________________
૨૭૨
શ્રીતત્ત્વાથિિધગમસૂત્ર (અ) ૬ સૂ૦ ૨૬ આજે જેઓ મોક્ષને ઉદ્દેશીને ધર્મનું આચરણ કરે છે તેવા ધર્મી આત્માઓ અમુક જરૂરી વ્યવહારના નિયમો પાળી શકતા નથી એવું પણ બને છે. તેમના આ દોષોને આગળ કરીને જેમને ધર્મનો ખપ નથી, ધર્મ ગમતો નથી, તેવાઓ ધર્મને વખોડે છે. તેમણે ઉપર કહેલું દૃષ્ટાંત યાદ રાખવું જોઈએ. લાડવામાં ઘી-ગોળ અલ્પ હોય અને મેથી વધારે હોય તો તેમાં ઘી ગોળ હોવા છતાં તેની ખબર ન પડે, તેનો સ્વાદ ન દેખાય. તેમ જેઓ અતિ અલ્પ ધર્મ કરે છે તેઓમાં ધર્મની ઉન્નતિ થઈ હોવા છતાં સંસારની પરિણતિ હજી વધારે હોવાથી ધર્મથી થયેલી સામાન્ય ઉન્નતિ આપણને દેખાતી નથી. બાકી તેમાં અલ્પાંશે પણ ઉન્નતિ અવશ્ય થઈ હોય છે. આથી આવા (જેમનામાં અલ્પાંશે ઉન્નતિ થઈ છે તેવા) ધાર્મિકોના અમુક અમુક દોષોને આગળ કરીને ધર્મને દોષ આપવો એ નરી અજ્ઞાનતા છે. ધર્મ તો દરેકની ઉન્નતિ જ કરે છે. પણ સાથે રહેલી કષાયની પરિણતિ અવનતિ કરે છે. એટલે ધર્મીના જીવનમાં દેખાતી ત્રુટિઓનું કારણ ધર્મ નથી, કિન્તુ તેની સાથે રહેલી રાગ-દ્વેષની પરિણતિ છે. આથી ધર્મીના જીવનમાં જ્યારે જ્યારે ત્રુટિઓ દેખાય ત્યારે ત્યારે ધર્મ તરફ કરડી નજર ન કરતાં રાગ-દ્વેષ તરફ કરડી નજર કરવી એ જ હિતાવહ છે. (૨૬).