________________
અ૦ ૫ સૂ૦ ૨૦] શ્રીતત્ત્વાર્થાધિગમસૂત્ર
૧૯૭ ભાષાવર્ગણાના પુદ્ગલોનો પરિણામ હોવાથી પૌદ્ગલિક દ્રવ્ય છે. કેટલાક વાણીને ગુણ રૂપ માને છે. પણ તે અસત્ય છે. ભાષાનું (=શબ્દનું) જ્ઞાન શ્રોત્રેન્દ્રિય દ્વારા થાય છે ભાષા રસનેન્દ્રિય આદિની સહાયથી ઉત્પન્ન થાય છે, અને શ્રોત્રેન્દ્રિયની સહાયથી જાણી શકાય છે.
પ્રશ્ન- એક વાર સાંભળ્યા બાદ તે જ શબ્દો ફરી કેમ સંભળાતા નથી?
ઉત્તર- જેમ એક વાર જોયેલી વિજળી તેના પુદ્ગલો ચારે બાજુ વિખરાઈ જવાથી બીજી વાર દેખાતી નથી, તેમ એક વાર સંભળાયેલા શબ્દો તેના પુગલો ચારે બાજુ વિખરાઈ જવાથી ફરી વાર સંભળાતા નથી.
પ્રશ્ન- ગ્રામોફોનની રેકર્ડમાં એના એ જ શબ્દો વારંવાર સંભળાય છે તેનું શું કારણ?
ઉત્તર– જેમ વીજળીનો ફોટો લેવામાં આવે તો વીજળી વારંવાર દેખી શકાય છે તેમ શબ્દરૂપ પુદ્ગલોને ગ્રામોફોનની રેકર્ડમાં સંસ્કારિત કરવામાં આવતા હોવાથી સંસ્કારિત શબ્દો આપણે વારંવાર સાંભળી શકીએ છીએ. પણ મૂળ શબ્દો બીજી વાર સંભળાતા નથી.
પ્રશ્ન- ભાષા( શબ્દ) જો પુદ્ગલ દ્રવ્ય હોય તો શરીરની જેમ આંખોથી કેમ ન દેખી શકાય ?
ઉત્તર- શબ્દના પુદ્ગલો અત્યંત સૂક્ષ્મ હોવાથી આંખોથી દેખી શકાતા નથી. શબ્દો કેવળ શ્રોત્રેન્દ્રિયથી જ ગ્રાહ્ય બને છે.
પ્રશ્ન- ભાષા આંખોથી દેખાતી નથી. માટે તેને અરૂપી માનવામાં આવે તો શી હરકત છે?
ઉત્તર– ભાષાને અરૂપી માનવામાં આવે તો અનેક વિરોધ ઉત્પન્ન થાય છે. તે આ પ્રમાણે
(૧) અરૂપી વસ્તુ રૂપી વસ્તુની મદદથી જાણી ન શકાય. જ્યારે શબ્દો રૂપી શ્રોત્રેન્દ્રિયની મદદથી જાણી શકાય છે.
(૨) અરૂપી પદાર્થને રૂપી પદાર્થ પ્રેરણા ન કરી શકે. જ્યારે શબ્દને રૂપી વાયુ પ્રેરણા કરી શકે છે. એથી જ આપણે વાયુ અનુકૂળ હોય તો દૂરથી પણ શબ્દો સાંભળી શકીએ છીએ અને વાયુ પ્રતિકૂળ હોય તો નજીકથી પણ શબ્દો સાંભળી શકતા નથી.