________________
મારું મૃત્યુ મારું સપનું
મારા જ શ્વાસ મને દગો દેતો હશે. મારા હૃદયના ધબકારા હાંફતા હશે. મારી આંખોનાં પોપચાં થાકી ગયા હશે. મારા શરીરનું વજન પથારી પર ફેલાઈ ગયું હશે. મારી જીભ પાસે ઉચ્ચારણ નહીં હોય. મારા હોઠો પર શબ્દો ગોઠવાશે નહીં. મારાં જીવનનો છેલ્લો દિવસ હશે. છેલ્લી ઘડી હશે. મારી યાદશક્તિ કમજોર હશે. મનમાં ચાલતા વિચારો શૃંખલાબદ્ધ નહીં હોય અને છતાં મારું એ મૃત્યુ કેવું હોય એ વિશે મારું સપનું છે. મારા મૃત્યુ વખતે મારા બંને હાથ ખાલી હશે. બેફામે લખ્યું છે તેમ –
ખાલી રહ્યાં’ ના હાથ મારા પણ કફન નીચે
મૃત્યુની પછી હું ય સિકંદર બની ગયો. મારા મરણ સમયે મારું મન ખાલી હશે તે મારું સપનું છે. મને કોઈની માટે દ્વેષ નહીં હોય. સંબંધ માટે નિયત થયેલાં વરસો પૂરા થઈ જાય છે તે ઘડીએ એ સંબંધમાં રહેલી ખારાશ અને કડવાશની વિદાય પણ નક્કી થઈ જાય છે. વિશ્વમાંથી વિદાય લઉં તે પહેલા મારા મનમાંથી મારાં નાનકડાં વિશ્વ માટેની મમતા પણ વિદાય લેશે. મારી પાસે આપવા જેવું શું હતું ? થોડો પ્રેમ, થોડો આક્રોશ, થોડો ગુસ્સો, થોડો જુસ્સો. મેં આપ્યું છે તે બધું સારું જ હતું કે ખરાબ જ હતું તેવી અંતિમ અવધારણા નહીં બાંધી શકું. મૃત્યુના સમયે, આપવાનો વહેવાર પૂરો થઈ જશે. મારા ગયા પછી મેં આપેલું જીવતું રહેશે. હું ભાવના રાખીશ કે મારી પાછળ મારાં સારાં પ્રદાનો જીવે અને મારાં ખરાબ પ્રદાન ભૂંસાઈ જાય. મને ખબર છે કે આ મારા હાથમાં નથી. મેં ન કરવા જેવું જે કરી લીધું છે તે મારા ગયા પછી પણ મારાં સ્વજનોનાં દિલમાં જખમ રૂપે જીવશે. એ લોકો મને માફ ભલે કરી દે. મને તો મારી ભૂલનો રંજ રહેવાનો જ. મરવાની ક્ષણે મને મારી ભૂલો યાદ આવશે. મારો જીવ નીકળે તે પૂર્વે મારી આંખોમાંથી પસ્તાવાનાં અખૂટ આંસુઓ નીકળશે. હું સૌને યાદ કરીને મનોમન માફી
માંગીશ. મારા માટેની તમામ ફરિયાદોના ખુલાસા હું કરી શકવાનો નથી. હું મારી તમામ નિર્બળતાઓની કબૂલાત કરી લઈશ. બોલાશે તો નહીં. હું વિચારીશ અને સ્વીકારીશ. મારી પાસે અઢળક પશ્ચાતાપ હશે. મારા મનમાં બીજાની માટે કશો ડંખ નહીં હોય અને સૌનાં મનમાં મારી માટે ગેરસમજ ના રહે તેવી મારી તમન્ના હશે. મને સૌની પાસેથી ખૂબ બધું અને ઘણું બધું અને ખાસ્સે બધું મળ્યું છે. મારે તેનો આભાર માનવાનો બાકી છે. જીવનના આખરી શ્વાસોની સાથે હું સૌને કૃતજ્ઞભાવે નિહાળીશ. મને એ સૌ તરફથી વિશ્વાસ, પ્રેમ, માર્ગદર્શન, સદૂભાવ, સમજદારી અને કેટલુંય મળ્યું છે તે મને યાદ આવશે. મારા રોમાંચ ખડા થઈ જશે. મારા જેવા પામર અને મામૂલી માણસને આટલા બધા ઉપકારો વરસાવીને સંતુષ્ટ રાખનારા મારા તમામ સ્વજનોને હું અત્યંત આદર ભાવે નિહાળીશ. મારા આત્મા પાસે રહેલી સંવેદનામાંથી નીપજેલી મમતા હું વાગોળીશ. સંબંધો પૂરા થઈ રહ્યા હશે તે સાથે જ મારે મમતા પૂરી કરવાની હશે. છેલ્લા શ્વાસ મારી મમતાને મારે વિદાય આપવાની છે. સ્વજનો સાથે નહીં આવે અને એમની મમતા સાથે આવશે તો મારા આત્માને અસંતોષ રહેશે. મારે સંતોષ સાથે જવું છે. મમતા રાખીને જીવવાનું જીવી લીધું. મમતા રાખીને મરવાનું ન હોય. મમતા છોડીને જ મરાય. જીવ સદ્દગતે જાય તે માટે મમતાનું વિમોચન હું કરીશ. મમતા છૂટી જશે પછી મારા આયુષ્યનાં બંધન તૂટશે. આખરે મારું શરીર છૂટશે. મને ખબર નથી હું ક્યાં જઈશ. મને ખબર છે કે હું જયાં જઈશ ત્યાં વધુ સારો બનીને બહાર આવીશ. મારું મૃત્યુ અને મારું સપનું સાકાર થાય તેવી પ્રભુ પ્રાર્થના.
૫
૨૬