________________
પ્રાર્થના-૭
૧૯. જાગી અનુભવ પ્રીત
જીવનની ઝળતી વારતા તેનો અભ્યાસ કરવો તે આત્મતત્ત્વની ભાવના છે. ખરાબ કર્મો અને સારાં કર્મોનાં, મતલબ પાપ અને પુણ્યનાં ફળનો બોધ સતત મેળવવો તે આત્મતત્ત્વની ભાવના છે. ખરાબ કર્મો ઘટતાં જાય તેવો માર્ગ શોધવો તે આત્મતત્ત્વની ભાવના છે. સારાં કર્મોને પૂરતો અવકાશ મળે તેવી જાગૃતિ કેળવવી તે આત્મતત્ત્વની ભાવના છે.
આ સંસારની ચાર ગતિઓમાં કેવાં કેવાં દુઃખો પડે છે તેનો વિચાર કરવો તે આત્મતત્ત્વની ભાવના છે. નરકગતિમાં કેવાં અને કેટલાં દુ:ખો પડે છે તેનો વિગતવાર અભ્યાસ કરીએ તો ધ્રુજારી છૂટે. ભવભાવનામાં ખૂબ જ અદ્ભુત રીતે નરકગતિનાં દુ:ખનું વર્ણન કર્યું છે. આવાં વર્ણનો વાંચવા અને તે તે દુ:ખો આપણા આત્માને ભવિષ્યમાં સહન કરવા પડશે તો શું થશે તેની કલ્પના કરવી તે આત્મતત્ત્વની ભાવના છે. તિર્યંચગતિ નજરે સામે છે. એ ભૂખ્યા અને તરસ્યા અને પરવશ અને જંગલી જીંદગી જીવનારા જનાવરોનો અવતાર આપણને મળે તો શું થાય તેની કલ્પના કરવામાં આત્મતત્ત્વની ભાવના વસેલી છે. દેવલોકનાં પ્રલંબ આયુષ્યના અંતિમ છ મહિનાનો કરુણ વિલાપ સમજીને સાબદા બનીએ તે આત્મતત્ત્વની ભાવના છે. માનવલોકનાં દુ:ખોથી, જન્મ, જરા અને મૃત્યુથી ગ્રસ્ત બનેલો આતમરામ પોતાના મૂળ સ્વભાવથી કેટલો બધો વિખૂટો પડી જાય છે તેનો સાચો બોધ મેળવવો તે આત્મતત્ત્વની ભાવના છે. સંસાર અને કર્મો આત્માને જેટલે અંશે અને જે રીતે પરેશાન કરે છે તેનો શાસ્ત્રોના સથવારે બોધ મેળવવાનો અણથક પુરુષાર્થ કરવો તે આત્મતત્ત્વની ભાવના છે.
આત્માનો ભૂતકાળ ઘણો ખરાબ હતો તે સમજવું, એ ભૂતકાળનું પુનરાવર્તન કરીને આત્માને ભવિષ્યમાં હેરાન થવા દેવો નથી તેવો સંકલ્પ કરવો અને એ સંકલ્પ દ્વારા આત્માનાં વર્તમાન જીવનને ઘડવું તે આત્મતત્ત્વની ભાવના છે.
મંત્રીશ્વર વસ્તુપાળની અંતિમ માંગણી છે : આત્મતત્ત્વની ભાવના. તે આત્માનાં અસ્તિત્વને સ્વીકારનારા આસ્તિક તો હતા જ, આત્માના શક્તિવિસ્તારને જાણનારા સમકિતી હતા. તેમની માંગણીમાં તેમની શોધ વસે. તેમની દૃષ્ટિએ જે અધૂરપ હશે તે એમણે માંગી. ‘હું આત્મા છું' આ વિચારને ભાવનાનાં ઊંડાણ સુધી લઈ જવાનો પોતાનો અંતરંગ પુરુષાર્થ અમ્મલિત રાખવા માટે તેમણે માંગ્યું. ‘હું આત્મા છું.’ એનો અર્થ એ છે કે જે આત્મા નથી તે હું નથી. શરીર પાંચ તત્ત્વોનું બનેલું છે તો શરીર એ આત્મા નથી માટે હું શરીર નથી. આપણા સંપૂર્ણ જીવનની પળેપળ બાંધી લેનારા કર્મો એ આત્મા નથી, આ જો કર્મો આત્મા નથી તો હું કર્મોથી અલગ છું. હું કર્મો નથી, હું આત્મા છું. આપણાં મોઢેથી નીકળતા શબ્દો એ ભાષાવર્ગણાનાં પુદ્ગલો છે અને વચનયોગનું એ પરિણામ છે. ભાષાવર્ગણા અને વચનયોગ મારા આત્માથી અલગ છે. મારા શબ્દો આત્માથી જુદા છે માટે મારા શબ્દો પણ હકીકતે મારા નથી. શબ્દો એ હું નથી. હું તો આત્મા છું. મારા શરીરમાં પ્રવેશ પામતા શ્વાસો. મારા હૃદયમાંથી પસાર થતું લોહી, મારા શરીરની ઉષ્માં આ બધું મારા આત્માથી અલગ છે. માટે શ્વાસો, હૃદય, લોહી, ઉમા એ હું નથી. હું આત્મા છું. મને સંભળાતા શબ્દો હું યાદ રાખું છું, એ શબ્દો પર હું વિચારી શકું છું, છતાં મેં યાદ રાખેલા શબ્દો અને મારા મનમાં ઉઠતા વિચારો આત્માથી અલગ છે. હું શબ્દો અને વિચારોથી અલગ છું. હું આત્મા છું. - આત્માનો વિશુદ્ધ સ્પર્શ જેને નથી મળ્યો તે જડ તત્ત્વોને જુદા પાડીને જોવાનો અભ્યાસ કરવો જોઈએ. શરીર સાથે સતત જીવીએ છીએ આપણે. શરીર સિવાયનાં જીવનની કલ્પના કરવી જોઈએ. આપણે આખા દિવસ