________________
sabada\2nd proof
સારી વાત બુદ્ધિથી હૃદય સુધી પહોંચતા જ વાર લાગે છે
જીવને શિવ સાથે જોડી આપતો સંબંધ: મૈત્રી
પ્રેમ ત્રણ પ્રકારનો છે. વસ્તુલક્ષી, વ્યક્તિલક્ષી અને નિરપેક્ષ પ્રેમ, સંસારનો પ્રેમ વસ્તુલક્ષી કે વ્યક્તિલક્ષી હોય છે. પરમાત્માનો પ્રેમ નિરપેક્ષ છે. પરમાત્મા પ્રેમમાં સ્વાર્થ નથી, અધિકાર નથી, વળતરની આશા નથી. તે પ્રેમમાં કેવળ કરુણા છે. ધર્મ નિરપેક્ષ પ્રેમ દ્વારા પામી શકાય છે. વસ્તુનું કે વ્યક્તિનું આકર્ષણ નિરપેક્ષ પ્રેમમાં બાધક બને છે. તે આકર્ષણને ઘટાડવા ધર્મનો આદરભાવ વધારવો પડે છે. ધર્મને બુદ્ધિમાં સ્થાન આપતા અનંત કાળ પસાર થાય છે તો બુદ્ધિથી હૃદય સુધીનો માર્ગ કાપતા બીજો અનંત કાળ લાગી જાય છે. સમજમાં પરિવર્તન ધર્મ પામવાનું સૂત્ર છે. દિલમાં જે સ્થાન પૈસાનું, પરિવારનું, પદનું પ્રતિષ્ઠાનું છે તેથી વિશેષ સ્થાન પરમાત્માને, સદ્દગુરુને. કલ્યાણમિત્રને, અને ધર્મને આપો. સંસારનો પ્રેમ સ્વાર્થી બનાવે છે. ધર્મનો પ્રેમ ઉદાર બનાવે છે.
વ્યક્તિ મહાન બને છે, ગુણોને કારણે. મહાન વ્યક્તિઓ તે બને છે જે નાનામાં નાની વ્યક્તિની કાળજી લે છે. અને પોતાની નાનામાં નાની ભૂલની માફી માંગે છે. નાની વ્યક્તિને પણ ધર્મ પમાડવાની ઇચ્છા ધરાવનાર વ્યક્તિ મહાન હોય છે. મહાન માણસો મહાનતાનો ભાર લઈને જીવતા નથી. તેથી દુનિયા તેમને માથે ઊંચકે છે. અભિમાની વ્યક્તિને તેનાં ખોટાં વજનને કારણે એ ભાગ્ય મળતું નથી.
જીવ અને જડના સંબંધોના સરવાળાનું નામ-‘સંસાર.' જીવ અને જીવે વચ્ચેના સંબંધો પણ સંસારમાં આવે. જો આ સંબંધ વાસનાત્મક હોય તો દુઃખ અને ક્લેશ આપે છે. અને આ સંબંધ ભાવનાત્મક હોય તો સુખ અને શાંતિ આપે છે. વાસનાત્મક સંબંધો ક્રોધ, માન, માયા, લોભ રૂપ છે. ભાવનાત્મક સંબંધો મૈત્રી, પ્રમોદ, કરુણા અને ઉપેક્ષા રૂપ છે. વાસનાત્મક સંબંધો જીવને જીવથી છૂટો પાડી જડ સાથે જોડે છે. ભાવનાત્મક સંબંધો જીવને જડથી છૂટો પાડી જીવે સાથે જોડે છે. વાસનાત્મક સંબંધો સંઘર્ષ જન્માવે છે. ભાવનાત્મક સંબંધો સમાધાન આપે છે. વાસના બે જીવને જોડે છે, તે પણ તોડવા માટે જ. વાસના વિચારોને નેગેટિવ બનાવે છે. ભાવનાત્મક સંબંધો વિચારોના મ્યુરિફાયર્સ છે. તમારા જેવા ગુણો ધરાવનારા માણસો સાથે મૈત્રી, તમારાથી અધિક ગુણવાન વ્યક્તિ પર પ્રમોદ, તમારાથી ઓછા ગુણવાળી વ્યક્તિ પર કરુણા અને ગુણહીન વ્યક્તિની ઉપેક્ષા. આ ચાર ભાવનાનો પ્રયોગ વાસનાના આવેશને નબળો પાડે છે. આપણો દુશ્મન દુશ્મનાવટ ન છોડે તેમ છતાં આપણે તેને મનથી માફ કરી દઈએ તે મૈત્રી છે. રામચંદ્રજી રાવણના સૈનિકોની પણ પાટાપિંડી કરવાનું કહેતા. સારા વિચારોનું સાતત્ય ટકાવી રાખવાનું મૈત્રી દ્વારા શક્ય છે. મૈત્રી જીવને શિવ સાથે જોડી આપતો સંબંધ છે.