________________
સંવત ૨૦૫૮ આસો વદ ૧૨ શનિવાર. તા. ૦૨-૧૧-૦૨
સમ્યગ્દર્શનની હાજરીમાં મનુષ્યો અને તિર્યંચો જો આયુષ્ય બાંધે તો વૈમાનિક દેવલોકનું જ બાંધે. ચંડકોશિયા નાગનો આત્મા સાધુ તરીકેના ભવમાં કાળધર્મ પામીને જ્યોતિષ દેવલોકમાં ગયો તેનું કારણ આયુષ્ય બંધાતી વખતનો તેનો તેવો ભાવ હશે. માટે આપણે સતત સાવધાની રાખવાની જરુર છે. જો આયુષ્ય બંધાતી વખતે આપણી સ્થિતિ કષાયભરપૂર, સંક્લેશયુક્ત કે પાપાચારમાં લીન હશે તો આવતા ભવનું આયુષ્ય કેવું બંધાશે ? તે ગંભીરતાથી વિચારી લેવાની જરુર છે.
—
આવતા ભવનું આયુષ્ય તો આ ભવના ૨/૩ ભાગ પસાર થાય ત્યારે કે પછી બાકી રહેતા ૨/૩, ૨/૩ ભાગે બંધાઇ શકે. છેવટે મરતી વખતે પણ બંધાય. આપણને આપણું આ ભવનું આયુષ્ય કે મરવાનો સમય ખબર નથી. તેથી આપણે પ્રત્યેક પળે આયુષ્ય બાંધવાની શક્યતા સમજીને જાગ્રત રહેવું જરુરી છે.
આયુષ્યકર્મ ઘોળના પરિણામે બંધાય છે. ઘોળ એટલે ચડ-ઉતર પરિણામ. સતત વધતાં જતાં અધ્યવસાયો હોય ત્યારે કે સતત પડતા પરિણામ હોય ત્યારે આવતા ભવનું આયુષ્ય બંધાઇ ન શકે. ઉપશમશ્રેણી કે ક્ષપકશ્રેણીમાં ઉપર ઉપરના ગુણઠાણે આત્મા સતત ચડતા પરિણામે જઇ રહ્યો હોય ત્યારે અને ઉપશમશ્રેણીમાં સતત નીચે પડી રહ્યો હોય ત્યારે આવતા ભવનું આયુષ્ય બંધાતુ નથી. ૧ થી ૭ ગુણઠાણે જ્યારે આત્મા હોય અને તેના પરિણામો જ્યારે સતત ચડતા જતાં ન હોય કે સતત પડતા જતાં ન હોય પણ ચડ-ઉતર થતા હોય તેવા સમયે આવતા ભવનું આયુષ્ય બંધાય. તેમાં પણ ત્રીજા ગુણઠાણે આવતા ભવનું આયુષ્ય ન બંધાય.
આખા ભવમાં માત્ર આવતા એક જ ભવનું આયુષ્ય બંધાય; પણ એકથી વધારે ભવનું નહિ. તે આયુષ્ય બંધાતા એક અંતર્મુહૂર્તનો સમય લાગે. આયુષ્ય એકવારમાં, બે ટૂકડે, ત્રણ ટુકડે કે વધુમાં વધુ આઠ ટુકડે બંધાય. તેને આકર્ષ કહેવાય. વધુમાં વધુ આઠ આકર્ષમાં આવતાભવનું આયુષ્ય બંધાય. આકર્ષ એટલે એક પ્રકારનો અધ્યવસાય; પરિણામ.
જીવનમાં અતિશય પાપ કરનારી વ્યક્તિ પ્રસન્ન, શાંત, પીડા વિના, સમાધિયુક્ત મરણ પામતી કયારેક દેખાય છે તો ક્યારેક ધર્મી વ્યક્તિ ભયાનક ત્રાસ પામતી, રીબાતી, અસમાધિ-સંક્લેશવાળી જણાય છે,તેનું કારણ શું? તેવો આપણને સવાલ થાય તે સહજ છે.
તત્વઝરણું
૨૧૬