________________
આલોચના
તટસ્થ બનીને ભૂતકાળને તપાસો. જન્મ થયો તમારો. આજે તમારી ઉંમર ઘણી મોટી છે. જન્મથી માંડીને આજ સુધી તમે સતત શ્વાસ લીધા છે. શ્વાસ ન લીધા હોત તો જીવ્યા જ ન હોત. તમે શ્વાસની જેમ જ જીવનમાં પાપોને અપનાવી લીધાં છે. કેટલીય પ્રવૃત્તિઓ તમે અપનાવી ચૂક્યા છે જે પાપસ્વરૂપ છે અને તમને તેના વગર ચાલતું જ નથી. પાપની પ્રવૃત્તિ કરી લઈએ પછી ભૂલાઈ જતી નથી. પાપનો રસ જીવતો રહે છે. પાપની પ્રવૃત્તિ સફળ બને છે તેને લીધે પાપ કરવાનો વિશ્વાસ મજબૂત થાય છે. પાપ કર્યા પછી તરત તો ફળ મળતું નથી માટે પાપનો ડર રહેતો નથી. પાપ ધીમાં ઝેરની જેમ ધીમે ધીમે તમારી અધ્યાત્મભાવનાને કોરી નાંખે છે. પાપ કોઠે પડી જાય છે. હસતાં રમતાં હોઈએ તે રીતે પાપનો બચાવ કરવામાં આવે છે.
પાપ તો આત્માને લાગુ પડેલો ગંભીર રોગ છે. આત્માને આ પાપે કુંઠિત કર્યો છે. આ પાપની પ્રવૃત્તિમાં કોઈ કાંટા વાગતા નથી. પાપ તો પાછળથી ડંખ મારે છે. દેખીતી રીતે પાપ ખરાબ નથી લાગતું. સાપ ગયા પછી લીસોટા રહે તેમ પાપ થયા પછી લીસોટા રહે છે. પાપની પ્રવૃત્તિ આત્મા પર પાપનો સંસ્કાર મૂકે છે. ફરી વાર પાપ કરવાનું યાદ આવે છે, તે આ સંસ્કારને લીધે. પાપનું ફળ તો ખરાબ મળે જ, પાપનો સંસ્કાર પણ ખરાબ પડે છે. પાપને ઢીલું પાડવું હોય તો પાપની આજ્ઞામાં રહેવાનું છોડવું પડે.
પાપની આદત પડી છે. પાપ તો છૂટવાના જ નથી. પાપને ઘટાડવા માટે મહેનત કરવાની છે. પાપમાં પડ્યા તે ફસાયા છે એમ સમજવું. બહાર નીકળવા માટે સખત પસીનો પાડવાનો છે. માનસિક ભૂમિકાએ પહેલું કામ એ થાય કે પાપનો પસ્તાવો અંતરમાં જગાડવો જોઈએ. પાપની તાકાત તોડવી હોય તો પાપની ભીતિ ઊભી કરવી પડશે. તમે કરેલું પાપ ચોક્કસ સમયનાં અંતરે પોતાની સજા કરવાનું જ છે. તમે એ સજા ભોગવવાની રાહ જોવા નહીં રહેતા.
* ૫૧
પાપ કર્યું તે સામે આલોચનાનું બળ ઊભું કરી લો.
તમે પાપ કર્યા છે તેને તમે યાદ કરજો. તે પાપ ન કર્યા હોત તો ચાલી શકવાનું હતું છતાં પાપ તો કર્યા જ છે. હવે એ પાપોને ઠેકાણે પાડવાની જરૂર છે. પાપ કરીએ છીએ તેમાં ભાવનાત્મક જોડાણ હોય છે. પાપના વિરોધમાં ભાવનાત્મક તાકાત ઊભી કરવી જોઈએ. તમે કરેલાં પાપો તે તમારો અપરાધ છે. કર્મસત્તા આ અપરાધની સજા જાતે આપશે. એ સજા કેવી અને કેટલી હશે તે નક્કી કરવું મુશ્કેલ છે. તમે કરેલાં પાપની સજા જાણવા તમે તમારા ગુરુભગવંત પાસે પહોંચીને તમારા મોઢે જ તમારાં પાપોનું આત્મનિવેદન કરો. તમે પાપો સ્વીકારી લો અને કબૂલાત કરી લો તે તમારી સચ્ચાઈ છે. તમારે તમારાં પાપો બદલ તમારી જાતને સજા કરવી છે. તમારી ભીતરમાં વસેલા ઊંચા આત્માની આ જીત છે. ગુરુભગવંત તમને સમજાવશે અને પાપો ફરી ન થાય તેવો ઉપદેશ આપશે. પાપોની સજા તરીકે ગુરુ તમને વિશેષ આરાધના લખી આપશે.
ગુરુએ જણાવેલી આરાધના તમે સ્વીકારો. તમે પાપની સજા રૂપે આલોચના કરો એ તમારી ઉત્તમતા છે.
૫૨