________________
સંવત ૨૦૫૯ કારતક સુદ - ૧૩ (૧) રવિવાર. તા. ૧૭-૧૧-૦૨
આત્માનો એક ભવમાંથી બીજા ભવમાં જવાનો સ્પેશ્યલ માર્ગ છે. બસનો, ટ્રેઇનનો માર્ગ દેખાય પણ વિમાનનો કે રોકેટનો માર્ગ દેખાય છે? છતાં તેમનો નક્કી કરાયેલો માર્ગ છે. તેમ આત્માનો પણ માર્ગ છે. ચાર દિશા અને ઉપરનીચે, એમ છ બાજુ સમશ્રેણીમાં તે ગતિ કરે છે, પણ ત્રાંસી ગતિ કરી શકતો નથી.
પાણીનો સ્વભાવ નીચે વહેવાનો છે. પણ મોટર તેને ઉપર ચડાવે છે, તેમ કર્મરહિત શુદ્ધ આત્માનો સ્વભાવ તો ઉપર ગતિ કરવાનો છે, પણ ચોટેલા કર્મો તેને છ દિશામાં રહેલા સમશ્રેણી માર્ગોમાં ગતિ કરાવે છે. તૈજસ-કાર્પણ શરીર યુક્ત આત્મા એક ભવમાંથી બીજા ભવમાં જતાં સમશ્રેણીના માર્ગે ગતિ કરે પણ પછી જ્યારે વળાંક લેવાનો અવસર આવે ત્યારે આનુપૂર્વી નામકર્મ ઉદયમાં આવે છે. બળદ-ઊંટ વગેરેને જેમ નાથ ખેંચીને, ઘોડાને ચાબૂક મારીને, ગાડીને સ્ટીયરીંગ વાળીને વળાંક આપવો પડે તેમ આનુપૂર્વી નામકર્મ આત્માની ગતિને વળાંક આપે છે. આનુપૂર્વી નામકર્મ માત્ર એકભવમાંથી બીજા ભવમાં જતાં વળવાની જરૂર પડે તો જ ઉદયમાં આવે છે, પણ ભવમાં પહોંચ્યા પછી ઉદયમાં આવતું નથી.
આત્મા એક ભવમાંથી નીકળીને ત્રણ સમયમાં તો બીજા ભવમાં પહોંચી જાય છે. કોઈક આત્માને ચાર કે પાંચ સમય લાગે પણ તેથી વધારે કાળ તો કોઈને ન લાગે. જો કે ચૌદ રાજલોકના એક છેડેથી બીજા છેડે પહોંચતા આત્માને એક સમયથી વધારે લાગતો નથી પણ જો તેણે વચ્ચે વળાંક લેવાનો હોય તો તેના કારણે વધારે સમય લાગે. આત્મા જ્યારે સીધી લાઈનમાં ગતિ કરે ત્યારે તેણે વચ્ચે વળાંક લેવાનો ન હોવાથી તે એક જ સમયમાં યોગ્ય સ્થાને પહોંચી જાય છે. તેની આ ગતિને અજુગતિ કહેવાય છે. પણ જો તેને વચ્ચે વળવાનું હોય તો વચ્ચે જેટલી વાર વળવાનું હોય તેટલા સમય વધે છે. એક વળાંક લે તો બે સમય લાગે. બે વળાંક લે તો ત્રણ સમય લાગે ત્રણ વળાંક લે તો ચાર સમય લાગે.કોઈ આત્મા ચાર વળાંક લઈને પાંચમા સમયે ઉત્પત્તિસ્થાને પહોંચે છે. આને વિગ્રહગતિ કહેવાય છે. તેમાં પહેલા અને છેલ્લા સમયે જીવા આહારી હોય છે. વચ્ચેના બીજા, ત્રીજા, ચોથા સમયે તે અણાહારી હોય છે.
હજુગતિમાં આનુપૂર્વી નામકર્મનો ઉદય થતો નથી. પણ વિગ્રહગતિમાં વળવાનું હોય ત્યારે આનુપૂર્વી નામકર્મનો ઉદય થાય છે. ૧૪ રાજલોકમાં વચ્ચે એક રાજલોક પહોળી ત્રસનાડી છે. ત્રસનાડીમાં જ ત્રસજીવો રહે પણ તેની બહાર નહિ. આ ત્રસનાડીની એક બાજુથી બીજી બાજુ ઉત્પન્ન થવાનું હોય ત્યારે જીવને ૩-૪ કે પ સમય લાગે છે. તત્વઝરણું
૨૪