________________
sabada\2nd proof
પ્રસન્નતાનું મૂળ છે : સરળતા
બુદ્ધિને પવિત્ર ક્રવાની તાકાત શ્રદ્ધામાં છે
આપણું જીવન દેખાવનું બની ગયું છે. માણસ સાચો ચહેરો હંમેશા છુપાવતો રહે છે. જાહેરમાં મોહરા ચઢાવીને જ આવે છે. જે છે તે છુપાવવું અને જે નથી તે બતાવવું તેનું નામ-માયા, માયા, અભિમાન કરતા વધારે વ્યાપક અને ખતરનાક છે. ક્રોધ કે માનમાં પ્લાનીંગ નથી હોતું. માયામાં પ્લાનીંગ હોય છે. અભિમાની બીજાને તુચ્છ સાબિત કરશે. માયાવી પોતાને તુચ્છ સાબિત કરવા મહેનત કરશે. અભિમાની બીજાની ભૂલ બતાવશે. માયાવી પોતાની ભૂલ બતાવશે. વિશ્વમાં પ્રાણીઓ કૂરતા આચરી શકે છે, પણ માયા નથી કરી શકતા, એક માણસ જ માયાવી છે.
ઘણા પ્રાણીઓ વિશ્વમાં ક્રૂર છે પણ ઘણે ભાગે હું માનવીથી ડરું છું. મને દોસ્તોના અનુભવ ન પૂછો હવે દુશમનો પર ભરોસો કરું છું. માયાની ત્રણ ખાસિયતો છે. (૧) જૂઠ : વિચાર-વાણી અને વર્તનમાં એકરૂપતા ન હોવી.
(૨) બેજવાબદારી : માયાવી માણસ જૂઠું બોલતાં અચકાશે નહીં. અને પકડાઈ જશે તો માફી માંગીને છટકી જવા પ્રયત્ન કરશે.
(૩) અવિશ્વાસ : માયાવી માણસ કોઈની ઉપર વિશ્વાસ મૂકી શકતો નથી. નિઃસત્ત્વતા માયાની મા છે અને બેવફાઈ તેની દીકરી છે. આપણે જગત સાથે માયા કરીએ જ છીએ. જાત સાથે પણ કરીએ છીએ. જાતની માયાજાળથી બચવું હોય તો ત્રણ કામ કરો.
સરળ બનો, સ્પષ્ટ બનો સ્થિર બનો.
ધર્મ શ્રદ્ધાનો પુત્ર છે. જ્યાં બુદ્ધિના સીમાડા પૂરા થાય છે ત્યાં શ્રદ્ધાની શરૂઆત થાય છે. બુદ્ધિ સાથે સ્વાર્થ જોડાયેલો છે, બુદ્ધિથી થતો ધર્મ બદલાની અપેક્ષા કરાવે છે. બુદ્ધિ સ્વયં ચંચળ છે. બુદ્ધિથી થતો ધર્મ પણ અસ્થિર છે. બુદ્ધિ બેધારી તલવાર છે. બુદ્ધિથી જે છે તે નથી તેવું પણ સાબિત કરી શકાય છે. બુદ્ધિથી થતો ધર્મ કસોટીમાં માટીપગો સાબિત થતો હોય છે. શ્રદ્ધા વિનાની બુદ્ધિ અભિમાન પેદા કરે છે. એકલી બુદ્ધિ સંવેદનશીલતાને ખતમ કરી નાખે છે. બુદ્ધિ દુનિયાનાં કાર્યકારણ ભાવ ઉપર ચાલે છે. પાંચ ઇન્દ્રિયો અને મન આ છ દ્વારા મળેલો ડેટા જ બુદ્ધિનો પ્રોગ્રામ ઘડે છે. બુદ્ધિ, ધર્મ કરવા છતાં મનને ધર્મથી દૂર રાખે છે. આપણે કરીએ છીએ તે ધર્મ બુદ્ધિથી થાય છે કે શ્રદ્ધાથી ? તે તપાસતા રહેવું જોઈએ.
શ્રદ્ધાને સંવેદના સાથે સંબંધ છે. શ્રદ્ધા સાથે વેઠેલું કષ્ટ, કષ્ટ લાગતું નથી. શ્રદ્ધા ધર્મક્રિયાને જીવંત બનાવે છે. એકલી બુદ્ધિ ધર્મક્રિયામાં ઉદ્વેગ પેદા કરે છે. પરમાત્માનાં દર્શન કરવા શ્રદ્ધાનાં નયન જોઈએ. બુદ્ધિ તર્કના અટપટા માર્ગમાં ફસાવી શકે છે. જ્યારે શ્રદ્ધા મંઝિલ સુધી લઈ જાય છે.
‘શ્રદ્ધા' જ લઈ ગઈ મંઝિલ સુધી મને
મારગ ભૂલી ગયો, દિશાઓ ફરી ગઈ. શ્રદ્ધામાં તાકાત છે, બુદ્ધિને પવિત્ર કરવાની. કેવળ બુદ્ધિ જ જીવનનો અંતિમ આયામ નથી એ વાત જાતને સમજાવી શકીએ તો ?