________________
૨૫
અ૦ ૧ સૂ૦ ૮] શ્રીતત્ત્વાધિગમસૂત્ર
શાસ્ત્રીય પદ્ધતિથી તત્ત્વોને વિશેષરૂપે જાણવાના પ્રકારોसत्-संख्या-क्षेत्र-स्पर्शन-कालाऽन्तर-भावाऽल्पबहुत्वैश्च ॥१-८॥
સત, સંખ્યા, ક્ષેત્ર, સ્પર્શના, કાલ, અંતર, ભાવ અને અલ્પબદુત્વ એ આઠ દ્વારોથી પણ તત્ત્વોનું જ્ઞાન થઈ શકે છે.
જેમ નિર્દેશ આદિ છ તારોથી તત્ત્વોનું જ્ઞાન થાય છે, તેમ આ સત્ આદિ આઠ દ્વારોથી પણ તત્ત્વોનું જ્ઞાન થાય છે.
(૧) સત– સત્ એટલે સત્તા=વિદ્યમાનતા. વિવક્ષિત વસ્તુ જગતમાં વિદ્યમાન છે કે નહિ ? તેની વિચારણા આ દ્વારથી થાય છે. (૨) સંખ્યાવિવક્ષિત વસ્તુની કે તેના માલિકની સંખ્યા કેટલી છે? તેની વિચારણા કરવી એ આ કારનું પ્રયોજન છે. (૩) ક્ષેત્ર વિવક્ષિત તત્ત્વ અથવા તેના સ્વામી કેટલા ક્ષેત્રમાં હોઈ શકે? તે આ દ્વારથી જણાય છે. (૪) સ્પર્શના– વિવક્ષિત તત્ત્વ અથવા તેના માલિક કેટલા ક્ષેત્રને સ્પર્શે ? તેનો બોધ આ દ્વારથી થાય છે. (૫) કાળ- વિક્ષિત તત્ત્વ કેટલા કાળ સુધી રહે ? તેની વિચારણા. (૬) અંતર– વિવક્ષિત તત્ત્વની પ્રાપ્તિ થયા બાદ તેનો વિયોગ થાય તો કેટલા કાળ સુધી વિયોગ રહે? તેનું જ્ઞાન આ દ્વારથી થાય છે. (૭) ભાવ–ઔદયિક આદિ પાંચ ભાવોમાંથી કયા ભાવે વિવક્ષિત તત્ત્વ હોય તેની વિચારણા. (૮) અલ્પબદુત્વ સમ્યગ્દર્શન આદિ તત્ત્વોના સ્વામીને આશ્રયીને ન્યૂનઅધિકનો વિચાર.
હવે આપણે સમ્યગ્દર્શનગુણની આ દ્વારોથી વિચારણા કરીએ.
(૧) સત્– સમ્યગ્દર્શન જગતમાં વિદ્યમાન છે. તે ચેતનનો ગુણ હોવાથી ચેતનમાં હોય છે, જડમાં નહિ. ચેતનમાં પણ દરેક જીવમાં હોય એવો નિયમ નહિ.
(૨) સંખ્યા- સમ્યગ્દર્શન જેમનામાં હોય તેવા જીવો અસંખ્યાતા છે. સિદ્ધના જીવોની અપેક્ષાએ તેવા જીવો અનંત છે.
(૩) ક્ષેત્ર-સમ્યગ્દર્શનવાળા એક જીવનું કે સર્વ જીવોનું ક્ષેત્ર લોકનો અસંખ્યાતમો ભાગ જ છે. કારણ કે સમ્યગ્દષ્ટિ જીવો સંજ્ઞિપંચેન્દ્રિય જ હોય. સંજ્ઞિપંચેન્દ્રિય જીવો લોકના અસંખ્યાતમા ભાગમાં જ રહ્યા છે. એક જીવના અસંખ્યાતમા ભાગથી અનેક જીવોનો અસંખ્યાતમો ભાગ મોટો સમજવો.