________________
વ્યાખ્યાન-૩
કલ્પ [બારસા સૂત્ર
વ્યાખ્યાન-૩]
पुरिम-चरिमाण कप्पो मंगलं वद्धमाण तित्थम्मि इह परिकहिआ जिण-गण-हराइ थेरावली चरितं
પર્યુષણ મહાપર્વ
દિવસ-૫
વ્યાખ્યાન-૩
[૩૯] ત્યારપછી ત્રિશલા ક્ષત્રિયાણીએ પાંચમા સ્વપ્નમાં આકાશમાંથી નીચે ઊતરતી સુંદર પુષ્પોની સુરભિગંધી માળા જોઈ. તે માળામાં તાજાં ફૂલોથી ગૂંથેલી ઘણી રમણીય માળાઓ હતી, તે માળામાં ચંપક અશોક, પુન્નાગ, નાગકેશર, પ્રિયંગુ, શિરીષ, મોગરો, મલ્લિકા, જાઈ, જૂઈ, અકોડા, કોક્સ, કોરંટ, ડમરાનાં પાન, નવમલ્લિકા, બકુલ, તિલક, વાસંતી, સૂર્યવિકાસી અને ચંદ્રવિકાસી કમળો, પાંડલ કંદ, અતિમુક્તક અને સહકારનાં ફૂલ ગૂંથેલાં હતાં અને તેની અનુપમ મનોહર સુગંધથી દસેય દિશાઓ મહેકી રહી હતી. સર્વ ઋતુઓમાં ખિલનારાં પુષ્પોથી તે તૈયાર થયેલ હતી.
તે માળાનો રંગ મુખ્યપણે સફેદ હતો અને અહીંતહીં જુદા જુદા રંગોનાં પુષ્પો પણ ગૂંથેલ હતાં કે જેનાથી તે ઘણી જ મનોહર અને રમણીય લાગતી હતી. વિવિધ રંગોના કારણે તે આશ્ચર્ય ઉત્પન્ન કરતી હતી તેના ઉપર મધ્ય અને નીચે સર્વત્ર મધુકર ભ્રમરગણ ગુંજારવ કરતા ભ્રમણ કરી રહેલ હતા. એવી માળા ત્રિશલા દેવીએ પાંચમાં સ્વપ્નમાં જોઈ.
42/4]