________________
sabada 2nd proof
૪૧
૪૨
ખરાબ શબ્દ બીજાના મનને પછી બગાડે છે
બોલનારનાં મનને પહેલા બગાડે છે
ધર્મ વિચારોમાં નથી આત્મામાં છે
શરીરની શક્તિ કરતા વાણીની શક્તિ ચડિયાતી છે. દુનિયામાં બંદૂકની ગોળીથી ઘવાતા લોકોની સંખ્યા કરતા શબ્દોથી ઘવાતા લોકોની સંખ્યા વધુ છે. ગોળીના ઘા રૂઝાય છે. શબ્દોના ઘા રૂઝાતા નથી. ગળ્યા વિનાનું પાણી પીવાથી પીનારને રોગ થાય, વિચાર્યા વિના શબ્દો વાપરવાથી બોલનાર અને સાંભળનાર બન્નેને રોગ થાય. બોલવાની બાબતમાં કાળજી ન રાખો તો મન બગડતા વાર નથી લાગતી. તમારા મોઢામાંથી શબ્દ બહાર પડે તે પહેલા તમારી લાગણી સાથે તે ઓળઘોળ થાય છે. શબ્દો આપણી ભાવનાઓનું પ્રતિબિંબ છે. આવેશમાં, ઉંઘમાં કે નશામાં બોલાયેલા શબ્દો તમારા સાચાં વ્યક્તિત્વના પરિચાયક બને છે. સારા, સાચી અને સૌમ્ય શબ્દો વાપરતી વ્યક્તિને ખરાબ વિચાર લગભગ નથી આવતા. ગુસ્સામાં કે આવેશમાં જેના મોઢામાંથી અપશબ્દ ન નીકળે તે સારો માણસ. જરૂર કરતા વધારે બોલનારો આદમી વિચારક નથી હોતો. સમજુ માણસ પહેલા વિચાર કરે છે પછી બોલે છે. અણસમજુ માણસ પહેલા બોલે છે પછી વિચાર કરે છે. સરહદ સલામત તો દેશ સલામત, શબ્દો સલામત તો મન સલામત. બ્રેક વિનાની ગાડી અને અંકુશ વિનાની વાણી અકસ્માત જ સરજે છે. વાણીમાં બીજી પ્રત્યે તિરસ્કાર, તુચ્છકાર કે અધિકાર વ્યક્ત થવો ન જોઈએ. બીજાને આધાર મળે, બીજાનો સ્વીકાર થાય, બીજાને આવકાર મળે એવી વાણી સાક્ષાત્ અમૃત જેવી છે. બોલતા પહેલા ત્રણ બાબતનો વિચાર અવશ્ય કરવો હું જે બોલવા માંગુ છું તે સાચું છે? સાચું હોય તો જરૂરી છે? સાચું અને જરૂરી હોય તો કરુણા સભર છે?
મનમાં ઘણાં સ્તરો છે. લાગણી, પક્ષપાત, માન્યતા વગેરે મનનાં અલગ અલગ પાસાંઓ છે. શરીર કરતાં વાણીની શક્તિ વધારે છે. વાણી કરતાં વિચારની શક્તિ વધારે છે. વિચાર કરતાં લાગણીની શક્તિ વધારે છે. લાગણી કરતાં પક્ષપાતની શક્તિ વધારે છે. માણસ કેવળ વિચાર કે લાગણીના આધારે ન જીવી શકે. પક્ષપાત કે માન્યતા જેવા વલણો માણસનાં વિચારતંત્રને અને લાગણીતંત્રને પ્રભાવિત કરે છે.
જે વ્યક્તિ મનને ઓળખી શકે તે ધર્મને ઓળખી શકે છે. જે ધર્મને જાણી શકે તે આત્માને જાણી શકે. ધર્મ મનની પેલે પાર આત્માની નજીક છે. ધર્મ સુધી પહોંચવાનું દ્વાર મન છે. મનનાં એક એક પડને ઉકેલતાં સત્ય લાધે છે. ધર્મ વિચારોમાં નથી. વિચારોમાં ઝિલાય છે તે ધર્મનું પ્રતિબિંબ છે. ધર્મ આત્મામાં છે. મનમાં ધર્મનો આશય હોય છે.
વિચાર અને આશય વચ્ચે અંતર છે. જે વિચારમાં પક્ષપાત ભળે છે. તે વિચાર આશય બને છે. તાજાં જન્મેલાં વાછરડાંને તેની મા-થી જુદું પાડવામાં આવે તો પણ તેનું મોટું માં તરફ જ હોય છે. મા દેખાય. નહીં તો પણ વિચારો તો એનાં જ આવે છે. મા તરફનું આ તીવ્ર આકર્ષણ અને મમત્વ તે પક્ષપાત.
ક્રિયા ગમે તે હોય, વિચાર ગમે તે હોય, લાગણી ગમે તે હોય પણ મન જેનો પક્ષપાત કરે છે તેને આશય બનાવી લે છે. જેનો આશય હોય તેમાં આનંદ અને એકાગ્રતા આવે છે. પૈસા ગણવામાં એકાગ્રતા અને આનંદ જન્મે છે. કારણ પૈસાનો પક્ષપાત અને આશય છે.
- ૪૧ -