________________
ચાલતા ચાલતા એમના પગ નીચે રાખમાં દબાયેલા હાડકા તૂટવાનો અવાજ સાંભળીને એ આશ્ચર્ય પામ્યા. એમની પાસે શસ્ત્ર નહોતા પણ તે ગભરાયા નહીં. ચિતાની આગનો પડછાયો તેમની આંખમાં પડ્યો. એમને સમજાયું કે આ સ્મશાન છે. એ ચૂપચાપ ઊભા રહ્યા. ૭.
તમરાઓનો તીવ્ર અવાજ સંભળાતો હતો. આગથી લપેટાઈને ધીમે ધીમે સળગી રહેલા લાકડામાં તડતડ અવાજ થતો હતો. વિચિત્ર ગંધ મારી રહેલા મડદાઓ ધૂળ પર ઘસડાયા હતા અને શિયાળના દાંતથી એ શબનાં અંગો ફાટી ગયા હતા. ૮.
નાગના ભયાનક હૂંફાડા સાથે ફીણ ઊડતા હતા. વડની વડવાઈઓનો સમૂહ સ્થિર બની ગયેલા નાગની જેમ લટકતો હતો. એની નીચે વેદિકા સમક્ષ, ત્રિશૂલ અને અર્થ મૂકીને કાપાલિકો મ્યાનક અવાજે ક્રિયા કરતા હતા. ૯.
એ સ્મશાન, મૃત્યુ નામના સમ્રાટની નાટ્યશાળા હતું. અચાનક આક્રમણ કરી બેસનારા ઉપદ્રવોની શય્યાભૂમિ હતું, અંધકારની જનમભૂમિ હતું. શ્રેષ્ઠીએ નજર સમક્ષ આવું અગમ સ્મશાન જોયું. ૧૦.
ઝીણી આંખે એ ચારે બાજુ જોવા લાગ્યા. એમને કંઈક યાદ આવ્યું. એમણે કંઈક વિચાર કર્યો. એમણે કંઈક શોધવાનું શરૂ કર્યું. એમને કંઈક મળ્યું. એ હિંમતભેર આગળ ચાલ્યા. ૧૧.
પોતાનાં પગલાના અવાજના પડઘા સાંભળતા સાંભળતા એ એક ટૂંઠા પાસે આવ્યા. એ શું છે, તે નક્કી કરવા માટે તે એકદમ નજીક ગયા. એમનું મન ભ્રષ્ટ થઈ ગયું. ૧૨.
શ્રી માણિભદ્રમહાકાવ્યમ્ ૫