________________
પાણીનો ગ્લાસ શું કહે છે ?
એક રાજા છે, તેને ત્રણ દીકરા છે, રાજાએ નિવૃત્તિ લેવાનું વિચાર્યું. સવાલ એ હતો કે રાજય કોને સોંપવું ? ખૂબ મહેનત કરીને રાજય જમાવ્યું હતું. નાનકડી રિયાસત હતી, તેમાંથી વિશાળ સામ્રાજય ખડું કર્યું હતું. રાજકુમાર ત્રણ છે, રાજય એક છે, જે સૌથી વધુ તેજસ્વી હોય તેને જ રાજય આપવાનું રાજા વિચારે છે.
ત્રણ રાજકુમારોને બોલાવ્યા, ત્રણેયને પાણી ભરેલા કાચના ગ્લાસ આપ્યા. કહ્યું : તમારે આ ગ્લાસ લઈને બજારમાં ફરવાનું છે. એક પછી એક નીકળજો. જુદા જુદા રસ્તેથી ફરીને એક કલાકમાં પાછા આવજો, જે રાજકુમારનો ગ્લાસ પાણીથી ભરેલો હશે તેને રાજય મળશે, જેણે પાણી ઢોળ્યું તે નાપાસ.
જૂના જમાનાની કથા છે. પહેલો રાજકુમાર આખો ગ્લાસ ભરેલો રાખીને પાછો આવી જાય છે. બીજો રાજકુમાર આવે છે પણ તેના ગ્લાસમાંથી થોડું પાણી ઢોળાઈ ગયું છે. ઠેસ વાગી અને ગ્લાસ છલકાઈ પડ્યો. ત્રીજો રાજકુમાર આવી રહ્યો છે. આવી રાજાની અને ત્રણ રાજકુમારની વાર્તાઓ ઘણી છે. દરેક વાર્તામાં ત્રીજો રાજકુમાર જ મજા લાવે છે. ત્રીજો આવ્યો. તેનો ગ્લાસ સાવ ખાલી છે.
રાજાએ એને પૂછ્યું, તેણે સરસ જવાબ આપ્યો. એ કહે છે : “પિતાજી ! આપે મને ગ્લાસ આપ્યો તે કાચનો હતો, સાવ સસ્તો, આપે મને પાણી આપ્યું તે તો મફતમાં મળે. આવી મામૂલી ચીજને સાચવવાના બદલામાં સામ્રાજ્ય ભેટ આપવાની આપે વાત કરી. મને વિચાર આવ્યો, આમાં વસ્તુનું મહત્ત્વ નથી. વસ્તુના વિનિયોગનું જ મહત્ત્વ છે. તમને મળેલી વસ્તુ તમારા હાથમાં રહે તે કેવળ સલામતી છે, માત્ર ડિફેન્સીવ રોલ. તમારી વસ્તુ ખોટી રીતે વપરાય તો વેડફાટ છે. મારા બે ભાઈઓના કિસ્સામાં આમ બન્યું છે. મારે તો
પરીક્ષા આપવાની હતી. હું તક શોધતો બહાર નીકળ્યો. સદ્નસીબે મને તક મળી ગઈ. રસ્તાની ધારે જ એક માંદો માણસ ચત્તોપાટ પડ્યો હતો. એટલો ગંદો હતો કે એની સામે કોઈ જોઈ શક્યું નહોતું. બધા મોટું બગાડીને નીકળી જતા હતા. હું એની પાસે ગયો, બેઠો. એનાં શરીર પર બેસેલી અસંખ્ય માખીઓ મેં ઉડાડી. એણે આંખ ખોલીને મારી સામે જોયું. તેનામાં બોલવાના હોંશ નહોતા. તેને તરસ લાગી હતી. તેણે ઇશારાથી પાણી માગ્યું. મારી હાલત વિચિત્ર થઈ ગઈ. મારે પાણી આપને પરત આપવાનું હતું. પાણી ન રહે તો મારા હાથમાંથી સામ્રાજય છીનવાઈ જતું હતું. પછી મને તરત વિચાર આવ્યો, આ ભીખારીને પાણી ન મળે તો તે મરી જશે. મને રાજય નહીં મળે તો હું મરી જવાનો નથી. મને રાજય મળે તે કરતાં વધુ મહત્ત્વનું એ છે કે આને પાણી મળે, બસ મેં તેને પાણી પાઈ દીધું.”
રાજા ત્રીજા રાજકુમારને ભેટી પડ્યો. કહેવાની જરૂર નથી કે એને રાજય મળ્યું.
કથાનો સંદેશ સરસ છે. તમારા હાથમાં રહેલી દરેક તક ત્રણ રીતે પસાર થાય છે, એક, તે તક વપરાતી નથી. બે, એક તક વેડફાઈ જાય છે, ત્રણ, એ તકનો બુદ્ધિપૂર્વકનો ઉપયોગ થાય છે.
તમારી સમક્ષ જિંદગીનાં ચાલીસ-પચાસ વરસો છે. તમે આ વરસોને કંઈ રીતે વાપરો છો તે તમારા જ હાથમાં છે. કાચનો ગ્લાસ છે, પાણી ભરેલું છે, વપરાશે નહીં તો મતલબ નથી. ઢોળાશે તો વેડફાશે. બીજાને પીવા મળશે તો તમને રાજય મળશે. શાંતિ અને પ્રસન્નતાનું સામ્રાજય.
રાજા તો પરીક્ષા લેવા ગમે તે શરત મૂકશે. વિચાર તમારે કરવાનો છે. માનવનો અવતાર અમૂલ્ય છે. જે સાધના આ જન્મમાં થઈ શકે તે બીજા જન્મમાં થઈ શકવાની નથી. તમારા હાથે તમારા હાથમાં રહેલી તકનો સારામાં સારો ઉપયોગ થવો જોઈએ. ત્રીજો દીકરો રાજા બન્યો. તમે પણ રાજા બનો, તમારી જિંદગીના અને તમારાં પ્રસન્ન ભવિષ્યના રાજા.
૮૫