________________
૧૪ પિંડપ્રકૃતિના ૭૫ ભેદ વિચાર્યાં. હવે આઠ પ્રત્યેક પ્રકૃતિઓ વિચારીએ. અંગોપાંગ નામકર્મ તો શરીરના અવયવો તૈયાર કરે, પણ તેને યોગ્ય સ્થાને ગોઠવે કોણ? આંખો આગળ છે પણ પાછળ કેમ નહિ? પેટ આગળ અને પીઠ પાછળ, એનું શું કારણ? નિર્માણનામકર્મ શરીરના અંગોપાંગને યોગ્ય સ્થાને ગોઠવવાનું કામ કરે છે.
કોઈને છ આંગળી હોય છે. કોઈને પડજીભી હોય છે. કોઈને રસોળી થાય છે. આ વધારાના પોતાના અવયવો વડે તે જીવ પોતે દુઃખી થાય છે. પોતાને દુઃખી કરનારા આવા વધારાના અવયવો આપવાનું કાર્ય ઉપઘાત નામકર્મ કરે છે.
સૂર્યના વિમાનમાં રહેલા પૃથ્વીકાયના જીવોને આતપ નામકર્મનો ઉદય હોવાથી પોતે ઠંડા હોઈને ગરમ પ્રકાશ આપે છે.તો ચંદ્રના વિમાનના પૃથ્વીકાયના જીવોને ઉદ્યોત નામકર્મનો ઉદય હોવાથી પોતે ઠંડા હોઈને ઠંડો પ્રકાશ આપે છે. આમ ૧૪ પિંડપ્રકૃતિના ૭૫ ભેદોમાં આ (૧)નિર્માણ (૨)ઉપઘાત (૩)આતપ અને (૪)ઉદ્યોત નામકર્મ ઉમેરતાં નામકર્મના ૭૯ ભેદો થાય.
આ ચંદ્ર-સૂર્ય વગેરે દેવો કાયપ્રવિચારી છે. પ્રવિચાર એટલે કામવાસનાનું સેવન. આ કરવા જેવું નથી. ગમે તેટલું ભોગવવા છતાં કોઈ ધરાયું નથી કે ધરાવાનું નથી. દરિયામાં ગમે તેટલી નદીઓ ઠલવાય, દરિયો કદી ધરાય? આગમાં ગમે તેટલાં લાકડા નાંખો, આગ ના પાડે ખરી? ગમે તેટલા ભોગસુખો ભોગવીએ, ભોગવવાથી તૃપ્તિ ન મળે. મનને સમજાવીને, સંયમિત બનીએ તો તેનાથી અટકી શકીએ.
દેવલોકના દેવોને પણ કામસેવનથી મુક્ત થવું મુશ્કેલ છે. ભવનપતિ, વ્યંતર, જ્યોતિષ્ક અને વૈમાનિકના પહેલા બે દેવલોકમાં દેવ અને દેવીઓ હોય છે. ત્યારપછીના ઉપરના દેવલોકમાં માત્ર દેવો જ હોય છે. દેવીઓ ઉપર આઠમા દેવલોક સુધી આવન-જાવન કરે છે.
જેમ જેમ ઉપર-ઉપરના દેવલોકમાં જઇએ તેમ તેમ ભૌતિક સુખ વધારે છે. જેટલો ક્રોધ-કામ વધારે તેટલું દુઃખ વધારે, જેટલા ક્રોધ-કામ વગેરે દોષો ઓછા તેટલું સુખ વધારે. ઉપર-ઉપરના દેવલોકમાં કામવાસના ઓછી-ઓછી છે, માટે તેઓ વધુ-વધુ સુખી છે. ભવનપતિથી બીજા દેવલોક સુધીના દેવો કાયપ્રવિચારી છે. તેઓ માનવની જેમ સંપૂર્ણ કાયાથી કામ-સુખ ભોગવે છે. ત્રીજા-ચોથા દેવલોકના દેવો સ્પર્શ પ્રવિચારી છે, માત્ર દેવીના અંગોપાંગનો સ્પર્શ કરતાં જ સંતોષ પામે છે. ૫-૬ દેવલોકના દેવો રુપ પ્રવિચારી છે. દેવીનું રુપ જોતાં શાંત થાય છે. ૭-૮ દેવલોકના દેવો શબ્દપ્રવિચારી છે. દેવીઓના શબ્દો, આભૂષણોના ઝંકાર વગેરે સાંભળીને તૃપ્ત થાય છે. ૯ થી ૧૨ દેવલોકના દેવો મનઃપ્રવિચારી છે. પોતાના સ્થાને રહ્યા મનથી વિચારીને સંતોષ પામે છે. નવ ઝૈવેયક અને તત્વઝરણું
૨૬૫