________________
પહાડોની ગુફાઓમાં ઔષધિમિશ્ર જળનાં ઝરણાં વહે છે. શિકાર કરી આવીને થાકેલા વનવાસીઓ અને પ્રેમક્રીડા કરીને થાકેલી તેમની અંગનાઓ આ ઝરણામાં નહાઈને પોતપોતાનો થાક ઉતારે છે. ૨૫.
આ પહાડોના પથ્થરો સૂરજના તાપમાં એટલા બધા તપી જાય છે કે માણસની ચામડી આ પથ્થરને અડે તો ઝેરથી બળી હોય તેવી બળતરા પામે છે. જો કે, રાતે ચંદ્રની ચાંદનીમાં ટાઢાબોળ બનેલા આ પથ્થરોનો સ્પર્શ, માણસની ચામડીને અમૃતના લેપ જેવો આનંદ આપે છે. ૨૬.
ઊંચા ધોધનાં પાણી સેંકડો પથ્થરો વચ્ચે ટીંચાય છે. તેને લીધે પાણીનાં અસંખ્ય છાંટા અને ફોરા ઉડીને હવામાં ભળી જાય છે. પાણીના ભારથી બંધાઈને સ્થિર બની ગયેલી હવા કેવી લાગે છે ? હિમખંડોનાં ચૂર્ણની સૂતર જેવી દોર બનાવીને એ દોરથી ગૂંથેલા ઉજળા પડદા જેવી. ૨૭.
માલવ દેશમાં ક્ષિપ્રા નામની નદી છે. કાંઠે બાંધેલી નાવોને પોતાના ચંચળ તરંગો દ્વારા નચાવીને એ રાજી થાય છે. ખારા દરિયાને તેણે પોતાના અગાધ જળરાશિ દ્વારા હરાવી દીધો છે. ૨૮.
બે કાંઠા વચ્ચે બંધાયેલી આ નદી, બે છેડાથી ઊંચકાતી પાલખીની જેમ મંદગતિએ આગળ સરકે છે. વહી રહેલાં પાણીમાં પ્રતિબિંબિત થયેલી સચરાચર સૃષ્ટિ, શિબિકામાં બેઠી હોય એ રીતે જ હલ્યા કરે છે. ૨૯.
આ નદીનો, આરંભ જોવા મળતો નથી, અંત દેખાઈ શકતો નથી, અને અગાધ મધ્યભાગ પૂરેપૂરો નિહાળી શકાતો નથી. આ જોઈને બૃહસ્પતિએ દેવોને જણાવ્યું છે કે આ નદી પણ સંસાર જેવી જ છે કેમ કે સંસારના આરંભ, અંત અને મધ્યભાગ પણ જોવા મળતા નથી. ૩૦.
શ્રીમાણિભદ્રમહાકાવ્યમ્ ૧
૧૧