________________
sabada\2nd proof
૪૩
જે વિચારને જીતે છે તે જીવનને જીતે છે
માનવીનાં મનમાં જ્યાં સુધી ભૌતિક પદાર્થોને પક્ષપાત જીવતો હોય છે ત્યાં સુધી ચંચળતા નથી ઘટતી એકાગ્ર નથી બની શકાતું.
ધર્મના વિચારને આશયમાં ફેરવવા માટે બે કામ કરવા જરૂરી છે. (૧) જે સારો વિચાર આવે તેને તત્કાલ અમલમાં મૂકવો.
(૨) સારો વિચાર કાયમી બને એ માટે સારા વિચારોનું પુનરાવર્તન કરતાં રહેવું.
ભૌતિક પદાર્થોનું આકર્ષણ ઘટ્યા વિના એકાગ્રતા આવતી નથી. આકર્ષણ બે રીતે ઘટે છે સમજથી અને સમજપૂર્વકનાં ત્યાગથી. પદાર્થોનું સાચું સ્વરૂપ સમજાય તો આકર્ષણ રહેતું નથી. ત્યાગથી સત્ત્વ વધે છે. એકાગ્રતામાં સત્ત્વ સહાય કરે છે.
| વિચારોનું વિશ્વ અતિ વિશાળ છે. માણસ સાચું જીવન વિચારોના વિશ્વમાં જીવે છે. પોતાના જ વિચારો પર માણસનો કંટ્રોલ નથી. દુનિયાની તમામ ચીજોના ભાર કરતા વિચારો વજનદાર હોય છે. મોટા ભાગના માણસો નકામા વિચારોના પોટલા જીવનભર ઉપાડીને ફરતા રહે છે. ૨૪ કલાકમાં અસંખ્ય વિચારો જન્મે છે. તેમાંથી ભાગ્યે જ બે-ચાર વિચારો જરૂરી હોય છે. માણસ સુખી થાય છે, વિચારોને લીધે. દુઃખી થાય છે, વિચારોને લીધે. આપણે વિચારોને પ્રભાવિત નથી કરી શકતા. વિચારો આપણને પ્રભાવિત કરે છે. માણસ યા તો વિરોધ કરે છે, યા તો અનુકરણ કરે છે. વિચાર નથી કરતો. વિચાર કર્યા વિનાનો વિરોધ, સંધર્ષ પેદા કરે છે. અને વિચાર વિનાનું અનુકરણ સંક્લેશ આપે છે.
જીવન જરૂરીયાતની વસ્તુ ખરીદતી વખતે ત્રણ મુદ્દા ખાસ ખ્યાલમાં લેવાય છે. ૧. ઉપયોગિતા ૨. ગુણવત્તા ૩. મૂલ્યવત્તા. વિચારો અપનાવતી વખતે ઉપયોગિતાની, ગુણવત્તાની કે મૂલ્યવત્તાની ચકાસણી નથી થતી. પરિણામે વિચારો નિરંકુશ બને છે. વિચારોની પસંદગીના ચાર માપદંડ છે. વિચાર વાસ્તવિક હોવો જોઈએ કાલ્પનિક નહીં. કાલ્પનિક વિચાર માણસની દશા શેખચલ્લી જેવી કરી નાખે છે. વિચારો પોતાના હોવા જોઈએ ઉધાર નહીં. ઉધારના પૈસાની જેમ ઉધાર વિચારો પણ નિરુપયોગી છે. વિચારો પૉઝીટિવ હોવા જોઈએ. નેગેટિવ નહીં. ગુલાબને જોવાની ટેવ હશે તો કાંટાની પીડા ડંખશે નહીં. વિચારો સાધક હોવા જોઈએ, બાધક નહીં. વિચારોમાં વિરોધ હોય તો વિચારતા નબળી પડે છે. જે વિચારને જીતે છે તે જીવનને જીતી શકે છે.
૪૩
૨૪૪