________________
સંવત ૨૦૫૮ શ્રાવણ વદ : ૮ શનિવાર. તા. ૩૧-૮-૦૨
અનંતકાળથી આપણો આત્મા દુ:ખયુક્ત, કર્મયુક્ત અને દોષયુક્ત છે, હવે તેની દુઃખમુક્ત, કર્મમુક્ત અને દોષમુક્ત અવસ્થા પેદા કરવી તેનું નામ મોક્ષ. આ મેળવ્યા પછી કાંઇ જ મેળવવાનું બાકી રહેતું નથી, તેથી ત્યાં
ગયેલાને કોઇ ઇચ્છા થતી નથી.
ઇચ્છા હોય તો જ દુઃખ આવે. ઇચ્છા જ ન હોય તો કોઇ દુઃખ ન આવે; કારણકે સર્વ દુઃખોનું મૂળ ઇચ્છા છે, માટે ઇચ્છા કરવી જ હોય તો એક જ કરો કે હું સદા માટે ઇચ્છા વિનાનો બની જાઉં. Desire to be desireless. ઇચ્છા આકાશ સમાન અનંત છે. તેનો છેડો કદી ન આવે. એક ઇચ્છા પૂરી થતાં નવી ઇચ્છા ઊભી થાય. પુણ્ય પૂરતું ન હોય તો ઇચ્છા પૂરી ન થાય. પરિણામે દુ:ખી થયા વિના ન રહીએ. સર્વ ઇચ્છા રહિત અવસ્થા એટલે મોક્ષ. ત્યાં હોય આત્મામાં રમણતા. ઇચ્છા કરીએ એટલે આત્માથી દૂર જઇએ. માટે દુઃખી થઇએ.
પેલો કપિલ ! બે માસા સોનું લેવા રાજા પાસે ગયો. રાજાએ જેટલું જોઇએ તેટલું માંગવા કહ્યું. વિચારવા લાગ્યો. જેમ જેમ વધુને વધુ માંગવાની ઇચ્છા કરવા લાગ્યો તેમ તેમ દુઃખી – દુઃખી – મહાદુઃખી થવા લાગ્યો. જેમ જેમ ઇચ્છા ઓછી કરતો ગયો તેમ તેમ સુખ શાંતિ - પ્રસન્નતાને અનુભવવા લાગ્યો; કારણકે સંતોષ · તૃપ્તિ વગેરે ગુણો ખીલવવા દ્વારા આત્માની નજીક આવતો હતો. આલોચતા (વિચારતા) આલોચતા તેણે લોચ કરી દીધો ! ભાવની ધારામાં કેવળજ્ઞાની બન્યા, પછી મોક્ષે ગયા.
આઠે કર્મોનો નાશ થવાથી મોક્ષે પહોંચેલા આત્મામાં (૧)અનંતજ્ઞાન (૨)અનંત દર્શન (૩)અવ્યાબાધ સુખ (૪)વીતરાગતા (૫)અક્ષયસ્થિતિ (૬)અરુપીપણું (૭)અગુરુલઘુપણું અને (૮)અનંતવીર્ય ગુણો પ્રગટ થાય. બધા કર્મોની પીડા દૂર થાય. આઠે કર્મો, તેના વિપાકો વગેરે વિગતથી સમજવા જેવા છે. તે માટે ‘‘કર્મનું કમ્પ્યુટર'' પુસ્તકના ત્રણે ભાગ વાંચવા જરુરી છે.
સતત મોક્ષે જવાનું ચાલુ છે, પણ જે ભવ્ય આત્મા હોય તે જ મોક્ષે જાય. અભવ્ય કે જાતિભવ્ય કદી પણ મોક્ષે જાય નહિ. જે જે આત્માઓ મોક્ષે ગયા છે, જાય છે અને જશે, તે બધા ભવ્ય જ હોય; પણ જે જે ભવ્ય હોય તે તમામ મોક્ષે જાય જ; એવો નિયમ નથી. અવ્યવહારરાશીમાં સદાકાળ રહેનારા જાતિભવ્ય આત્માઓ મોક્ષે જવાની યોગ્યતાવાળા હોવા છતાં અનુકૂળ સંયોગ ન મળવાથી જેમ મોક્ષે જવાના નથી, તેમ બધા જ ભવ્ય જીવો પણ મોક્ષે જવાના નથી.
તત્વઝરણું
૧૦૦