________________
તમે કોણ છો ?
આજથી થોડાક વરસ પૂર્વે તમે જન્મ લીધો. આજથી થોડાક વરસ પછી તમારું જીવન પૂર્ણ થઈ જવાનું છે. જનમ પૂર્વે તમે જીવતા હતા. મૃત્યુ પછી તમે જીવતા હશો. તમે શરીર નથી, તમે આત્મા છો.
તમે આજે પૈસા પાછળ મહેનત કરો છો, એ પૈસા તમારું ઘર સારું ચાલે તે માટે કામ લાગે છે. એ પૈસાના જોરે સમાજમાં તમારું નામ પ્રસિદ્ધ થયું છે. છતાં એ પૈસો તમારી ઓળખાણ નથી. એ પૈસા છેલ્લામાં છેલ્લે તમારી સ્મશાનયાત્રા સુધી કામ લાગશે. પછી તમે એકલા હશો.
તમે આજે ઘર અને પરિવાર પાછળ ખાસ્સો બધો સમય ફાળવો છો. તમારી માટે એ જીવનનું લક્ષ્ય બની ગયા છે. ઘરમાં રહેવા મળે છે. પરિવાર સાથે આનંદ મળે છે. ઘર અને પરિવાર સાથેના સંબંધનું આયુષ્ય શાશ્વત નથી. એક દિવસ આ બંનેથી અલગ થઈ જવાનું છે. તમારું ઘર અને તમારી ફેમિલીલાઈફ એ તમારી સાચી ઓળખ નથી.
તમને યાદ ન હોય તેવા ઘણાં કામો તમે નાનપણમાં કર્યા છે. તમને ખબર ન હોય તેવી ઘણી ઘટના દુનિયામાં બને છે. એ બંનેનું અસ્તિત્વ જેમ નકારી શકાતું નથી એમ તમારી અંદર એક આત્મા છે તેનું અસ્તિત્વ તમે નકારી ના શકો. તમે એને યાદ નથી કરી શકતા, તમને એની હાજરીની અનુભૂતિ પણ નથી એ જુદી વાત. આત્મા તો અલગ અને અનોખો છે જ.
તમારી સમક્ષ ધંધામાં આગળ વધવા માટે દસ કે પંદર વરસનું એક પ્લાનીંગ છે. એ નિશ્ચિત દોરી પ્રમાણે તમે આગળ ચાલો છો. તમને ખબર નથી કે દસપંદર વરસબાદ શું થશે ? તમે ધારો છો તેવું પરિણામ આવશે કે નહીં આવે, તેની જાણ તમને નથી, છતાં તમે એ અણજાણ ભાવિ માટે મહેનત કરો છો. આવી મહેનત આત્મા માટે થવી જોઈએ. આત્માને નજર સમક્ષ રાખીને દસ પંદર વરસ પછીનું કોઈ લક્ષ્ય નથી હોતું. દસ પંદર વરસ પછી નવી
સફળતા હાથમાં આવશે કે નહીં આવે તે નક્કી નથી. એ વખતે તમારો આત્મા તમારી સાથે હશે નક્કી છે.
તમારી સંવેદના અને તમારી ચેતના શરીર પૂરતી સીમિત નથી. તમારું મન એ તમારી અંતિમ લાગણી નથી. તમારી ઇચ્છા એ તમારો મૂળભૂત અવાજ નથી. તમારી વેદના એ તમારી સાચી ઓળખ નથી. તમારું કોઈ વ્યક્તિત્વ છે. તમારું અસ્તિત્વ છે. તમારી અસ્મિતા છે.
તમે હજારો વરસ પછી પણ ચેતનાવાનું હશો. તમારી સાથે તમારી અનુભૂતિ અને સંવેદનાઓ હશે. તમે તમારી આજની જિંદગીને ભૂલી ચૂક્યા હશો. તમારા આજનાં દુઃખે ત્યાં નહીં હોય. તમારા આજનાં સુખ વિના તમે જીવંત હશો. એ હજારો વરસ પછીની તમારી જિંદગીને ચલાવતો હશે એ તમારો આત્મા હશે.
તમે કોણ છો? તમે આત્મા છો. તમે શરીરમાં છો. તમે આત્મા છો. તમે શરીર નથી. તમે આત્મા છો.
૨૩
૨૪ -