________________
અ૦ ૭ સૂ૦ ૨૧]
શ્રીતત્ત્વાર્થાધિગમસૂત્ર
૩૧૭
છે, અને તાત્ત્વિક દૃષ્ટિથી અસત્ય છે. એ પ્રમાણે અતિસંધાનમાં પણ યથાયોગ્ય સમજી લેવું.
(૨) રહસ્ય-અભ્યાખ્યાન— રહસ્ય એટલે એકાંતમાં બનેલ. અભ્યાખ્યાન એટલે કહેવું. વિરુદ્ધ રાજયો, મિત્ર-મિત્ર, પતિ-પત્ની વગેરેની એકાંતમાં થયેલ ક્રિયા કે વાત વગેરેને હાસ્યાદિપૂર્વક બહાર પાડવી. ગુપ્ત હકીકત બહાર આવવાથી પતિ-પત્ની વગેરેને દુઃખ ઉત્પન્ન થાય, ક્લેશકંકાસ થાય, યાવત્ મારામારી સુધીનો પ્રસંગ પણ બને. અહીં હકીકત સાચી હોવાથી બાહ્યદૃષ્ટિએ વ્રતભંગ ન હોવા છતાં તાત્ત્વિક દૃષ્ટિએ વ્રતભંગ થવાથી રહસ્યાભ્યાખ્યાન અતિચાર છે.૨
(૩) કૂટલેખક્રિયા– સાચા લેખને ફેરવી નાખવો, ચોપડા વગેરેમાં ખોટી સાક્ષી પૂરવી, ખોટી સહી કરવી, ખોટા જમા-ખર્ચ કરવા, મહોર, હસ્તાક્ષર આદિથી ખોટા દસ્તાવેજો ક૨વા, ખોટા લેખો લખવા, ખોટી બિના છાપવી વગેરે. અહીં અસત્ય બોલવાનો નિયમ છે, અસત્ય લખવાનો નિયમ નથી. આથી બાહ્યદૃષ્ટિથી વ્રતનો ભંગ નથી, પણ તાત્ત્વિક દૃષ્ટિએ (જે દોષો અસત્ય બોલવાથી લાગે તે દોષો અસત્ય લખવાથી લાગે છે. માટે) વ્રતનો ભંગ છે. આથી ફૂટલેખક્રિયા અતિચાર છે.
(૪) ન્યાસાપહાર– કોઇએ અમુક રકમ પોતાને સાચવવા આપી હોય. સમય જતાં આપનાર વ્યક્તિ કેટલા આપ્યા છે તે ભૂલી જાય. લેવા આવે ત્યારે આપ્યા હોય તેનાથી ઓછા માગે. તેણે જેટલા માગ્યા હોય તેટલા પૈસા આપે. બાકીની રકમ પોતે હજમ કરી જાય. દા.ત. ૫૦૦ રૂપિયા સાચવવા આપ્યા હોય. માગવા જાય ત્યારે ૪૦૦ આપ્યા છે એમ માનીને ૪૦૦ રૂપિયા માગે. આથી આપનાર વ્યક્તિ તમે ૫૦૦ આપ્યા છે એમ ન કહે. ૪૦૦ રૂપિયા આપી દે અને ૧૦૦ રૂપિયા પોતે હજમ કરી જાય. અથવા કોઇ સાક્ષી ન હોવાથી તમોએ મને એકે ય રૂપિયો આપ્યો નથી એમ સર્વથા ના કહે.
યદ્યપિ ન્યાસાપહાર એ ચોરી છે, છતાં ચોરી છુપાવવા તેવાં અસત્ય મિશ્રિત વાક્યો બોલવાનો પ્રસંગ આવે એ દૃષ્ટિએ એને સત્યવ્રતના અતિચાર તરીકે ગણવામાં આવેલ છે.
૧. એકાંતમાં વાતચીત આદિ કરનારને કહે કે મેં તમારી વાત આદિ જાણી લીધું છે. અથવા અન્યને કહે કે અમુકે અમુક અમુક વાત આદિ કર્યું છે.
૨. યોગશાસ્ત્ર આદિ ગ્રંથોમાં આ અતિચારનું ‘ગુહ્યભાષણ’ નામ છે.