________________
નવાં વરસે નવી વાતો
નવું વરસ સત્તાવાર રીતે શરૂ થાય છે. તમે નવાં કપડા અને મહેમાનો અને શુભેચ્છા મુલાકાતો અને બજારભ્રમણમાં આખો દિવસ વીતાવી દો છો. નવાં વરસથી તમારા હાથમાં નવાનક્કોર દિવસોની મોટી ફૅક્ટરી મૂકાય છે. તમે ઉજવણીની ધૂનમાં ૩૬૦ દિવસ માટેનું કશું જ પ્લાનીંગ કરતા નથી. બેસતા વરસની સાંજ પડે છે અને રાતે આવી પહોંચે છે. તમને આખા દિવસનો થાક લાગ્યો હોય છે. તમે ખુશખુશાલ ચહેરે ઊંધી જવાના છો. તમને આજના દિવસે આખા વરસ માટેની પૂર્વતૈયારી કરવાની ફુરસદ ના મળી. તમે વરસભરનું થીંકીગ બજેટ નક્કી ના કર્યું. પહેલો દિવસ ફ્લોપ ગયો અને નૂતનવર્ષાભિનંદનનો ફુગ્ગો ફૂટી ગયો. આવું બધું નથી થવા દેવું. નવાં વરસે નવી વાતો શરૂ કરવાની છે. આજે થોડીક મસ્તમજાની વાતોની રંગોળી નવાં વરસના દરવાજે પૂરવાની છે.
એક, તમારી પાસે વિચારો સમજવાની અને શીખવાની પ્રચંડ બૌદ્ધિક ક્ષમતા છે. તમારા મનમાં તમારી શૈલી મુજબ નવા વિચારો ઉમેરી આપે એવો મિત્ર આ વરસે શોધી લેવો છે. દુ:ખને શોધીને દૂર કરે તેવા મિત્ર મળવા મુશ્કેલ છે. મળી જાય. નબળા વિચારને શોધી દૂર કરે તેવા મિત્રની શોધ કરવાની છે. નવું વરસ આ નવા મિત્ર પાછળ કુરબાન છે. નવો મિત્ર પણ તમારાં નવાં વરસની આ તરોતાજા મૈત્રી પર કુરબાન હશે.
બે, તમારા જીવનમાં તમે સંબંધોની માનજત કરવામાં સફળ રહ્યાં નથી. તમારે તમારા તમામ સ્વજનોનો એક એક સુપર સ્પેશ્યલ સદ્ગુણ શોધી કાઢવાનો છે. એ સદ્દગુણને લીધે એ સ્વજનને જે કાંઈ લાભ થયા છે તે બિલકુલ પ્રામાણિક્તાપૂર્વક જોવાના. તેમના સગુણની બાબતમાં સ્પષ્ટ થઈ ગયા બાદ તેમની પાસે જઈને તેમના એ સદ્ગુણ બદલ તેમને ધન્યવાદ આપજો. ઠાલા વખાણ કરવાના નથી. તેમના એ સદગુણની કદર કરવાની છે. એકથી વધારે
સ્વજનો છે. એકથી વધારે સગુણો છે. પ્રશંસા કરો અને સદગુણો જીતો.
ત્રણ, જૂની વાતોને યાદ કરીને જાતને ક્યાર સુધી કોસ્યા કરશો ? વપરાઈ ચૂકેલા પૈસા પાછા આવતા નથી. નવી કમાણી જ કરવી પડે. વીતી ચૂકેલા પ્રસંગો બદલાતા નથી. નવી દુનિયા અને નવા પ્રસંગો જ શોધવા પડે. આમાં કશી લાચારી નથી. તમારી મરજીના તમે રાજા છો. તમે નવા અને તંદુરસ્ત પ્રયત્નો કરો. જૂની વાતો ગયાં વરસના વરતારાની જેમ જ ભૂલી જાઓ. જિંદગી બહુ મજાની છે.
ચાર, આ વરસે ચારથી પાંચ નવી સાત્ત્વિક કિતાબો વાંચવી છે. એ કિતાબની લીટીએ લીટીએ મોઢે થઈ જાય છે એ રીતે વારંવાર વાંચવાની. સારી મૅચ જોયા પછી એક્શન રિપ્લેમાં મજા આવ્યા જ કરે છે તેમ સારું પુસ્તક વાંચ્યા પછી તેનું રિપિટેશન મજા કરાવે છે. તમારા ચીલાચાલુ વિચારોમાંથી બહાર નીકળીને તાજગીસભર હવાથી શ્વાસો ભરી લેવાની મારી તમને અંગત ભલામણ છે. નવા પુસ્તકો. નવો રોમાંચ.
નવાં વરસે આ ચાર વિચાર કરજો.