________________
પ્રસન્ન થયેલા સંતે સેવકને પારસમણિ આપ્યો. ઘણી સેવા કરી હતી સેવકે. સંત દૂરદેશાંતરથી ઘણા વખતે સેવકનાં ઘરે આવ્યા. સંતને થયું : ‘પારસમણિથી ઘણું કમાયો હશે.” દરવાજો ઠોક્યો. સંતે ઘર જોયું. એ જ પુરાણા હાલહવાલ હતા ઘરનાં. સંતે પ્રશ્ન કર્યો : પારસમણિ ક્યાં છે ?
સેવકે કબાટમાંથી કાઢીને સંતને બતાવ્યો. સંતે પૂછયું : આનો ઉપયોગ ના કર્યો ?
સેવકે કહ્યું : આ પારસમણિ લોઢાને સોનું બનાવે તેની મને ખબર છે. લાખ રૂપિયાનું લોઢું લઉં તો આ મણિ તેનાં મૂલ કરોડોનાં કરી દેશે, પોક્કો ખ્યાલ છે. મને એમ થયું કે મારા આત્માને આનો સ્પર્શ આપીને હું જ સોનું બની જાઉં. રોજ મારી છાતીએ બાંધીને સૂઈ જતો. મારું મન, મારા વિચારો બદલાયા જ નહીં. આપે આપેલો મણિ તો ચમત્કારી છે પણ હું કટાયેલું લોઢું છું. હું સોનું ન જ બન્યો. ગુરુદેવ ! મને માફ કરી દો. હું આ પારસમણિને લાયક નથી. મેં આનો ઉપયોગ ના કર્યો.
સંતે એ સેવકને હંમેશ માટે પોતાની સાથે રાખી લીધો.
પાત્રતાના બે પુત્ર છે. એક પાત્રતા છે મૂળ સ્વભાવ. બીજી પાત્રતા છે સ્વભાવની ઉપલબ્ધિ માટેની યોગ્યતા. દરેક આત્માનો મૂળ સ્વભાવ અનંત આનંદમય છે. દરેક આત્મા પાસે એ મુળ સ્વભાવ સુધી પહોંચવાની યોગ્યતા નથી હોતી. યોગ્યતા નામની પાત્રતા વિના, સ્વભાવ નામની પાત્રતા સુધી પહોંચી શકાતું નથી. શરીરને આહાર બળ આપે છે કે પાચનશક્તિ બળ આપે છે ? આ પ્રશ્નનો જવાબ સરળ છે. પાચનશક્તિ જ બળ આપે છે. આ પાત્રતા છે. મૂળ સ્વભાવ તો ઊંચી દશા છે. એ દશાનો અલખ આનંદ આજે દૂરસુદૂર દેખાય છે પરંતુ એ આનંદ મળે તેવી સંભાવના તો છે જ. સંભાવના ઉપર કામ કરવાનું મન થાય તે પાત્રતા છે. બીજી પાત્રતા.
સુગમ અને માતંત્રે આ બેનો મેળાપ તે સંભાવના અને પરિણામનો મેળાપ છે. સંભાવના હોવાની ખુશી એ પ્રાથમિક આનંદ છે. સંભાવના દ્વારા એક નક્કર પરિણામ ઉપલબ્ધ થયું તેની ખુશી એ તાત્ત્વિક આનંદ છે. રમવાનો મોકો મળે ટીમમાં, એ પહેલી ખુશી. ટીમમાં રહીને રમતા રમતાં ટીમને જીતાડવાનો મોકો મળે તે બીજી ખુશી. સંભાવના એ અધૂરી પાત્રતા છે. પરિણામ એ સંપૂર્ણ પાત્રતા છે. સંભાવનાને પરિણામ બનાવવાનો આનંદ સાધના દ્વારા મળે છે.
आनंदघन के संग सुजस ही मीले जब तब आनंद सम भयो सुजस
સાધનાની એકમાત્ર પૂર્વશરત છે : પાત્રતા. ગુરુમાં ગુરુ તરીકેની પાત્રતા હોવી જોઈએ. શિષ્યમાં શિષ્ય તરીકેની પાત્રતા હોવી જોઈએ. તાળી બે હાથે વાગે છે. બે સાધક ભેગા રહેતા હોય તો બંનેની પોતપોતાની સ્વતંત્ર પાત્રતા હોવી જોઈએ. પાત્રતા સ્વતંત્ર હોય, સક્રિય હોય અને સમર્પિત હોય તો વિકાસ થાય.