________________
[મનુષ્ય મનના કારણે બંધનમાં પડે છે અને મન વડે બંધનમુક્ત બને છે. ભોગમાં આપણી આસક્તિ બંધન ઊભા કરે છે. એ આસક્તિને છોડવાથી મુક્તિ મળે છે.]
मनसा चिन्तितंकर्म वचसा न प्रकाशयेत्। अन्यलक्षितकार्यस्य यत: सिद्धिर्न जायते॥
[ભારતના સૌથી વધુ સફળ રાજનીતિજ્ઞ ચાણક્યની આ સોનેરી સલાહ ભારત કરતાં અન્ય દેશોના રાજનીતિજ્ઞ વધુ સારી રીતે પાળે છે! ચાણક્ય કહે છે કે આપણે શું કરવાના છીએ, આપણી યોજના શું છે તે વિશે બોલ બોલ ન કરાય. જો કોઈ હરીફને આપણી યોજનાની ખબર પડી જાય તો તે થોડો આપણને સફળ થવા દે?]
मन्त्रे तीर्थे द्विजे देवे दैवजे भेषजे गुरौ। यादृशी भावना यस्य सिद्धिर् भवति तादृशी॥
[ઘણી વસ્તુ એવી હોય છે જેમાં આપણી જેવી ભાવના હોય તેવી સિદ્ધિ મળે. મંત્રનો જાપ કરવામાં, તીર્થમાં જઈ દર્શન કરવામાં, બ્રાહ્મણ પાસે ક્રિયાકર્મ કરાવવામાં, જોશી પાસે જોશ જોવડાવવામાં, ઔષધનું સેવન કરવામાં, ગુરુ પાસેથી જ્ઞાન મેળવવામાં આપણી ભાવના જેટલી વધુ સારી એટલો વધુ લાભ થાય. આપણને શ્રદ્ધા ન હોય તો કોઈ ફાયદો ન થાય.]
मर्कटस्य सुरापानं तस्य वृश्चिकदंशनम्। तन्मध्ये भूतसंचारो यद्वा तद्वा भविष्यति॥
[એક તો જાતનું વાંદરું, એમાં દારુ પીધો, પાછો એને વીંછી કરડ્યો અને તે ઉપરથી એને ભૂતના ભડકા પણ દેખાણા. પછી તેના તોફાનમાં બાકી શું રહે ?]
महाजनस्य संसर्गः कस्य नोन्नतिकारकः। पद्मपत्रस्थितम् तोयम् धत्ते मुक्ताफलश्रियम्॥
[ઉત્તમ માણસોના સંસર્ગમાં આવવાથી કોની ઉન્નતિ થતી નથી. કમળના પુષ્પ પર રહેલું પાણીનું સાધારણ ટીપું પણ સાચા મોતીની જેમ દીપી ઊઠે છે.]