________________
પૂનમની રાત સોહામણી હોય છે. ચાંદો ચમકદાર હોય છે. દિવસે સૂરજનો તાપ ઉગ્ર હોય છે. ચોમાસું જતું રહ્યું છે તેની ખુશાલીને લીધે, રેતાળ મરુદેશની ગિર્દ ચારેકોર ઉડી રહી છે. ૧૩.
ગીત-સંગીત અને નૃત્યના સથવારે રાતના રાસનો ઉત્સવ જામે છે. ચોમાસું પૂરું થયું હોવાથી પ્રવાસ માટે તૈયાર થયેલા નવાનવા યાત્રિકોને પ્રેમથી આશીર્વાદ આપવા માટે રાજસ્થાનની ગ્રામીણ પ્રજા આવા રણકતા અને પ્રેમાળ ઉત્સવ રાખે છે. ૧૪.
શિયાળો આવે છે. ઊંટોનાં શરીર પર વસ્ત્રો ઢાંક્યા હોય છે, તો પણ શિયાળાની અસરથી ઠરી ગયેલી રેતીને લીધે તેમને પીડા થતી હોય છે. રેતીની ઠંડી પગમાં ભરાઈ ગઈ છે તેવું બતાવવા માટે જ ઊંટો, રેગિસ્તાનમાં એકદમ ધીમે ધીમે ચાલે છે. ૧૫.
ઠંડી, મકાનોની ભીંતોને અને ગોખલાઓને અડતી અડતી શય્યા સુધી આવી પહોંચે છે. કાંબળ ઓઢીને સૂતેલા માણસોને અનિદ્રાના રોગમાં બાંધી રાખે છે, આ ઠંડી. ૧૬.
સવારે ચોતરફ ધુમ્મસ ફેલાવીને ઠંડી ઉગતા સૂરજ પર આક્રમણ કરે છે. સૂરજની હાર થાય છે તે જોઈને કોમળ ઘાસ અને કોમળ ફૂલો ખેદ પામે છે અને ઝાકળબિંદુનાં બહાને રડવા લાગે છે. ૧૭.
શિશિર ઋતુના જરા જેવા વાયુઓ વૃક્ષોનાં પાંદડાને નીચે પાડીને ઝડપથી વહ્યા કરે છે. પાંદડાં બધાં જ ખરી જાય છે અને વૃક્ષ કેવળ ઊભું થડ બની રહે છે. સૂર્ય પોતાનો તડકો આવાં વૃક્ષોને અડાડે છે. તડકો હૂંફાળો અને સોનેરી હોય છે. એવું લાગે છે કે સૂરજ વૈદ બનીને વૃક્ષોનો ઉપચાર કરે છે કેમ કે વૈદ્ય વૃદ્ધ માણસને પોતાના હાથે, સુવર્ણમિશ્ર એવી ઉષ્ણપ્રકૃતિની દવા આપતા હોય છે. ૧૮.
શ્રી માણિભદ્રમહાકાવ્યમ્ ૭.
૧૧ ૭