________________
૬૪
પરિશિષ્ટ-૧ - શાશ્વત ચૈત્યોને વંદના
પરિશિષ્ટ-૧
શાશ્વત ચૈત્યોને વંદના
જિનચૈત્યો તથા જિનપ્રતિમાજીઓ બે પ્રકારના છે.
(૧) શાશ્વત (૨) અશાશ્વત
જે જિનપ્રતિમાજીઓને કોઈએ પણ નિર્માણ કરેલી હોય તે પ્રતિમાજી
અશાશ્વત છે. આ જગતમાં અનાદિકાળથી તથા સ્વભાવે જેમ સૂર્ય ચંદ્રાદિના વિમાનો છે, મેરુ આદિ પર્વતો છે તેમ અનાદિકાળથી જિનચૈત્યો અને જિનપ્રતિમાજીઓ પણ છે. સૂર્ય ચંદ્રાદિનાં વિમાનો કે મેરુ આદિ પર્વતોનું કોઈએ નિર્માણ કરેલ નથી, પણ શાશ્વત છે. તેવી રીતે અસંખ્ય જિનમંદિરો અને અસંખ્ય જિનપ્રતિમાજીઓ પણ નિત્ય અને શાશ્વત છે, જેનું કોઈએ નિર્માણ કરેલ નથી. આવાં જિનમંદિરો તથા જિનપ્રતિમાજી ત્રણે લોકમાં છે. ત્રણ લોકમાં રહેલા આ શાશ્વત જિનમંદિરો તથા શાશ્વત જિનપ્રતિમાજીઓનો આ પ્રકરણમાં વિચાર કરવામાં આવ્યો છે. જંબુદ્રીપનું સ્વરૂપ આ ગ્રંથમાં આપણે સમજ્યા હોઈ પ્રથમ જંબુદ્વીપમાં શાશ્વત ચૈત્યો તથા શાશ્વત જિનપ્રતિમાજીઓ, ક્યાં ક્યાં છે તે બતાવેલ છે, પછી અઢી દ્વીપમાં, તિńલોકમાં, ઊર્ધ્વલોકમાં અને અધોલોકમાં રહેલા શાશ્વત જિનચૈત્યો તથા શાશ્વત જિનપ્રતિમાજીઓ બતાવેલ છે. છેલ્લે બધાની ભેગી ગણત્રી કરી સઘળા શાશ્વતચૈત્યો અને શાશ્વત જિનપ્રતિમાજીઓને ભાવભરી વંદના કરી છે.