________________
જીવનની ઝળતી વારતા
૧ અંતિમ માંગણી છે : આત્મતવ ની ભાવના. ‘આત્માનાં સ્વરૂપને સમજવાની મથામણ હું કરતો રહું' તેવું મંત્રીશ્વર માંગી રહ્યા છે.
આત્માનો વિચાર ત્રણ રીતે થઈ શકે છે. ૧. સંસારમાં ભ્રમણશીલ આત્માનાં વિવિધ રૂપો. ૨. વર્તમાન જીવનમાં આઠ કર્મો દ્વારા બંધાયેલો આત્મા. ૩. કર્મોથી અને સંસારથી સંપૂર્ણ મુક્ત હોઈ શકે તે આત્મા.
બીજી રીતે કહીએ તો આપણા આત્માના સંપૂર્ણ ભૂતકાળ વિશે વિચારવાનું. આપણા આત્માની વર્તમાન અવસ્થાને સમજવા પ્રયત્ન કરવાનો. આપણા આત્માનાં તંદુરસ્ત ભવિષ્યની ઠોસ કલ્પના કરવાની. મંત્રીશ્વરની માંગણી ત્રીજા મુદાની છે. આત્માના મૂળભૂત સ્વભાવની કલ્પના જેમ જેમ થતી જાય છે તેમ તેમ આત્માનો આનંદ ઉઘડતો જાય છે. આ પહેલાની છ માંગણી પ્રસ્તાવના છે. આ સાતમી માંગણી ખરેખરી પ્રાર્થના છે. ભગવાનું પાસે રોજરોજ માંગવા લાયક છે. આ આત્મતત્ત્વની ભાવના. શાન્ત સુધારસ ગ્રંથનો પ્રારંભ કરતી વખતે મહામહોપાધ્યાય શ્રી વિનયવિજયજી મહારાજાએ લખ્યું કે ‘ભાવના વિના શાંતરસનો અનુભવ ન મળે.’ વારંવાર ઘૂંટીને આત્મસાત્ થયેલો વિચાર તે ભાવના છે. આત્માનું કર્મરહિત સ્વરૂપ કેવું હોય તેની કશી જ કલ્પના આપણે કરી નથી. આત્માનું સપનું જોયા વિના આત્મા નહીં મળે. મોક્ષ આત્માનું વાસ્તવિક સ્વરૂપ છે. આત્મા મોક્ષમાં પહોંચે તે માટેની મહેનત આપણે કરીએ છીએ. મોક્ષ ખૂબ ઊંચું લક્ષ્ય છે તે આપણે સમજીએ છીએ. આ મોક્ષને આપણો આત્મા પામી શકે છે તેવું આત્મવિશ્વાસપૂર્વક આપણે સ્વીકારી શકયા નથી. કારણ ગમે તે હોય, ધર્મનું પરમ અને ચરમ લક્ષ્ય યાદ હોવા છતાં તેની સ્પષ્ટ રૂપરેખા મનમાં આવી નથી. મોક્ષમાં મળે છે તે આનંદની કલ્પના કરીને અઢળક રોમાંચ અનુભવી શકે તે સમકિતી. મોક્ષના આનંદને સમજવા માટે સતત સાધના કરે તે વિરતિધર. મોક્ષનો આનંદ નિવૃત્તિ પ્રધાન છે. આત્માનું મૂળ સ્વરૂપ નિવૃત્તિમય છે. આપણને પ્રવૃત્તિઓનો અભ્યાસ છે. ક્રિયાઓ કરવાનો મહાવરો છે. ન કરવાનો કશો અનુભવ આપણને નથી. માટે આત્માની તાત્ત્વિક ભાવના આપણી પાસે નથી.
અનહદની આરતી મંત્રીશ્વર સાધુપુરુષોનાં સાંનિધ્યમાં બેસીને આત્માની ઓળખાણ કરવાની ઝંખના વ્યક્ત કરે છે. મૃત્યુ બાદ જે ફરી શરીરનું નિર્માણ કરે છે તે આપણો આત્મા છે. જન્મ થાય તે પૂર્વે જે પોતાનું આયુષ્ય નક્કી કરી લે છે તે આપણો આત્મા છે. શરીરની સંવેદનાશક્તિનાં માધ્યમે હજારો ભૌતિક અનુભવોનું જે સ્પષ્ટ પૃથક્કરણ કરે છે તે આત્મા છે. મનને મળતા સંદેશાને જે લાગણીઓનાં રૂપમાં પરાવર્તિત કરે છે આપણો આત્મા છે. આંખમાં આવતાં આંસુની પછવાડે રહેલી વેદનાની અનુભૂતિ આત્માની સપાટી પર થાય છે. રોમહર્ષક આનંદનું ઉગમબિંદુ આત્મા છે. ચેતનામય અનુભૂતિનાં તમામ સ્તરો આત્માના કબજામાં છે. આ સંસારવર્તી આત્માની ઓળખ છે. સંસાર વિના, સંસારનાં સાધનો વિના, સંસારી સંબંધો વિના અનંત અનંત આનંદનું આચમન કરનારા પરમ આત્માની કલ્પના જ કેટલી બધી રોમાંચક છે ? પરમ બનેલો આત્મા શ્વાસ વિના જીવે છે, શરીર વિના વર્તે છે, હૃદયના ધબકાર વિના અસ્તિત્વ ધરાવે છે, આહાર અને પાણી વિના અસ્મિતા બનાવી રાખે છે. એનાં આયુષ્યનો અંત નથી માટે જ એને આયુષ્ય નથી, એની પાસે વ્યક્તિમત્તા નથી માટે એ અગોચર છે અને એની પાસે શક્તિમત્તા છે માટે અણદીઠ છે. એની સરખામણી કોઈ સાથે થઈ નથી શકતી માટે તે અવર્ણનીય છે, એ શબ્દોથી સમજાવી શકાય એવો નથી માટે અક્ષર છે. એ વાણીમાં સમાતો નથી માટે નિર્વાણ છે. એણે મેળવવા યોગ્ય બધું જ મેળવી લીધું છે માટે એ સિદ્ધ છે. એને કોઈ કમજોરી બાંધી શકતી નથી માટે તે શુદ્ધ છે. એને સાંભળવા માટે કાનની જરૂર નથી અને જીભથી જવાબ આપવાની એને કશી જરૂર નથી માટે તે નિરંજન છે. એને થાક અને રોગ નડી શકતા નથી માટે તે નિરાકાર છે. એનામાં કોઈ પ્રતિભાવ જાગતા નથી માટે તે નિર્વિકાર છે. એના તરફથી કોઈને, ક્યારેય દુઃખ પહોંચતું નથી માટે તે ભગવાનું છે.
‘મારો આત્મા આવો બની શકે છે અને મારે આવા બનવા માટે ભરચક મહેનત કરવાની છે’ આત્મતત્ત્વની આ ભાવના છે. આપણા આતમરામને કર્મોએ બાંધી રાખ્યો છે માટે કર્મોનો બારીકાઈપૂર્વક અભ્યાસ કરવો તે આત્મતત્ત્વની ભાવના છે. આઠ કર્મો શી રીતે બંધાય છે અને તે શી રીતે ઉદયમાં આવે છે અને એ કર્મોની કેવી કેવી અસર આત્માપર પડે છે