________________
પંચપરમેષ્ઠીના રંગો તો તમને ખ્યાલ જ હશે. એ રંગો ધ્યાનદશામાં કેટલા આગળ વધ્યા તે દર્શાવતા માઇલસ્ટોન છે.
સાધુપદનો વર્ણ કાળો છે. અરિહંતનો વર્ણ સફેદ છે. આપણી યાત્રા કાળાથી સફેદ સુધીની છે. આપણી આંતરિક ચેતના અત્યારે મલિન છે, પણ જેમ જેમ આપણે સાધનામાં આગળ વધતા જઇએ તેમ તેમ કાળાશ ધોવાતી જાય... ક્રમશઃ લીલાશ, પીળાશ, લાલાશ પછી ધોળાશ આવતી જાય. જયાંથી સાધના શરૂ કરવાની છે, ત્યાં કાળાશ છે. જયાં સાધના પૂર્ણ થશે ત્યાં ધોળાશ છે. કાળાશ એટલે ખીણ. ધોળાશ એટલે શિખર. અંધારાભરી ખીણમાંથી નીકળીને આપણે પ્રકાશમાન શિખર પર પહોંચવાનું છે. જેમ જેમ રંગ નિર્મળ બને તેમ તેમ સમજવું કે આપણે સાધનામાં આગળ વધી રહ્યા છીએ. સાધક જયોતિકેન્દ્ર (આજ્ઞાચક્ર)માં આ પ્રકાશ દેખે છે.
આગળ જતાં સાધકની દૃષ્ટિ જ એવી બની જાય છે કે બ્રહ્માંડમાં સર્વત્ર પંચપરમેઠી જ દેખાય છે. આ આખા વિશ્વમાં આંખને પાંચ રંગ (કે પાંચ રંગોના મિશ્રણ) સિવાય બીજું દેખાય છે શું ?
એક ભાઇએ કહ્યું કે મહારાજ ! મેં મરચાના ખેતરમાં પંચપરમેષ્ઠિના દર્શન કર્યા. મરચું પ્રારંભમાં (એકદમ ઉગતી અવસ્થામાં) કાળું હોય. સાધુનો પણ રંગ કાળો. પછી મરચું લીલું થાય સાધુ પણ આગળ વધીને ઉપાધ્યાય (લીલો રંગ) બને. પછી મરચું પીળું થાય. ઉપાધ્યાય આચાર્ય (પીળો રંગ) થાય. પછી મરચું લાલ થાય. આચાર્ય સિદ્ધ (લાલ રંગ) બને. લાખો ક્રોડોમાં એવું મરચું પણ હોઇ શકે જે સફેદ બનીને લાલ થાય. કોઇ એવો જીવ પણ હોઇ શકે જે અરિહંત (સફેદ રંગ) બનીને સિદ્ધ બને.
એક ભાઇએ કોલસામાં પંચ પરમેષ્ઠી જોયા. કોલસો પહેલા કાળો હોય, આગમાં નાખો એટલે લાલ-પીળી જવાળાઓ પ્રગટે, ધગધગતો લાલ અંગારો બની છેવટે સફેદ રાખ બને. રંગોમાં ક્રમશઃ પંચપરમેષ્ઠી છે ને? પંચપરમેષ્ઠીમાં વર્ણની સ્થાપના ખૂબ જ રહસ્યમય છે.
નવકારમાં ત્રણ ‘૨' રત્નત્રયીના દ્યોતક છે.
સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યક ચારિત્ર આ રત્નત્રયી છે. એની સાધના કરે તે જ શ્રાવક કહેવાય. દર્શનાદિ દ્વારા સમ્યગ્દર્શન, અધ્યયનાદિ દ્વારા સમ્યજ્ઞાન અને સામાયિકાદિ દ્વારા સમ્યક્ ચારિત્રને નિર્મળ બનાવે તે સાચો શ્રાવક કહેવાય. શ્રાવકમાંના ત્રણ અક્ષરો પણ આજ વાત કહે છે : “શ્રા'થી શ્રદ્ધા, ‘વ’થી વિવેક, ‘ક’થી ક્રિયા, શ્રદ્ધા એટલે સમ્યગ્દર્શન, વિવેક એટલે સમ્યજ્ઞાન અને ક્રિયા એટલે સમ્યક ચારિત્ર,
નવકારમાં ત્રણ ‘હ’ શત્રુને હણવાનું સૂચિત કરે છે. આપણા ખરા શત્રુઓ બહાર નહિ, પણ આપણી અંદર જ રહેલા છે. એ મુખ્ય ત્રણ શત્રુઓ છે : રાગ, દ્વેષ અને મોહ. આ ત્રણેને જે હણે તે જ સાચો વીર છે.
નવકારમાં ત્રણ ‘ય’ ત્રણ યોગને સ્થિર અને પવિત્ર બનાવવા કહે છે. મન-વચન-કાયા એ ત્રણ યોગ છે.
માળા ગણતી વખતે શરીરને પદ્માસન આદિ મુદ્રાઓમાં રાખવું તે શરીરયોગની સ્થિરતા, મૌન રહેવું તે વચન-યોગની સ્થિરતા અને મન નવકારમાં લગાડવું તે મનોયોગની સ્થિરતા.
શરીર અને વચનની સ્થિરતા તો સહેલી છે. આપણે જયારે શરીર અને વચનને સ્થિર થવાની આજ્ઞા કરીએ છીએ ત્યારે તેઓ તો તરત જ માની જાય છે, પણ મનને આજ્ઞા કરતાં જ તે વધુ અસ્થિર થાય છે. કેટલાક કહે છે કે મન માંકડું છે પણ લાગે છે કે મન માંકડાથી પણ વધુ ચંચળ છે. માંકડું વધુમાં વધુ એક ઝાડથી બીજા ઝાડ પર કૂદે, જયારે મન તો એક ગામથી બીજે ગામ, એક દેશથી બીજે દેશ કુદકો મારી શકે. અરે... સ્વર્ગ અને નરકે પણ જઇ શકે. કોઇ માંકડું આટલી કૂદાકૂદ કરી શકે ખરું ?
ઉપદેશધારા * ૧૨૪
ઉપદેશધારા + ૧૨૫