________________
૧૧
ધર્મનો પ્રેમ જ સાચી પ્રસન્નતાનું મૂળ છે
ધર્મ ત્રણ રીતે થાય છે. એકલા તનથી, એકલા મનથી અને તન અને મનનાં સાયુજ્યથી. મનથી થતો ધર્મ સાચો ધર્મ છે. અને તન અને મનનાં સાયુજ્યથી થતો ધર્મ પરિપૂર્ણ ધર્મ છે. પરિપૂર્ણ ધર્મ તત્કાળ પ્રસન્નતા આપે છે. પ્રસન્ન ચિત્ત ધર્મની પાત્રતા ધરાવે છે. ધર્મનો સ્વાદ પ્રસન્ન ચિત્ત દ્વારા મળે છે. મનગમતું મળી જાય તે પ્રસન્નતા નથી. આવેશ કે ઉત્તેજના વિનાની અવસ્થા તે સાચી પ્રસન્નતા છે. સાચી પ્રસન્નતા પામવા ત્રણ ગુણો કેળવવા જોઈએ. ધર્મનો પ્રેમ, ધર્મની પ્રવૃત્તિ અને ઔચિત્ય.
વિચારો મનમાં પેદા થાય છે. પણ તેની દિશા નક્કી કરે છે પ્રેમ. જેની ઉપર પ્રેમ હોય તેના જ વિચારો આવે છે. મજનૂને લયલા પર પ્રેમ છે, તો તેને લયલા બહુ જ ખૂબસૂરત લાગે છે. દિવસ-રાત તેના જ વિચારો આવે છે. વસ્તુલક્ષી કે વ્યક્તિલક્ષી પ્રેમ આપણા વિચારનો ઢાળ નક્કી કરે છે. આપણને જે અતિશય ગમે છે તેના વિચારો આપણને ઘેરી લે છે. ધર્મનો પ્રેમ વિચારો પર અસર કરતાં વસ્તુ કે વ્યક્તિનાં દબાણથી મુક્તિ આપે છે. આપણી પાત્રતાને આડે ફ્લેશ, કષાય અને કર્મનાં આવરણો છે તેને દૂર કરે છે, ધર્મ પ્રત્યેનો પ્રેમ. ધર્મનો પ્રેમ જ્યારે બીજા તમામ પ્રેમ કરતાં ઉત્કૃષ્ટ બને છે ત્યારે ભીતરના પરમાત્માનું અવતરણ થાય છે. પ્રેમભરી ક્ષણોમાં જ્યારે જાત અને જગત ભુલાઈ જાય ત્યારે જે અનુભૂતિ થાય છે એ આનંદની અને પ્રસન્નતાની ક્ષણ છે.
-૧૧
sabada\2nd proof
૧૨
સંક્લ્પ અને સમર્પણ વિના સાધના થતી નથી
સાધનાનાં ક્ષેત્રમાં નિષ્ફળતા અપાવતા બે દોષ છે—આસક્તિ અને અભિમાન. અભિમાન સાચી સમજ પેદા થવા ન દે અને આસક્તિ
સમજ પ્રમાણે આચરણ કરવા ન દે. આ દોષની જુગલબંદી સાધનાને દુષ્કર બનાવે છે. દોષોને દૂર કરવા થોડી પણ મહેનત કરીએ તો સફળતા મળી શકે છે. આસક્તિ અને અભિમાનને કારણે દોષોની શક્તિ વધી જાય છે. આસક્તિ વિકલ્પો કરીને સંકલ્પની શક્તિને તોડી નાખે છે. સંકલ્પ વિના સાધના થતી નથી. સાધનાનાં ક્ષેત્રમાં સફળતાનું બીજું સૂત્ર છે—સમર્પણ. અભિમાન સમર્પણનો દુશ્મન છે.
પરમાત્માની પૂજા કરવી અને પરમાત્મા પર વિશ્વાસ હોવો આ બેમાં ફરક છે. અભિમાન ધર્મના વાસ્તવિક અર્થને સમજવા દેતું નથી. સાધનાનાં ક્ષેત્રમાં સફળ થવા બે સૂત્રો આત્મસાત્ કરી રાખો. અહંકારશૂન્ય બનો. આસક્તિમુક્ત બનો. અભિમાન ઇર્ષા કરાવે છે. આસક્તિ ઇચ્છા કરાવે છે. અભિમાન બે વ્યક્તિ વચ્ચે દિવાલ ઊભી કરે છે. આસક્તિ બે વ્યક્તિને એવા ચોંટાડી દે છે કે છૂટા પાડવા મુશ્કેલ. અભિમાન ઉછળતાં પાણી જેવું છે. આસક્તિ ભભૂકતી આગ જેવી છે. અભિમાન અને આસક્તિ આપણી પ્રતિક્રિયાઓને બાંધી લે છે. સ્વસ્થ માણસ પ્રતિક્રિયાની અપેક્ષા વિનાનો હોય છે.
સારા વિચારો માટે દિલમાં જગ્યા કરો. અહંકાર અને આસક્તિને ખાલી કરો.
-૧૨