________________
sabada\2nd proof
સ્વાર્થ શુભભાવનાને લાગેલા કેન્સર જેવો છે
અભિમાનથી મુકત બનવાનો ઉપાય : પ્રતિભાવ બદલો
માણસને પૈસા પ્રાણથી વધારે વ્હાલા હોય છે. પણ અભિમાન પૈસા કરતા વધુ પ્યારું હોય છે. અભિમાન માટે મરી જનારા દુનિયામાં ઘણા છે. જે માણસને પોતાની જાતથી સંતોષ ન હોય તે અભિમાન કરે છે. જે માણસ ક્રોધ કરે છે તે નિષ્ફળ છે. જે વ્યક્તિ નિ:સત્વ છે તે કપટ કરે છે. જે વ્યક્તિ અતૃપ્ત છે તે લોભ કરે છે. અસંતોષ અભિમાનનો પિતા છે. સ્વકેન્દ્રી પલ્લું, વ્યક્તિનો અસ્વીકાર, વિચારો ન બદલી શકવાની નબળાઈઆ બધા અભિમાનનાં દુર્લક્ષણો છે. અભિમાન માણસનાં મનને સંકુચિત કરે છે.
ચોવીસ કલાકમાં તમે જે વિચારો કરો છો તેમાં ‘હું' ન હોય તેવા વિચારો કેટલા ? અભિમાન માણસને સ્વાર્થી બનાવે છે. ઐહિક સ્વાર્થ માટે જે પ્રવૃત્તિ થાય તે પાપ. કૈકેયીએ જીવનમાં એક વાર સ્વાર્થને પ્રધાન ગણ્યો તેથી રઘુવંશમાં મોટો વિસ્ફોટ થઈ ગયો. રામ-રાવણના યુદ્ધનું મૂળ-કેવળ સ્વાર્થપ્રધાન ભાવના છે. સ્વાર્થ સારી વસ્તુનો દુરુપયોગ કરવા પ્રેરે છે. ધર્મનો અને ભગવાનનો પણ સ્વાર્થ ખાતર ઉપયોગ કરનારા ઓછા નથી. સ્વાર્થ પાપ કરાવે છે અને પાપબુદ્ધિ પેદા કરે છે. સ્વાર્થ મનોભાવનાઓને સંકુચિત કરે છે. સ્વાર્થ આપણી શુભભાવનાઓને લાગેલા કેન્સર જેવો છે.
આપણે સહુ પ્રતિભાવ-ના વિશ્વમાં જીવીએ છીએ. આપણી તમામ પ્રવૃત્તિ કે વૃત્તિ ભાવ સ્વરૂપ નથી હોતી. બીજા ક્રોધ કરે એટલે આપણે કોધ કરવો જ એ આપણી અવધારણા છે. સફળતા મળતાવેંત અભિમાન જાગી જાય છે. પ્રતિભાવો આપણા સ્વભાવને ઘડે તો સ્વભાવ ખરાબ બનશે. ખરાબ સ્વભાવ ભાવિને બગાડશે. આપણે જો પ્રતિભાવને સુધારીએ તો સ્વભાવ અને ભાવ બન્ને-ને સુધારી શકીએ. કોઈપણ દોષને સુધારવાની શરૂઆત પ્રતિભાવોથી કરવી જોઈએ. અભિમાન એક ગહન દોષ છે. તેને પ્રતિભાવ દ્વારા સુધારી શકાય છે.
અભિમાનથી મુક્ત બનવાના બે ઉપાય છે. એક, શ્રોતા બનો. સાંભળવાની ટેવ પાડો. બે, દરેક પ્રવૃત્તિમાં બીજાનો વિચાર પહેલા કરો. દશરથનાં કુટુંબમાં દરેક સભ્યો શ્રેષ્ઠ છે. તેઓ બીજાનો વિચાર પહેલા કરે છે. પોતાનો વિચાર પછી કરે છે. બીજાના ગુણોને હાઈલાઈટ કરો. બીજાના ઉપકારોને યાદ કરો. વ્યવહારમાં તમારાથી ઉંમરમાં જે નાના છે તેમને શાબાશી આપો. તમારા સમકક્ષ છે તેમને ધન્યવાદ આપો. અને તમારાથી મોટા હોય તો તેમનો ઉપકાર માનો. સતત બીજાની પ્રશંસા કરતા રહો. સારા પ્રતિભાવો દ્વારા મન સદ્દભાવ સંપન્ન બને છે. જ્યાં સંભાવ છે ત્યાં પ્રસન્નતા છે જ છે.