________________
પેલી પ્રસિદ્ધ વાત. એક મહિલા પર કોઇ વ્યભિચારનો આરોપ હતો. ગામ આખું એને પત્થર મારી-મારીને મારી નાખવા માંગતું હતું. સદ્ભાગ્યે એ ટોળા પાસે કોઈ પ્રભાવક સંત આવી ચડ્યા અને તેમણે સિંહગર્જના કરતાં કહ્યું : આ બેન પર પત્થર મારવાની છૂટ છે, પણ તે જ પત્થર મારી શકશે, જેણે જીવનમાં કોઇ જ પાપ કર્યું ન હોય.' - સંતના વચનોમાં એટલો પ્રાણ હતો કે સાંભળનારના ગાત્ર જ થીજી ગયા. બધાને પોતાના પાપ યાદ આવ્યા. બધાના હાથમાંથી પત્થર નીચે પડી ગયા અને સૌ ચૂપચાપ ચાલતા થયા.
સંતોનો માનવ-જાતને એક જ ઉપદેશ છે : પાપીને નહિ, પાપને ધિક્કારો.
પાપને ધિક્કારતાં-ધિક્કારતાં પાપીનો ધિક્કાર ન થઇ જાય તેની તકેદારી રાખો. માખી ઊડાડતાં-ઊડાડતાં નાક ન ઊડી જાય તે ખ્યાલમાં રાખવાનું છે.
તીર્થકરોના જીવન પર નજર કરો. એક પણ તીર્થંકર પ્રભુએ કદી કોઇ પાપીનો ધિક્કાર કર્યો છે ?
વેષધારી મરીચિની ભ. શ્રીઆદિનાથે નિંદા તો નથી કરી, પણ એમાં છુપાયેલું-ભવિષ્યમાં પ્રગટ થનારું-મહાવીરત્વ જાહેર કરીને, ભરત સહિત સૌને આશ્ચર્યમાં નાખી દીધા હતા.
ગોશાળા, જમાલિ, સંગમ કે ગમે તેવા પાપીઓને પણ પ્રભુએ ધિક્કાર્યા નથી.
પાપીઓ આપણને હેરાન કરતા હોય ત્યારે પણ ભગવાને એમને ધિક્કારવાની આજ્ઞા આપી નથી.
જેમણે જેમણે પાપીને ન ધિક્કાર્યા, પણ તેમની સંસારસ્થિતિનો વિચાર કર્યો, તેઓને કેવળજ્ઞાનની ભેટ મળી છે.
- પાપી પાલક પર અંધકાચાર્યના શિષ્યોએ ધિક્કાર નથી કર્યો... સોમિલ સસરા પર ગજસુકુમાલ મુનિએ દ્વેષ નથી કર્યો...
કે પોતાની ચામડી ઉતરડનાર મારા પ્રતિ સ્કંધ મુનિએ ગુસ્સો નથી કર્યો. પરિણામે શું થયું ? એ બધાને કેવળજ્ઞાન મળ્યું.
પાપીઓની નિંદા કરવાથી લાભ શો ? શું તેઓ સુધરી જવાના ? આપણી નિંદાથી કે આપણા ધિક્કારોથી કદી કોઇ સુધરી જતું નથી.
પ્રશ્ન થશે : તો શું કદી કોઇને હિતશિક્ષા આપવી જ નહિ ? કોઇને ટોકવા જ નહિ ? બધું ચૂપચાપ જોયા જ કરવાનું ?
અહીં ટોકવાની કે હિતશિક્ષા ન આપવાની વાત નથી. પણ ટોકવા છતાં કે હિતશિક્ષા આપવા છતાં જે આપણી સાચી પણ વાત માનવા જ તૈયાર ન હોય, સાંભળવા જ તૈયાર ન હોય, ત્યારે શું કરવું ? એની વાત છે. અથવા તો જે હિતશિક્ષાને લાયક જ ન હોય તેના પર શું કરવું ? તેની વાત છે.
ત્યારે વિચારવું : સંસારના બધા જ જીવો કંઇ એકીસાથે મોક્ષમાં જવાના નથી. મારું આદેય નામકર્મ એટલું જોરદાર નથી કે બધા જ મારી વાત માને. અરે... તીર્થકરોનું ઉત્કૃષ્ટ પુણ્ય અને સર્વ જીવોના ઉદ્ધારની પૂર્વ જન્મની ઉત્કૃષ્ટ ભાવના હોવા છતાં બધાને તારી શક્યા નથી કે બધાને પોતાની વાત સમજાવી શક્યા નથી... તો હું કઈ વાડીનો મૂળો ? એને સુધારવા મારે શા માટે દુર્ગાનમાં ચડવું ? આવી વિચારધારાથી પાપી પર પણ સમતા રહી શકે.
ચોથી માધ્યચ્ય ભાવના આવા પાપીઓ માટે જ છે. પણ એ ભાવના વખતે પણ મૈત્રી ભાવના તો છોડવાની નથી જ. પાપી પ્રત્યે પણ મૈત્રીપૂર્ણ જ માધ્યચ્ય ભાવના હોવી જોઇએ.
આજનું બીજ આવતીકાલનું વૃક્ષ હોઇ શકે. આજનો પત્થર આવતી કાલની પ્રતિમા હોઇ શકે. આજનું દૂધ આવતી કાલનું માખણ હોઇ શકે. આજનો પાપી આવતી કાલનો પરમાત્મા હોઇ શકે.
ઉપદેશધારા * ૧૭૮
ઉપદેશધારા + ૧૭૯