________________ પરિશિષ્ટ-૩ પરિશિષ્ટ-૩ ધાર્મિક શિક્ષણની આવશ્યકતા જડ કરતાં ચેતનનું વૈશિષ્ટય હોય, તો આના પર જ છે, કે ચેતન જ્ઞાનસ્વભાવ છે, એ જ સ્વભાવ પર એનું જડ પર પ્રભુત્વ છે, એના જ આધાર પર જડના વૈગ્નસિક (સહજ) થતા ભાવોને છોડી અન્ય ભાવો સર્જાય છે. આવા જ્ઞાનસ્વભાવને પૂર્ણ પ્રગટ કરવો, એ જ ચેતનનું મુખ્ય કાર્ય હોય. જ્ઞાન પર જ સંસ્કરણ અને આત્મિક ઉત્ક્રાંતિના માર્ગનું અનુસરણ થાય છે. જ્ઞાન પણ મિથ્યા નહીં, કિન્તુ સમ્યફ જોઈએ. મિથ્યાજ્ઞાન જીવને વધુ મૂઢ બનાવી, અપકૃત્યોનો ભોગ બનાવી ભવાટવીમાં ભમાવે છે. સમ્યકજ્ઞાન વિવેકી બનાવી ઊંચે ચઢાવે છે. આ સમ્યકજ્ઞાન ધાર્મિક શિક્ષણથી સાધ્ય છે. જીવનમાં દ્રવ્યપ્રાણ ટકાવવા અન્નપાણી જરૂરી છે. તેમ ભાવપ્રાણ “જ્ઞાન” માટે શિક્ષણની જરૂરનો ઈન્કાર કોણ કરી શકે ? એમાં કે આજે જ્યારે ભૌતિક શિક્ષણનો પ્રબળ વાયરો વાઈ રહ્યો છે, અને જેથી બુદ્ધિ વધુ જડમુખી, આત્મવિસ્મારક બની રહી છે, ત્યારે તો વિશેષ યોજનાબદ્ધ ધાર્મિક શિક્ષણની જરૂર છે. ધાર્મિક શિક્ષણ અમૃતસંજીવનીની જેમ જીવનમાં સ્વાત્મભાન, કર્તવ્યભાન, સુકૃતોત્સાહ વગેરેના ધબકારા શરૂ કરી દે છે, જીવને પશુ જીવનમાંથી બહાર કાઢી સાચા માનવજીવનમાં લાવી દે છે, એ વિનાના જીવો તો પશુયોનિમાં જ કરેલ ચેષ્ટાથી વધુ શું કરી રહ્યા છે? ધ્યાનમાં રહે, માનવભવ જંક્શનનું સ્ટેશન છે. ત્યાંથી જે પાટે ગાડી ઉપડી તે માટે પાછી દોડતી જવાની. ધાર્મિકશિક્ષણથી સંસ્કારિત અને સદાચારબદ્ધ જીવનના પાટે ગાડી ચાલતી કરી, તો પછી આગળના ભવે એ માર્ગે દોડતી જવાની. આજની ઘણી ફરિયાદો જેવી કે, ઉશૃંખલતા, સ્વચ્છંદતા, વિલાસિતા, દુરાચાર, અસત્ય, અનીતિ, અભિમાન વગેરેને નાથવાની જરૂર છે. એ ધાર્મિક શિક્ષણથી શક્ય ભાવિ જૈનસંઘ આજની નવી પ્રજામાંથી બનવાનો છે. એ હકીકત છે. નવી પ્રજા જો ધાર્મિક શિક્ષણ વિનાની હશે, તો કલ્પી લો ભાવિ ચિત્ર. મહાપુરુષોએ અથાગ પરિશ્રમથી શાસ્ત્રસર્જન આદિ દ્વારા આપણા સુધી શાસન પહોંચાડ્યું. તો આપણે કૃતજ્ઞતાની રૂએ પણ શાસનની પરંપરા આપણા સંતાનમાં ઉતારવી જ રહી. એ ધાર્મિક શિક્ષણથી જ શક્ય છે. - આચાર્ય વિજય ભુવનભાનુસૂરીશ્વરજી મહારાજા