રબળ હતી. એમને આ વાત સ્પર્શી ગઈ. સુરેશભાઈને ત્રણ પુત્રો હતા. ભૂપેશ, અમિત અને પ્રકાશ. અમિત નવમાં ધોરણમાં અભ્યાસ કરે પ્રકાશ સાતમામાં. રાજુ અને ટીનના લાડકા નામે ઓળખાય. સુરેશભાઈ તેમને પણ મહેન્દ્રભાઈના વર્ગોમાં લઈ આવે. બંને સંતાનોની અભ્યાસ કારકિર્દી ઉજ્જવળ. શિક્ષકોમાં, વિદ્યાર્થીઓમાં અને કુટુંબમાં સહુના લાડકા. સમાજ તરફથી, સ્કૂલ તરફથી, વરસોવરસ ઇનામો મેળવેલા. અભ્યાસ સિવાયની ઈતર પ્રવૃત્તિમાં પણ આગળ પડતા.